Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ફરીથી લોકડાઉનની આશંકા

લોકોને ડરાવવા લાગ્યો ધંધા-નોકરી-પગાર-પ્રસંગનો ડર

લોકોને ભય છે કે જ્યાં જ્યાં કેસ વધારે છે ત્યાં ત્યાં ફરી લોકડાઉન આવશે : નાના ધંધાર્થીની માઠી થવાની : લગ્નોના બુકીંગ કરનારા ફસાશે : પરપ્રાંતિયોની હાલત કફોડી થશે : નોકરીયાતની વેતન - વૃધ્ધિ - બોનસ અટકશે : બરોજગારીનો રાક્ષસ ફરી ધુણશે

નવી દિલ્હી તા. ૬ : દેશભરમાં કોરોનાની બીજી લહેરે આતંક મચાવ્યો છે. રોજેરોજ કોરોનાના કેસનો આંકડો વધતો જાય છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર થયેલ આંકડાઓ અનુસાર દેશમાં એક દિવસમાં સૌથી વધારે ૧,૦૩,૫૫૮ કેસો જાહેર થયા છે. હવે દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા ૧,૨૫,૮૯,૦૬૭ થઇ ગઇ છે. કોરોનાના કારણે પ્રતિબંધો મુકાઇ રહ્યા છે અને એવો પણ ભય છે કે જે રાજ્યોમાં કેસ બહુ વધારે છે ત્યાં ફરીથી કયાંક લોકડાઉન ન લાગી જાય. જો કે હજુ તો આ ફકત આશંકા છે. આ આશંકા વચ્ચે સામાન્ય માણસને ફરીથી કેટલાક ડર સતાવવા લાગ્યા છે.

ગમે ત્યાં ફસાઇ જવાનો ડર

સૌથી મોટો ડર તો એ છે કે જો ફરીથી લોકડાઉન આવશે અને અવર-જવર બંધ થશે તો ફરીથી લોકો જ્યાં ત્યાં ફસાઇ જશે. જે લોકો રોજી રોટી માટે બીજા શહેરોમાં ગયેલા છે અને તેમનું કોઇ કાયમી નિવાસ નથી તેમને સૌથી વધારે મુશ્કેલી પડે છે. જેમ કે પ્રવાસી મજૂરો.

નાના ઉદ્યોગ ધંધા બંધ થવાનો ડર

લોકડાઉન દરમિયાન ઉદ્યોગ ધંધાઓને બહુ નુકસાન થયું હતું. નાના ઉદ્યોગો તો સાવ ઠપ્પ થઇ ગયા હતા. રેકડી અને ગલ્લાવાળા, ચાની લારી કે અન્ય નાની મોટી દુકાનવાળાઓ માટે રોજી રોટીનું સંકટ ઉભું થયું હતું તે આપણે જાણીએ જ છીએ.

નોકરી જવાનો ડર

લોકડાઉન દરમિયાન સંગઠીત અને અસંગઠીત બન્ને ક્ષેત્રોમાં લોકોની નોકરીઓ ગઇ હતી. કોસ્ટ કટીંગ, ધંધો બંધ થવાના લીધે મોટા પાયે છટણીઓ થઇ હતી. લોકડાઉનના કારણે નોકરી ગુમાવનારાઓની સંખ્યા ૧.૮૯ કરોડ સુધી પહોંચી ગઇ હતી.

પગાર વધારો, બોનસ રોકાઇ જવાનો ડર

નોકરીયાત લોકોમાંથી મોટાભાગના એવા હતા જેમને ગયા વર્ષે ઇન્ક્રીમેન્ટ નહોતું મળ્યું. ઉલ્ટુ કેટલીય કંપનીઓએ પગાર ઘટાડયો હતો. આ વર્ષે ઇન્ક્રીમેન્ટ મળવાની આશા હતી પણ ફરી કોરોનાના વધી રહેલા કેસો અને પ્રતિબંધોના ફરી એકવાર ઇન્ક્રીમેન્ટ ન મળવાની આશંકા ઉત્પન્ન થવા લાગી છે.

લગ્નોના બુકીંગમાં પૈસા ડૂબવાનો ડર

લગ્નોની સીઝન શરૂ થવાની છે. લગ્ન માટે લોકો પહેલાથી જ બુકીંગ કરાવી લેતા હોય છે. જેમ કે હોલ, વાડી, ગેસ્ટ હાઉસનું બુકીંગ, બેન્ડવાજા, કેટરર્સ, ડેકોરેશન વગેરેનું બુકીંગ.

હવે જો ફરીથી લોકડાઉન થાય તો આ બુકીંગ નકામુ થઇ જશે. અને સામાન્ય માણસે તેના માટે ચુકવેલ રકમ ગુમાવવી પડે.

(11:35 am IST)