Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

દિલ્હી- એનસીઆરમાં વરસાદ સાથે ઠંડી અને ધુમ્મસ : વેસ્ટર્ન ડીપ્રેશનની સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી

પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં હજી પણ ઠંડી વધવાની અને વરસાદની સંભાવના : કાશ્મીરમાં ભારે હિમવર્ષા

નવી દિલ્હી : એન.સી.આર. સહિત સમગ્ર નવી દિલ્હી અને ગુરૂગાંવ સુધીના વિસ્તારો છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીની ઝપટ અનુભવી રહ્યા છે. તેમાં ગઈકાલથી તો તેની અસર ઘણી જ વ્યાપક બની છે. આકાશ બુધવારે જ વાદળછાયું રહ્યું હતું. વરસાદ પણ પડતો હતો. સાથોસાથ ગાઢ ધુમ્મસ પણ છવાયેલું રહ્યું હતું. વરસાદને તથા પવનના સુસવાટાઓને લીધે સમગ્ર વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે.

ધુમ્મસને લીધે વિઝીબીલીટી પણ અત્યંત ઘટી ગઈ છે. દિલ્હી અને ગુરગાંવની હવા અત્યંત પ્રદૂષિત છે તે સર્વ વિદિત છે.

આ અંગે હવામાન વિભાગનું કહેવું છે કે આ બધું વેસ્ટર્ન ડીપ્રેશન તથા ડીસ્ટર્બન્સને કારણે થઈ રહ્યું છે. આથી, ઉષ્ણાતામન ૪ જેટલું નીચું ગયું છે. આમ, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

આ સાથે દેશના ઉત્તરના ભાગોમાં સક્રિય પશ્ચિમી વિક્ષોભ (ડિસ્ટર્બન્સ)નો પ્રભાવ વધતાં હિમાલયન ક્ષેત્રમાં વરસાદ થઈ રહ્યો છે આજે ઉચ્ચ હિમાલયન ક્ષેત્રમાં હિમવર્ષા પણ થઈ છે તે સાથે સમગ્ર ઉ. ભારતમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં હજી પણ ઠંડી વધવાની અને વરસાદની સંભાવના દેખાઈ રહી છે. જ્યારે કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ છે.

દિલ્હી, તેવા ૧૪ ઇન્સ્પેક્શન ક્ષેત્રો પૈકીનું એક છે જ્યાં પ્રદૂષણનો સૂચકાંક ૪૦૦ અંકથી વધુ છે તેથી તે અતિ ગંભીર શ્રેણીમાં મુકાઈ ગયું છે.

હવાના પ્રદૂષણ અંકો પ્રમાણે ગુણવત્તા સૂચકાંક ૩૦૦થી ઉપર જાય ત્યારે જ હવામાન ઘણું ખરાબ કહેવાય છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા પ્રમાણે મંગળવારે આ સૂચકાંક ૩૭૮ હતો જે ઘણી ગંભીર શ્રેણીમાં મુકવામાં આવ્યો હતો. સોમવારે તો તે સૂચકાંક ૩૮૭થી પણ વધુ રહ્યો હતો.

(12:20 am IST)