Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

આંશિક લોકડાઉન લાદોઃ બિનજરૂરી પ્રસંગો-મેળાવડા બંધ કરવા જરૂરીઃ ૧૮ વર્ષથી ઉપરનાને પણ રસીકરણમાં સામેલ કરો

ઇન્ડીયન મેડીકલ એસોસીએશને વડાપ્રધાન મોદીને લખ્યો પત્રઃ રસીકરણને વેગવંતુ બનાવવા અપીલ

નવી દિલ્હી, તા., ૬: ઇન્ડીયન મેડીકલ એસોસીએશનએ પીએમ મોદીને એક પત્ર લખી દેશમાંં આંશિક લોકડાઉન લગાવવા માટે ગુજરાત સહિત દેશમાં બીનજરૂરી મેળાવડા, સિનેમા, પ્રસંગો બંધ રાખવા, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો સિમીત ગાળા માટે બંધ કરાવવા જોઇએ અને ૧૮ વર્ષ સુધીના તમામ લોકોને રસી આપવા માંગણી કરવામાં આવી છે.

દેશમાં કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રસીકરણમાં તેજી લાવવા માટે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા પ્રધાનમંત્રી મોદીને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં પીએમ મોદીને અપીલ કરવામાં આવી છે કે કોરોના વાયરસ પ્રસાર રોકવા માટે વધારેને વધારે વેકિસનના ડોઝ આપવાં આવે અને રસીકરણ પ્રોગ્રામમાં તેજી લાવવામાં આવે.

એસોસિયેશને પીએમ મોદીને લખેલા પત્રમાં અપીલ કરવામાં આવી છે કે ૧૮ વર્ષથી વધારે વયના બધા જ લોકોને રસીકરણમાં સામેલ કરવામાં આવે.

IMAએ કહ્યું છે કે કોરોના વાયરસ દરરોજ રેકોર્ડ તોડી રહ્યો છે અને અને રવિવારે તો એક લાખથી વધારે કેસ સામે આવિયા ગયા છે, જે અત્યાર સુધીના સૌથી વધારે છે.

એસોસિયેશને કહ્યું કે અત્યારે આપણે ૪૫થી વધારે ઉંમરના લોકોને વેકિસન આપી રહ્યા છે પરંતુ કોરોના વાયરસની લહેરને રોકવા માટે રસીકરણમાં તેજી લાવવી ખૂબ જ જરૂરી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા સરકારને સલાહ આપવામાં આવે છે કે ૧૮થી વધારે ઉંમરના બધાને વેકિસન આપવામાં આવે જેથી કોરોના વાયરસ મહામારી સામે લડવાની ઇમ્યુનિટી ડેવલપ કરી શકાય.

નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં એક લાખની આસપાસ કોરોના કેસ સામે આવી રહ્યા છે અને વિવિધ રાજયોમાં નાઈટ કફર્યૂથી લઈને શાળાઓ બંધ કરી દેવા જેવા જુદા જુદા પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૯૬,૯૮૨ નવા કેસ નોંધાયા છે. એક દિવસમાં ૪૪૬ દર્દીઓના મોત થયા છે જયારે ૫૦,૧૪૩ સાજા પણ થયા છે.

(3:12 pm IST)