Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

SGSTનો આતંક : ૪ વર્ષે ક્રેડિટ મિસમેચની હજારો નોટિસ

જીએસટી લાગુ થયાના વર્ષથી આજ દિન સુધી લીધેલી વધારાની ક્રેડિટનો ખુલાસો પુછાયો : જવાબને ગ્રાહ્ય રાખ્યા વિના દંડ અને વ્યાજ વસુલાત કરવાના ફરમાનની ગભરાટ

નવી દિલ્હી,તા. ૬ : જીએસટી લાગુ કરાયાના આજદિન સુધી લેવામાં આવેલી વધારાની ક્રેડિટ સંદર્ભે એસજીએસટીએ વેપારીઓને નોટિસ ફટકારવાનું શરૂ કર્યુ છે. જોકે, આ નોટિસમાં અગાઉ નિયમો પ્રમાણે ક્રેડિટ લીધી હોવા છતાં તેની પણ દરકાર લીધા વિના એસજીએસટીએ હજ્જારો વેપારીઓને આડેધડ નોટિસ આપતા વેપારીઓમાં ગભરાટ ફેલાયો છે. જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારે વેપારીઓ દેખાતી ક્રેડિટ કરતા ૨૦ ટકા વધુ ક્રેડિટનો વપરાશ કરતા હતા.

ત્યારબાદ તેમાં સુધારો કરીને ૧૦ ટકા, પાંચ ટકા અને છેલ્લે જેટલી ક્રેડિટ દેખાય તેટલી જ ક્રેડિટ લેવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જયારે એસજીએસટીએ છેલ્લા એક સપ્તાહમાં હજ્જારો કરદાતાઓને જીએસટીઆર ૨એમાં ક્રેડિટ દેખાય તેના કરતા ૩ બીમાં વધારે ક્રેડિટ લીધી હોવાનું કારણ રજૂ કરી નોટિસ ફટકારવામાં આવી છે. તેનો જવાબ આપવામાં આવ્યા બાદ તેને પણ એસજીએસટીએ ગ્રાહ્ય રાખ્યા વિના વપરાશ કરેલી ક્રેડિટનું વ્યાજ અને દંડ સહિતની રકમ જમા કરવા માટે આદેશ કરી દેવામાં આવતા વેપારીઓમાં ગભરાટ ફેલાયો છે. (૨૨.૧૩)

પોર્ટલ પર જ અપૂરતી માહિતીને કારણે અપાયેલી નોટિસ

વેપારીઓને આપવામાં આવેલી નોટિસમાં એવી પણ હકીકત બહાર આવી છે કે પોર્ટલ પર ભૂતકાળમાં પૂરતા ડેટા જ અપલોડ કરવામાં આવ્યા નહોતા, કારણ કે અગાઉ ૨૦ ટકા વધુ ક્રેડિટ લેવાનો નિયમ હોવા છતાં તેની પણ વસૂલાત અત્યારે કાઢવામાં આવી છે. જેથી વેપારીઓમાં એવી પણ ચર્ચા થઇ રહી છે કે નોટિસ આપતા પહેલા અધિકારીઓએ અથવા તો સિસ્ટમે પોતાના જ નિયમોની જાણકારી લીધા વિના જ વેપારીઓને પરેશાન કરવા માટે આ પ્રમાણે નોટિસ આપી છે.

આઇજીએસટી સાથે પોર્ટલ જ લીંક થયું નહોતું

આઇજીએસટીની સાથે એસજીએસટી અને સીજીએસટીનું પોર્ટલ લીંક થયુ નહીં હોવાના કારણે જે વેપારીઓએ આઇજીએસટીમાં ક્રેડિટ હતી. તેનો વપરાશ  કર્યો હોય તો તેના કારણે પણ નોટિસ આપવામાં આવી છે. જ્યારે જીએસટી લાગુ થયાના અંદાજિત બે વર્ષ સુધી આઇજીએસટીના સર્વરની સાથે સીજીએસટી અને એસજીએસટીનાસર્વરને લીંકઅપ જ કર્યું નહીં હોવાના કારણે વપરાશ કરેલી ક્રેડિટની વિગતો દેખાતી નહોતી તેના લીધે પણ વેપારીઓને નોટિસ આપવામાં આવતા કચવાટ પેદા થયો છે.

બેંક એટેચમેન્ટની એકતરફી કાર્યવાહીનો ભય

એસજીએસટીએ વેપારીઓને નોટિસ આપ્યા બાદ તેનો જવાબ રજૂ કરવામાં આવે તો પણ ફરજિયાત દંડ અને વ્યા ભરવા માટે બીજી વખત નોટીસ આપી દીધી હોવાની પણ વિગતો જાણવા મળી છે. જેથી વેપારી દ્વારા દંડ અને વ્યાજની રકમ ભરપાઇ કરવામાં નહીં આવે તો અધિકારીઓ એકતરફી કાર્યવાહી કરે તેવી પણ શકયતા રહેલી છે. જો તે પ્રમાણે અધિકારીઓ કાર્યવાહી કરે તો બેંક એટેચમેન્ટ સહિતના પગલાં ભરવાનો નિયમ હોવાથી વેપારીઓમાં હાલ તો ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

(10:40 am IST)