Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

રેલી રદ્દ કરવા પાછળનું સાચુ કારણ બહાર આવ્યું ?

પંજાબની એ રેલીમાં ૫ લાખ લોકો ઉંમટવાનો દાવો હતો પરંતુ આવ્યા માત્ર ૫૦૦૦ઃ જો યોજાત તો ફીયાસ્કો થાત

ભાજપે રેલી માટે ભારે તૈયારી કરી હતીઃ ૩૨૦૦ બસો મુકી હતીઃ ૬૫૦૦૦ ખુરશીઓની વ્યવસ્થા હતી પણ આવ્યા માત્ર થોડા હજાર લોકો

લુધીયાણા, તા. ૬ઃ સુરક્ષામાં ચૂકને કારણે વડાપ્રધાનની પંજાબના ફિરોઝપુરમાં યોજાનારી જે રેલીને કેન્સલ કરવામાં આવી હતી તેમા માત્ર ૫૦૦૦ લોકો જ પહોંચ્યા હતા. જ્યારે ભાજપના પ્રદેશ એકમે આ રેલીમાં ૫ લાખ લોકોને એકઠા કરવાનો દાવો કર્યો હતો. મળતા અહેવાલો મુજબ ભાજપે આ રેલી સ્થળ સુધી લોકોને લાવવા માટે ૩૨૦૦ જેટલી બસોની સેવા લીધી હતી, પરંતુ રેલીમાં ભીડ એકઠી થઈ શકી ન હતી.
ટ્રીબ્યુનના એક અહેવાલ અનુસાર રાજ્યના કેટલાક ચૂંટણી વિસ્તારોમાં તો લગભગ ૬૦ બસો મોકલવામાં આવી હતી. જો કે પક્ષને એવો અંદાજ આવી ગયો કે પીએમની રેલીમાં અપેક્ષા મુજબની ભીડ ઉંમટી નહી પડે તેથી રેલી સ્થળ પર માત્ર ૫૦૦ બસો માટે જ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે કિસાન સંગઠન છેલ્લા કેટલાક દિવસોથી ઉંગ્રવિરોધની તૈયારી કરી રહ્યુ હતુ. આ માટે તેણે ગામડાઓના ગુરૂદ્વારાઓ સુધીમાંથી જાહેરાતો કરી હતી અને લોકોને રેલીમાં ન જવા જણાવ્યુ હતું. ભીડ ઓછી કરવા માટે આ કારણ કાફી હતુ પરંતુ રાજ્યમાં કાતિલ ઠંડી અને વરસાદે રેલીને ફલોપ શો બનાવવામાં મદદ કરી હતી.
ખેડૂતોના વિરોધનું પરિણામ ગઈકાલે જોેવા મળ્યુ હતુ. પક્ષ પાસે બસ ભરવા માટે પણ પુરતી સંખ્યામાં ભીડ એકઠી થઈ શકી ન હતી. ભાજપે દાવો કર્યો છે કે બસોને અધ્ધવચ્ચે રોકવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બસો રોકવામાં આવી હતી પરંતુ તેની સંખ્યા એટલી નહોતી જેટલો ભાજપે દાવો કર્યો હતો.
રેલી સ્થળે કુલ ૬૫૦૦૦ ખુરશીઓ મુકવામાં આવી હતી પરંતુ માત્ર ૫૦૦૦ જ ખુરશીઓ ભરાઈ હતી. ગયા સાહે પ્રદેેશ ભાજપ પ્રમુખ અશ્વિની શર્માએ કહ્યુ હતુ કે આ રેલીમાં ૫ લાખ લોકો એકઠા થશે અને તે પંજાબના ઈતિહાસમાં સૌથી મોટી રેલી પૈકીની એક હશે.

 

(10:41 am IST)