Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

મોલનુપિરાવિર દવાથી ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર ખરાબ અસર પડી શકે છેઃ ડો.ભાર્ગવ

ઓરલ એન્ટી કોવિડ ડ્રગ અંગે આઇસીએમઆરના વડાએ ચિંતા વ્યકત કરી : દવાની અસરથી ભ્રૂણથી જોડાયેલા વિકાર અથવા ભ્રૂણના વિકાસમાં સમસ્યા આવી શકેઃ પુરુષ અને મહિલાએ દવા લીધાના ૩ મહિના સુધી ગર્ભનિરોધક પગલા લેવા સલાહ

નવી દિલ્હી, તા.૬: કોરોના મહામારીના ઇલાજ માટે બનેલી પહેલી ઓરલ એન્ટી કોવિડ-૧૯ ડ્રગ મોલનુપિરાવિર અંગે ICMR ચીફે ચિંતા વ્યકત કરી છે. આ દવાને ડિસેમ્બરના આખરી સપ્તાહમાં ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ ઈમરજન્સી યુઝ માટે મંજૂરી આપી હતી. ભારતમાં આ દવાનું નિર્માણ સિપ્લા, સન ફાર્મા અને ડૉ રેડ્ડી લેબોરેટરી કરી રહી છે. આ દવાને અમેરિકા સ્થિત બાયોટેક્નોલોજી કંપની રિડજબેક બાયોથેરેપિક અને અમેરિકન ફાર્મા મર્ક દ્વારા મળીને બનાવવામાં આવી છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના હેડ ડૉ બલરામ ભાર્ગવે કહ્યું કે, આ દવા ટેરાટોજેનિસિટી અને મ્યુટેજેનેસિટીનું કારણ બની શકે છે. ટેરાટોજેનિસિટી એટલે જ્યારે આ દવા કોઈ ગર્ભવતી મહિલા લે છે તો આ દવાની અસરથી ભ્રૂણથી જોડાયેલા વિકાર અથવા ભ્રૂણના વિકાસમાં સમસ્યા આવી શકે છે. તો મ્યુટેજેનેસિટીનો અર્થ જેનેટિક મટીરીયલમાં થનારા સ્થાયી ફેરફારોથી છે.

પુરુષ અને મહિલાઓ બંને માટે દવા લીધાના ૩ મહિના સુધી ગર્ભનિરોધક પગલાં જાળવવા જોઈએ. કારણ કે ટેરેટોજેનિક દવાના પ્રભાવ હેઠળ જન્મેલ બાળક સમસ્યાથી પીડાઈ શકે છે. તેમણે કહ્યું કે આ દવા સ્નાાયુઓ અને કોમલાસ્થિને પણ નુકસાન પહોંચાડી શકે છે.

ડૉ બલરામ ભાર્ગવે કહ્યું કે આ જ કારણોને લીધે આ દવાને અત્યારસુધી નેશનલ ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવી નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને યુનાઇટેડ કિંગડમેં પણ નેશનલ ટ્રીટમેન્ટ ગાઇડલાઇન્સમાં આ દવાનો સમાવેશ નથી કર્યો. અમેરિકામાં આ ડ્રગને ૧૪૩૩ દર્દીઓના પરીક્ષણ બાદ મંજૂરી આપવામાં આવી છે.

ડૉ બલરામ ભાર્ગવે ઉમેર્યું કે આ દવાના ઉપયોગને લઈને પેનલમાં ચર્ચા થઈ અને વાતચીત પણ ચાલુ છે. આ દવાઓ અંગે કેટલીક ચિંતાઓ છે. સ્તનપાન સમયે આ દવાના ઉપયોગથી બાળકોમાં સોફ્ટ ટીશ્યુ ઇન્જરી, પ્રજનનથી જોડાયેલા સમસ્યા થઈ શકે છે. તેમણે કહ્યું કે અમે આ સંભાવના પર પણ ચર્ચા કરશું કે આ દવાને નેશનલ ટ્રીટમેન્ટ ગાઇડલાઇન્સમાં સામેલ કરવી જોઈએ.

(2:50 pm IST)