Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

દિલ્હીમાં લાગી શકે છે નાઈટ કફર્યૂ

સરકાર કોરોનાને રોકવા માટે લઈ શકે છે ખાસ પગલા

નવી દિલ્હી, તા.૬: રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનું સંક્રમણ વધવાના કારણે દિલ્હી સરકાર નાઈટ કર્ફ્યૂ લગાવવાનો વિચાર કરી રહી છે. સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી છે. એક અધિકારીએ કહ્યું કે રાતના સમયે કર્ફ્યૂ લગાવવાની સરકારની યોજના છે અને તેને લઈને તૈયારીઓ ચાલી રહી છે. સાથે જ કર્ફ્યૂના સમય પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે અને રાતના ૧૦થી સવારના ૫ વાગ્યા સુધી આ કર્ફ્યૂ હોઈ શકે છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે રહ્યું કે દિલ્હી સંક્રમણની ચોથી લહેરનો સામનો કરી રહી છે પણ લોકડાઉનની કોઈ વિચારણા નથી.

આ સમયે દિલ્હીમાં વેકસીનેશનમાં ઝડપ લાવવા માટે દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ સરકારી વેકસીનેશન કેન્દ્રો પર એક તૃતિયાંશ કેન્દ્રો પર રાતે ૯ થી સવારના ૯ વાગ્યા સુધી વેકસીન લગાવાશે. આ સાથે આ સેન્ટર પર વેકસીનેશનનું કામ ૨૪ કલાક કરાશે.

અત્યાર સુધી સરકારી કેન્દ્રો પર ૧૨ કલાક સુધી વેકસીન લગાવવામાં આવી રહી છે. આ માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ટ્વિટ કરી છે. તેમાં લખ્યું છે કે દિલ્હીમાં તમે કોઈ પણ સમયે કોરોના વેકસીન લગાવી શકો છો. લોકો આવશે અને વેકસીન લગાવાશે. દિલ્હીમાં અમે સુવિધાઓની કોઈ ખામી રાખીશું નહીં. આ પહેલા પણ મુખ્યમંત્રીએ કહ્યું કે દિલ્હી સહિત દેશમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે પીએમ મોદીને પત્ર લખીને વેકસીનેશન સેન્ટરમાં શરતોમાં છૂટ આપવાની અને વેકસીનની સીમાની બાધ્યતા હટાવવાની માંગ કરાઈ છે.

(10:40 am IST)