Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ગુજરાતની પ્રજા ભયભીત ન થાયઃ સરકાર પ્રજાને ઓછી તકલીફ થાય તેવો લોકહીતનો નિર્ણય લેશેઃ હાલમાં અમદાવાદ-સુરત-રાજકોટની સ્થિતિ ખરાબઃ માસ્ક અને વેક્સીનેશન ઍક જ ઉપાય છેઃ સુરતમાં નવી કોવિડ હોસ્પિટલ શરૂ કરાશેઃ પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીઍ કોરોનાની સાચી સ્થિતિ જાહેર કરી

સુરતઃ અહીં ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રીશ્રીઍ જણાવ્યુ હતું કે ગુજરાતની પ્રજા ચિંતા ન કરે, લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવો પ્રજાહિતનો નિર્ણય લેવાશે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, હાઇકોર્ટની બેન્ચમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા થઇ છે આ સંદર્ભે એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી સાથે વાતચીત થઇ છે. આજે હાઇકોર્ટના અક્ષરશ: અહેવાલ મળ્યા બાદ કોર ગ્રુપમાં ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે. લોકો ચિંતા ન કરે સરકારનો સ્પષ્ટ અભિગમ છે, કોરોના સામેના સંઘર્ષમાં કોઇ પીછેહઠ થશે નહીં. લોકોને તકલીફ ન પડે અને લોકોમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે પણ જોવાની જવાબદારી અમારી છે. તેને ધ્યાનમાં રાખીને લોકહિતમાં અમે નિર્ણય કરીશું તેમ મુખ્યમંત્રીશ્રીએ આજે સુરત ખાતે જણાવ્યું હતું. 

મુખ્યમંત્રીશ્રીઍ કોરોનાની સ્થિતિ અંગે જે હકીકત વર્ણવી હતી તેની મુદ્દાસર ઝલક આ મુજબ છે...

- રાજ્યના કોરોના કુલ કેસના ૬૦ ટકા કેસ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં જોવા મળ્યા છે.

- ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો તેની સામે ડર્યા વિના સાવચેતી રાખવાની જરૂરી છે.

- અત્યાર સુધીમાં કુલ-૭૦ લાખ લોકોને ગુજરાતમાં વેક્સિન અપાઇ છે અને હાલમાં દૈનિક ૪ લાખ લોકોનું વેક્સિનેશન કરવામાં આવે રહ્યું છે જેમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.

- વેક્સિનેશનનો બીજો ડોઝ ૪૦ દિવસ બાદ આપવામાં આવશે.

- જ્યાં સુધી કોરોનાના કેસ ન ઘટે ત્યાં સુધી બચવા વેક્સિન અને માસ્ક એક માત્ર ઉપાય છે.

- માસ્ક પહેરવાથી કોરોનાથી ૯૮ ટકા રક્ષણ મળે છે.

- કોરોના સંક્રમણ અટકાવવા અત્યારે દૈનિક ૬૦,૦૦૦ના ટેસ્ટિંગ થઈ રહ્યું છે જે આગામી સમયમાં ૧.૨૦ લાખ સુધી લઈ જવાશે.

- ટેસ્ટિંગ બાદ ટ્રેસિંગ અને ત્યારબાદ આવા લોકોને શોધીને સારવાર આપવામાં આવશે.

- કોરોના સંક્રમિતને ઝડપી સારવાર મળે તે માટે ૧૦૪ની વ્યવસ્થા ઉપલબ્ધ છે જેને શરદી અને તાવની અસર હોય તે ૧૦૪ સેવા સારવારની લાભ લઈ શકે.

- સુરત સહિત રાજ્યભરમાં સંજીવની રથની સુવિધા ઉપલબ્ધ છે. હોમ ક્વોરન્ટાઇન થયેલા લોકોને આ રથ દ્વારા ઘરે બેઠા દૈનિક સારવાર અપાશે.

- સુરતમાં અગાઉ ૫૦ અને આજે નવા ૫૦ એમ કુલ ૧૦૦ સંજીવની રથ કાર્યરત કરાયા છે.

- સુરતમાં ૧૦-૨૦ બેડની સુવિધાવાળા નર્સિંગહોમ પણ કોવિડ માઇલ્ડ- એ સિન્ટોમેટિક વાળા દર્દીને સારવાર આપી શકે તેવો નિર્ણય કરાયો છે આવા ગંભીર દર્દીઓને સરકાર હોસ્પિટલમાં પ્રાધાન્ય આપવામાં આવશે.

- સુરતની ૮૦૦ બેડની કિડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે શરૂ કરાશે.

- સુરત શહેરને ૩૦૦ નવા વેન્ટિલેટર ઉપલબ્ધ કરાશે તેમાંથી ખાનગી હોસ્પિટલને પણ જરૂરિયાત મુજબ ફાળવવામાં આવશે.

- રાજ્ય સરકારે વધુ ૩ લાખ રેમડેસિવીર ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે જેમાંથી સરકારી હોસ્પિટલના દર્દીઓને વિનામૂલ્યે આ ઇન્જેક્શન આપવામાં આવશે.

- ખાનગી હોસ્પિટલને પણ આમાંથી જરૂરી જથ્થો આપવામાં આવશે.

- સુરત શહેરને આજે વધુ ૨૫૦૦ જેટલા રેમડેસિવીર ઇન્જેક્શન આપવાનો નિર્ણય કરાયો છે.

(5:38 pm IST)