Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ભારત બાયોટેકે સલાહ આપી

કોવેકસીનનો ડોઝ લીધા પછી પેરાસિટામોલ કે પેઇન કિલર ના લેશો

કેન્દ્ર સરકારે હાલમાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને રસી આપવા માટે કોવેકસીને ઇમરજન્સી યુઝની મંજૂરી આપી છે : કંપની મુજબ રસી લીધા પછી જરૂર પડે ડોકટરનો સંપર્ક કરવો અને સલાહ પર દવા લેવી

નવી દિલ્હી તા. ૬ : કોરોના રસીનું ઉત્પાદન કરતી ભારતીય કંપની ભારત બાયોટેકે બુધવારે દેશવાસીઓને સલાહ આપી છે કે, કોવેકસીનનો ડોઝ લીધા પછી પેરાસિટામોલ કે અન્ય પેઇન કિલરની દવા લેવી જોઇએ નહીં.

કંપની તરફથી આપવામાં આવેલા નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, રસીના કલીનિકલ ટ્રાયલ દરમિયાન ૩૦,૦૦૦ લોકોમાંથી ૧૦થી ૨૦ ટકામાં સાઇડ ઇફેકટ જોવા મળી હતી. કંપનીએ જણાવ્યું કે, અમે ૩૦ હજાર લોકો પર કલીનિકલ ટેસ્ટ કર્યો હતો. જેમાં સાઇડ ઇફેકટના એકદમ હળવા લક્ષણો જોવા મળ્યા હતા. જે એક કે બે દિવસમાં ઠીક થઇ જાય છે અને આ માટે કોઇપણ પ્રકારની દવા લેવાની જરુર પડતી નથી.

ભારત બાયોટેકે જણાવ્યું કે, અમને એવી માહિતી મળી છે કે કેટલાક રસીકરણ કેન્દ્રો પર ૧૫થી ૧૮ વર્ષના બાળકોને કોવેકસીનનો ડોઝ આપ્યા બાદ ૫૦૦એમજીની ૩ ગોળીઓ લેવાનું કહેવામાં આવી રહ્યું છે. અમારા તરફથી કોવેકસીનનો ડોઝ લીધા પછી પેરાસિટામોલ કે બીજી કોઇ પેઇન કિલર લેવાની સલાહ આપવામાં આવી નથી.

કંપની મુજબ અન્ય કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધા પછી આ પ્રકારની દવા લેવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ કોવેકસીનના મામલે આમ નથી. કંપનીએ એવી સલાહ આપી છે કે કોવેકસીન લીધી પછી જરુર પડે તો ડોકટરનો સંપર્ક કરવો અને એમની ભલામણ પણ દવા લેવાની સલાહ આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં સરકારે ભારત બાયોટેકની વેકસીન, કોવેકસીનને ૧૫થી૧૮ વર્ષના બાળકો માટે ઇમરજન્સી યુઝ માટે મંજૂરી આપી છે. બાળકોને આ વેકસીનના બે ડોઝ આપવામાં આવશે. પહેલા અને બીજા ડોઝની વચ્ચે ૨૮ દિવસનું અંતર રહેશે.

(10:43 am IST)