Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

તમે વડાપ્રધાનની સુરક્ષા તો સંભાળી શકતા નથી: રામરહીમને લાવવાની મંજૂરી આપી તો શું કરશો?

સુનાવણી વખતે હાઈકોર્ટના ન્યાયધીશ અરવિંદ સાંગવાને પંજાબની ચન્ની સરકારને ટકોર કરી : ગુરમીત રામ રહીમના પ્રોટેક્શન વારંટ માટે પંજાબ સરકારે પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી

નવી દિલ્હી : ગુરમીત રામરહીમના એક કેસના સંદર્ભમાં તેને સુરક્ષા સાથે કોર્ટમાં રજૂ કરવાની માગણી સાથે પંજાબ સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હતી. એ વખતે હાઈકોર્ટે પીએમ મોદીની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ડેરા સચ્ચાના પ્રમુખ ગુરમીત રામ રહીમના પ્રોટેક્શન વારંટ માટે પંજાબ સરકારે પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેની સુનાવણી વખતે હાઈકોર્ટના ન્યાયધીશ અરવિંદ સાંગવાને પંજાબની ચન્ની સરકારને ટકોર કરતા કહ્યું હતું કે તમે વડાપ્રધાનની સુરક્ષા તો સંભાળી શકતા નથી.
ચન્ની સરકારે હાઈકોર્ટમાં કહ્યું હતું કે રામ રહીમ કોર્ટમાં રજૂ થાય તે વખતે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ૩૫ હજાર સુરક્ષા જવાનોને તૈનાત કરાશે અને તેને હેલિકોપ્ટરથી પંજાબમાં લવાશે.
એ પછી હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે શું રામરહીમ વીઆઈપી છે? શું તે વડાપ્રધાન કરતા પણ મહત્વના છે? ખુદ વડાપ્રધાનની પંજાબની મુલાકાત જો સરકારથી સંભાળી શકાતી ન હોય તો પછી બીજી કોઈ અપેક્ષા કેવી રીતે રાખી શકાય?
હાઈકોર્ટે પ્રોટેક્શન વોરંટ પર આગામી સુનાવણી ૨૧મી એપ્રિલે કરવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ફરિદકોટની ટ્રાયલ કોર્ટે એક કેસમાં રામ રહીમને આરોપી બનાવ્યા હોવાથી તેની પૂછપરછ મુદ્દે હરિયાણાની સુનારિયા જેલમાંથી પંજાબના ફરિદકોટમાં લાવવા માટે પંજાબ સરકારે માગણી કરી હતી.

(11:19 pm IST)