Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

દેશમાં કોરોનાનો કહેર યથાવત

૯૬ હજાર નવા કેસ નોંધાયાઃ ૪૪૬ લોકોનાં મોત

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૫૦,૧૪૩ લોકોએ કોરોનાને મ્હાત આપી છે

નવી દિલ્હી, તા.૬: દેશમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૯૬,૯૮૨ કેસ નોંધાયા છે. જે ગઇકાલે નોંધાયેલા કેસ કરતા ઓછા છે. સોમવારે દેશમાં આઙ્ખલ ટાઇમ હાઇ એક લાખથી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૫૦,૧૪૩ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સમયગાળા દરમિયાન દેશમાં કોરોના મહામારીને પગલે ૪૪૬ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

દેશમાં હાલ કોરોના વાયરસના ૭,૮૮,૨૨૩ કેસ છે. આ સાથે જ દેશમાં કુલ કેસની સંખ્યા ૧,૨૬,૮૬,૦૪૯ થઈ છે. બીજી તરફ કુલ ૧,૧૧૭,૩૨,૨૭૯ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાને પગલે અત્યારસુધી કુલ ૧,૬૫,૫૪૭ લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં હાલ સાજા થવાનો દર ૯૨.૫ ટકા છે, જયારે મોતનું પ્રમાણ ૧.૩ ટકા છે. દેશમાં અત્યારસુધી કુલ ૮.૩૧ કરોડ લોકોને કોરોનાની વેકસીન આપવામાં આવી ચૂકી છે.

છેલ્લા ૨૪ કલાકમાં પાડોશી રાજય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ૪૭,૨૮૮ નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં કુલ ૧૫૫ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેની સામે ૨૬,૨૫૨ લોકો સાજા થયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા ૫૬,૦૩૩ થઈ છે. મહારાષ્ટ્ર ઉપરાંત છત્તીસગઢમાં ૪૪ અને પંજાબમાં ૭૨ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.

(3:20 pm IST)