Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

જસ્ટીશ રમન્ના બનશે ચીફ જસ્ટીશઃ ૨૪મીએ શપથ

હાલ ચીફ જસ્ટિસ તરીકે એસ એ બોબડે છે જેઓ ૨૩ એપ્રિલના રોજ રિટાયર થાય છેઃ જસ્ટિસ એન.વી રમન્ના ૨૪મી એપ્રિલથી કાર્યભાર સંભાળશેઃ તેઓ ચીફ જસ્ટિસ તરીકે એક વર્ષ અને ચાર મહિના કાર્યરત રહેશે

નવી દિલ્હી, તા.૬: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ એનવી રમન્નાની નિયુકિત કરી છે. હાલ ચીફ જસ્ટિસ તરીકે એસ એ બોબડે છે જેઓ ૨૩ એપ્રિલના રોજ રિટાયર થાય છે. જસ્ટિસ એનવી રમન્ના ૨૪મી એપ્રિલથી કાર્યભાર સંભાળશે. તેઓ ચીફ જસ્ટિસ તરીકે એક વર્ષ અને ચાર મહિના કાર્યરત રહેશે.

જસ્ટિસ એનવી રમન્નાનો જન્મ ૨૭ ઓગસ્ટ ૧૯૫૭ના રોજ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના પોન્નવરમ ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનું આખું નામ નથાલપતિ વેન્કટ રમન્ના છે. હાલ તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ છે. રમન્નાએ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં વર્ષ ૨૦૦૦ સુધી પ્રેકિટસ કરી. ત્યારબાદ ૨૦૧૩માં તેઓએ દિલ્હી હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસનું પદ સંભાળ્યું હતું. તેના ૩ મહિનાની અંદર જ તેમને સુપ્રીમ કોર્ટમાં પોસ્ટિંગ અપાઈ. રમન્નાનો કાર્યકાળ ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આગામી સીજેઆઈના પદ પર તેઓ ૧૬ મહિના રહી શકશે.  જસ્ટિસ રમન્ના સુપ્રીમ કોર્ટના સીનિયર જજોમાં સીજેઆઈ એસ એ બોબડે બાદ બીજા નંબરે આવે છે. આવામાં આગામી સીજેઆઈ તરીકે તેઓની નિયુકિત નક્કી મનાઈ રહી હતી.

અત્રે જણાવવાનું કે આગામી મહિને ૨૩ એપ્રિલના રોજ ચીફ જસ્ટિસ બોબડે રિટાયર થઈ રહ્યા છે. નાગપુરમાં જન્મેલા બોબડેએ ૧૮ નવેમ્બર ૨૦૧૯ના રોજ ૬૩ વર્ષની ઉંમરમાં દેશના ૪૭માં સીજેઆઈ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

(4:01 pm IST)