Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ગુજરાતમાં હોટલો-કોચિંગ ક્‍લાસ-ઓફિસો-જીમ-ક્‍લબ-દુકાનો વગેરે માટે આકરા નિયંત્રણો આવી રહ્યા છેઃ ગમે ત્‍યારે નવા નિયંત્રણો અને ગાઇડલાઇન્‍સની જાહેરાત

મહાનગરોમાં રાત્રિ કર્ફયુ ૧૧ની જગ્‍યાએ ૯થી લાગુ પડે તેવી શક્‍યતાઃ લારી-ગલ્લા-સલુન-શોપિંગ કોમ્‍પલેક્ષ વગેરે ૮ કે ૯ વાગ્‍યા સુધી જ ચાલુ રાખી શકાશે

અમદાવાદ, તા.૬: ગુજરાત સરકાર કોરોનાના વધતા કેસને ધ્‍યાનમાં રાખી આવતીકાલે કોવિડના આકરા નિયંત્રણો અને નવી ગાઇડલાઇન્‍સ બહાર પાડે તેવી શક્‍યતા છે. રાજ્‍ય સરકાર જે નવા નિયમો બહાર પાડશે તેમાં આકરા સોશ્‍યલ ડિસ્‍ટેન્‍સીંગના નિયમો, પ્રાઇવેટ ઓફિસના સ્‍ટાફની ગાઇડલાઇન્‍સ, રેસ્‍ટોરન્‍ટ અને હોટલ, જીમ, ક્‍લબ, કોચિંગ ક્‍લાસિસ, રીટેઇલ દુકાનો વગેરે માટેના નવા ટાઇમીંગ એટલે કે નવા સમયની જાહેરાત કરે તેવી શક્‍યતા છે. જો કોરોનાનો વિસ્‍ફોટ થાય તો વિકેન્‍ડ કર્ફયુ પણ વિચારણા હેઠળ હોવાનું ટોચના વર્તુળો જણાવી રહ્યા છે. રાજ્‍યના મહાનગરોમાં રાત્રિ કર્ફયુ સહિતના કેટલાક કડક નિયમો લાગુ થાય તેવી શક્‍યતા છે. રાત્રિ કર્ફયુ ૧૧ને બદલે ૯થી અમલી બને તેવી પણ શક્‍યતા છે. એટલુ જ નહીં, લારી-ગલ્લા, શોપિંગ કોમ્‍પલેક્ષ-દુકાનો વગેરે ૮ કે ૯ વાગ્‍યા સુધી જ ચાલુ રાખવાની મંજૂરી મળે તેવી શક્‍યતા છે. હાલ રાત્રિના ૧૧થી સવારના ૫ વાગ્‍યા સુધીનો કર્ફયુ છે. સરકાર નવી એસઓપી બનાવી રહી છે. રાજયમાં કોરોના તેજ ગતિથી વધી રહ્યો છે. છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જેને લઇને રાજય સરકારે કોરોનાની સ્‍થિતિ મુદ્દે સમીક્ષા કરવા ઉચ્‍ચસ્‍તરીય બેઠક બોલાવી છે. મુખ્‍ય સચિવની અધ્‍યક્ષતામાં બેઠક બોલાવી છે  જેમાં કોરોનાને કાબૂમાં લેવા માટે શું કરવુ તે અંગે તમામ પાસાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે.
 રાજયમાં તરૂણોને કોરોના રસી આપવાની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. શાળામાં કોરોનાના કેસ વધતા ઓફલાઇન સ્‍કૂલો ચાલુ રાખવી કે કેમ તે અંગે પણ બેઠકમાં નિર્ણય લેવાઇ શકે છે.  ૧૦ જાન્‍યુઆરી બાદ રાજય સરકાર શાળાઓ ચાલુ રાખવી કે ઓનલાઇન શિક્ષણ યથાવત કરવુ તે અંગે નિર્ણય લેશે
રાજયમાં કોરોના વકરી રહ્યો છે. કોરોના ગાઇડલાઇનનું પાલન કરવુ આવશ્‍યક છે પરંતુ ૩ હજારથી પણ વધારે કેસો રાજયમાં કોરોનાના નોંધાઇ રહ્યા છે. જે જોતા કહી શકાય કે રાજયમાં કોરોનાના નિયમોને લોકો દ્યોળીને પી ગયા છે. વધતા કેસને પગલે કદાચ સરકાર કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર કરી શકે છે. તેમજ કેટલાક નિયમોમાં બદલાવ લાવીને કડક નિયમો લાવી શકે છે. હાલમાં રાત્રે ૧૧ થી સવારે ૫ વાગ્‍યા સુધી જે કફ્‌ર્યૂ છે તેનો સમય પણ વધારી શકે છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૩૫૦ કેસ સામે આવતા ત્રીજી લહેરના સુનામી મોજા શરૂ થઈ ચૂક્‍યા છે બુધવારે સૌથી વધુ અમદાવાદમાં ૧૬૬૦ કેસ સામે આવ્‍યા. જયારે સુરતમાં ૬૯૦ કેસ તો વડોદરામાં ૧૮૧, કેસ અને રાજકોટમાં ૧૫૯ કેસ સામે આવ્‍યા. રાજયમાં બુધવારે કોરોનાથી ૧ દર્દીનુ મૃત્‍યુ નીપજયું છે જયારે વેન્‍ટિલેટર પર ૩૨ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તો ૨૩૬ દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફરતા હવે રાજયમાં ૧૦,૯૯૪ કોરોના એક્‍ટિવ કેસ થઈ ગયા છે.

 

(3:03 pm IST)