Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

અમરિંદરની રાષ્ટ્રપતિ શાસનની માંગ

PMની સુરક્ષામાં જયાં ચૂક થઈ, ત્યાંથી ૧૦ KM દૂર છે પાકિસ્તાન

રાજય સરકાર રાજયમાં કાયદો અને વ્યવસ્થાને સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે

ફિરોઝપુર, તા.૬: પંજાબમાં પીએમ મોદીના કાફલાની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી હોવાની ઘટના બની છે. એ પછી દેશના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. આ ઘટનાની અસર પંજાબની ચૂંટણી પર પણ પડી શકે છે. ત્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગ કરી છે. અમરિંદર સિંહે કહ્યું કે, ચરણજીત સિંહ ચન્નીના નેતૃત્વવાળી સરકાર રાજયમાં કાયદો વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઈ છે. તો પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડે ટ્વિટ કરીને કહ્યું કે, જે કંઈ પણ થયુ એ પંજાબની શાનની વિરૂદ્ઘ છે.

મહત્વનું છે કે, પીએમ મોદી આજે પંજાબની મુલાકાતે હતા. ત્યારે હુસૈનીવાલા પાસે ફ્લાયઓવર પર તેમનો કાફલો અટવાયો હતો. એ પછી પીએમ મોદી રેલીને સંબોધિત કર્યા વગર જ પરત ફર્યા હતા. પંજાબ લોક કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહે જણાવ્યું કે, જો આપણે આપણા રાજયને સુરક્ષિત કરવું હોય તો કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી પડશે. મને લાગે છે કે રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવું જોઈએ.

કેપ્ટન અમરિંદર સિંહે ચરણજીત સિંહ ચન્ની સરકાર પર કટાક્ષ કરતા ટ્વિટ કર્યુ કે, આ પંજાબની કાયદા વ્યવસ્થાની સંપૂર્ણપણે નિષ્ફળતા છે. ખાસ કરીને મુખ્યમંત્રી અને પંજાબના ગૃહ મંત્રીની નિષ્ફળતા છે. જો તમે દેશના પીએમને સુરક્ષિત રસ્તો નથી આપી શકતા તો, એ પણ એ જગ્યાએ કે જયાંથી માત્ર ૧૦ કિલોમીટર દૂર જ પાકિસ્તાની સીમા છે. સત્ત્।ામાં રહેવાનો તમને કોઈ અધિકાર નથી. તમારે આ સત્તા છોડી દેવી જોઈએ.

કોંગ્રેસ છોડીને પોતાની પાર્ટી બનાવનારા અમરિંદર સિંહે આગામી ચૂંટણી લડવા માટે ભાજપ સાથે ગઠબંધન કર્યુ છે. ફિરોઝપુરની રેલીમાં અમરિંદર સિંહ પણ પહોંચ્યા હતા. તો બીજી તરફ, પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડે કહ્યું કે, આજે જે પણ કંઈ થયુ એ સ્વીકારવા લાયક નથી. આ પંજાબની શાનની વિરુદ્ઘ છે. ફિરોઝપુરમાં ભાજપની રાજકીય રેલી હતી. રેલીને સંબોધિત કરવા માટે દેશના પીએમને એક સુરક્ષિત રસ્તો આપવો જોઈએ હતો. આ રીતે લોકતંત્ર કામ કરશે.

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ટ્વિટ કરીને રાજય સરકારને આડે હાથ લીધી. તેઓએ લખ્યું કે, પીએમની સુરક્ષા રાજય સરકારની જવાબદારી છે, પરંતુ મુખ્યમંત્રીએ એક ફોન સુદ્ઘા પણ ન ઉઠાવ્યો. આ દેશને તોડવાની વાતો છે. બંધારણની અસ્મિતાને કલંકિત કરવા જેવું છે. દેશ માફ કરશે નહીં.

અન્ય એક ટ્વિટમાં કહ્યું કે, કોંગ્રેસ અલગાવવાદની પ્રવૃત્તિ રાખે છે એટલે જ ગૃહ મંત્રાલયને વિશ્વાસ અપાવ્યા બાદ પણ પીએમ ને કિલયર રૂટ ન મળ્યો. પીએમ મોદીના કાફલા સામે ખુલ્લેઆમ અવરોધ ઊભા કરી દેવામાં આવ્યો. આ એક ષડયંત્ર લાગે છે અને પીએમ મોદીને પંજાબથી દૂર રાખવાનો એક પ્રયાસ છે. પંજાબની કોંગ્રેસ સરકાર પીએમ મોદીને રસ્તા પર જ રોકી રાખવાનું ષડયંત્ર રચ્યુ છે.(

(10:07 am IST)