Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

કઝાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે આંદોલન :પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ:અનેક લોકો અને 12 પોલીસકર્મીના મૃત્યુ

વડાપ્રધાન સહિત સમગ્ર સરકારે રાજીનામું આપી દીધું હોવા છતાં આંદોલન અટક્યું નહીં :અનેક સરકારી ઇમારતો આગને હવાલે કરાઈ

રશિયાના પાડોશી દેશ કઝાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે શરૃ થયેલું આંદોલન હિંસક બની ગયું હતું. વડાપ્રધાને મંત્રાલય સહિત રાજીનામું આપી દીધું હોવા છતાં હિંસા અટકી ન હતી. પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં અસંખ્ય લોકોનાં મોત થયા છે. ૧૨ પોલીસ કર્મચારીઓના પણ મોત થયા છે.

ઝાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે શરૃ થયેલું આંદોલન રાજકીય બની ગયું હતું. વડાપ્રધાન સહિત સમગ્ર સરકારે રાજીનામું આપી દીધું હોવા છતાં આંદોલન અટક્યું ન હતું. રસ્તા ઉપર ઉતરેલા લોકોએ પ્રમુખ આવાસ સહિતના નેતાઓના ઘરને આગ ચાંપી હતી. તેના કારણે સ્થિતિ વધારે તંગ બની ગઈ હતી. હિંસા અટકાવવા પોલીસે શરૃઆતમાં લાઠી ચાર્જ કર્યો હતો. એ પછી પ્રદર્શનકારીઓએ પોલીસને નિશાન બનાવી હતી. તેના કારણે પોલીસે બળપ્રયોગ કર્યો હતો, જેમાં એકાદ ડઝન કરતાં વધુ લોકોનાં મોત થયા હતા. ડઝનેક પોલીસ જવાનોનાં પણ હિંસામાં મોત થયા હતા.
પ્રદર્શનોમાં ૩૦૦ કરતાં વધુ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. અરાજકતાનો માહોલ સર્જાઈ જતાં પૂર્વ સોવિયેટ સંઘના આ દેશમાં રશિયાએ સૈન્ય ઉતાર્યું છે. કલેક્ટિવ સિક્યુરિટી ટ્રીટી ઓર્ગેનાઈઝેશન હેઠળ રશિયા-કઝાકિસ્તાનના સંયુક્ત સૈન્યએ સંઘર્ષની સ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસ પ્રવક્તા સાલ્તાનેત એરબિકે જણાવ્યું હતું કે કેટલાક લોકોએ સરકારી ઈમારતોને નિશાન બનાવીને આગ લગાવી દીધી હતી. અલમાતી શહેરમાં હિંસાના સૌથી વધુ બનાવો નોંધાયા હતા. સંયુક્ત રશિયામાંથી અલગ થયા બાદ કઝાકિસ્તાનમાં પ્રથમ વખત આટલા મોટા પાયે હિંસા થઈ છે

દેશભરમાં હિંસાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને પ્રમુખે ઈન્ટરનેટની સર્વિસ બંધ કરી દીધી હતી. બેંકો અને સરકારી કામકાજ માત્ર ઈમરજન્સી સ્થિતિમાં જ કાર્યરત કરાશે. શાળા-કોલેજોને પણ બંધ કરવાનો આદેશ અપાયો છે. કલેક્ટિવ સિક્યુરિટી ટ્રીટી ઓર્ગેનાઈઝેશનમાં રશિયા, આર્મેનિયા, બેલારૃસ, કઝાકિસ્તાન અને તાજિકિસ્તાન સામેલ છે. આ કરાર પ્રમાણે દેશના વડા સંયુક્ત સૈન્યની મદદ માગી શકે છે. કઝાકિસ્તાનના પ્રમુખ તોકાયેવે આ કરાર અંતર્ગત રશિયન સૈન્યની મદદ માગી હતી. કઝાકિસ્તાનમાં રશિયન સૈન્ય તૈનાત થયું છે. પ્રમુખે બે સપ્તાહ માટે દેશભરમાં કટોકટી લાગુ કરી છે.

(1:00 am IST)