Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

જમ્મુ-કાશ્મીરના ત્રણ પૂર્વ મુખ્યમંત્રીની સુરક્ષામાં મુકાયો કાપ : હવે ઓછા થશે SSG ના જવાનો

રાજ્યમાં VIPની સુરક્ષાની દેખરેખ રાખતી સમિતિની મળેલ બેઠકમાં તેમની સુરક્ષામાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો હતો.

જમ્મુ-કાશ્મીર પ્રશાસને રાજ્યમાં VVIP કલ્ચરને ખતમ કરવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીઓને સુરક્ષા પૂરી પાડતી સમિતિએ પૂર્વ મુખ્યમંત્રીઓ ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને  મહેબૂબા મુફ્તીની સુરક્ષા કવચ ઘટાડવાનો નિર્ણય લીધો છે. આ ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓની સુરક્ષા માટે તૈનાત સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG)ના જવાનોની સંખ્યામાં ઘટાડો થશે
રાજ્યમાં VIPની સુરક્ષાની દેખરેખ રાખતી સમિતિ ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં મળી હતી જેમાં તેમની સુરક્ષામાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પહેલા આ VVIP લોકોની સુરક્ષા ડીઆઈજી, એસએસપી રેન્કના અધિકારી દ્વારા જોવામાં આવતી હતી, પરંતુ હવે તેમની સુરક્ષા ડીએસપી રેન્કના અધિકારી દ્વારા જોવામાં આવશે.
પ્રશાસનના આ નિર્ણયને રાજ્યમાં VVIP કલ્ચરને ખતમ કરવાના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. આ   પૂર્વ મુખ્યમંત્રીઓ જ્યાં પણ જાય છે ત્યાં તેમની સાથે સુરક્ષાનો મોટો કાફલો ફરે છે. પરંતુ હવે તેમના સુરક્ષા જોખમોનું મૂલ્યાંકન કર્યા પછી, સૈનિકોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. હવે તેમના કાફલામાં દોડતા વાહનો પણ ઓછા થઈ જશે. સરકારે પહેલા આ લોકોને ઉપલબ્ધ બિન-આવશ્યક સુવિધાઓ ખતમ કરી અને પછી બિનજરૂરી સુરક્ષા હટાવી દીધી છે.

 

(1:30 pm IST)