Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

SPGના શિરે હોય છે પીએમની સુરક્ષાની જવાબદારી : NSG-શાર્પ શૂટર્સ હોય છે કાફલામાં

ડમી કાર પણ હોય છે પોલીસની પણ હોય છે ભૂમિકા

નવી દિલ્હી તા. ૬ : પીએમની સુરક્ષા આકરી અને અનેક સ્તરની હોય છે. મુખ્ય જવાબદારી એસપીજીની હોય છે. એનએસજી કમાન્ડો અને શાર્પ શૂટર્સ પણ હોય છે કાફલામાં વડાપ્રધાનની સુરક્ષા દેશમાં સૌથી ચુસ્ત હોય છે. જેની જવાબદારી સ્પેશિયલ પ્રોટેકશન ગ્રૂપ (SPG)ના માથે હોય છે. પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં છીંડા સામે આવ્યા છે. વડાપ્રધાન બુલેટપ્રૂફ રેન્જ રોવર, મર્સિડીઝ અને બીએમડબ્લ્યૂ ૭૬૦ એલઆઇ કારમાં સફર કરે છે. હાલમાં જ વડાપ્રધાનના કાફલામાં મર્સિડીઝ લિમોઝિન સામેલ કરાઇ છે તો મર્સિડિઝ મેબેક પણ કારના કાફલાનો હિસ્સો છે. જે ઘણી સુરક્ષા વિશેષતાઓથી સજ્જ છે.

મર્સિડીઝ મેબેક કારમાં VR-10 સ્તરની સુરક્ષા છે. તેની બોડીને વિશેષ ધાતુની મદદથી બખ્તરબંધ બનાવાયા છે. જે તેને અભેદ કિલ્લા સમાન બનાવે છે. તે ૨ મીટર દૂરથી કરાયેલા ૧૫ કિલોગ્રામ ટીએનટી વિસ્ફોટને પણ સહન કરી જાય છે. તેની પર પોલીકોર્બોનેટ કોટિંગ હોય છે જે કારમાં બેસેલા લોકોને વિસ્ફોટથી બચાવે છે.

જો પીએમ પર ગેસ એટેક કરાય તો આ કારની કેબિન ગેસ-સેફ ચેમ્બરમાં બદલાઇ જાય છે. બેકઅપ માટે કારમાં ઓકિસજન ટેન્ક હોય છે. તેમાં સેલ્ફ સિલિંગ ફયૂઅલ ટેન્ક પણ હોય છે, જેમાં કોઇપણ સંજોગોમાં વિસ્ફોટ થતો નથી. તે ઉપરાંત સુરંગો અને બોમ્બ વિસ્ફોટને સહન કરવા માટે કારની નીચેની બાજુ આર્મર પ્લેટ લાગેલી હોય છે. તે સિવાય ઇમરજન્સી એકિઝટ હોય છે. તેની સાથે જ કારના કાચ પણ બુલેટપ્રૂફ હોય છે.

પીએમના કાફલામાં તેમની વિશેષ કાર સમાંતર જ બે ડમી કાર પણ ચાલે છે. સાથે જ જામર કાફલાનો મહત્ત્વનો હિસ્સો હોય છે. જેની પર ઘણા બધા એન્ટિના લાગેલા હોય છે. જામરના એન્ટિના રોડની બંને તરફ ૧૦૦ મીટર દૂર પર રાખેલા વિસ્ફોટકોને ડિફયૂઝ કરવાની ક્ષમતા ધરાવે છે. કાફલામાં ચાલતી તમામ કારોમાં એનએસજી શૂટર કમાન્ડો રહે છે. વડાપ્રધાનના કાફલામાં તેમની સાથે સુરક્ષા માટે લગભગ ૧૦૦ લોકોની સિકયોરિટી ટીમ ચાલે છે. વડાપ્રધાન જયારે દિલ્હી અથવા અન્ય રાજયમાં જાય છે ત્યારે સુરક્ષા કારણોસર તેમનો રૂટ લગભગ ૭ કલાક પહેલાં નક્કી થાય છે. તેની સાથે જ વૈકલ્પિક માર્ગ પણ નક્કી કરાય છે. જેની પર પહેલાં રિહર્સલ થાય છે.

પીએમના કાફલા આગળ દિલ્હી કે સંબંધિત રાજયની પોલીસની ગાડીઓ ચાલે છે. જે રુટ કિલયર કરાવે છે. સ્થાનિક પોલીસ જ એસપીજીને રસ્તા પર આગળ વધવાની સૂચના આપે છે. તે બાદ જ કાફલો આગળ વધે છે. પીએમના કાફલા માટે હંમેશાં બે વૈકલ્પિક માર્ગ છે. મુખ્ય માર્ગમાં કોઇ ટેકિનકલ અથવા અન્ય સમસ્યા થવા પર એસપીજી વૈકલ્પિક માર્ગ નક્કી કરે છે. જો પીએમ વિમાનથી પ્રવાસ કરતા હોય તો હવામાન ખરાબ થવા પર પણ વૈકલ્પિક સડક માર્ગે તેઓ પ્રવાસ કરે છે. જે પહેલાંથી નક્કી હોય છે. જયારે વડાપ્રધાનનો કાફલો દિલ્હી સિવાયના કોઇ રાજયમાં હોય છે, ત્યારે તેમના સુરક્ષા ઘેરામાં બહારની જવાબદારી સ્થાનિક પોલીસની હોય છે. પીએમના પ્રવાસના ઠીક ૩-૪ દિવસ પહેલાં એસપીજી સમગ્ર રસ્તાનું અવલોકન કરીને રુટ નક્કી કરે છે.

પીએમની સુરક્ષા ઉચ્ચ સ્તરની હોય છે. એસપીજી પાસે કલોઝ સિકયોરિટીની જવાબદારી હોય છે પરંતુ બાકીની વ્યવસ્થા અને બહારની સુરક્ષા રાજયની જવાબદારી છે. કોઇપણ સંજોગોમાં યોજના ઓચિંતી બદલાય અથવા જરૂર પડે તો રાજયે તૈયાર રહેવાનું હોય છે. પીએમ ભલે વિમાન માર્ગે જાય પણ વૈકલ્પિક રોડ માર્ગ કિલયર રાખવા અને રોડ પર હંમેશાં સુરક્ષા વ્યવસ્થા રાખવાની જરૂર રહે છે. સ્થાનિક પોલીસે રોડને કિલયર રાખવાનો હોય છે.

(10:33 am IST)