Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

NIAએ મિસ્ટ્રી વુમનની એક મોંઘીદાટ બાઈક કબજે કરી

સામાન્ય પગારમાં મોંઘી ગાડીઓનો વાઝેને શોખ : વાઝે સાથે ફાઈવ સ્ટાર હોટેલના કેમેરામાં કેદ થયેલી આ મહિલા શુક્રવારે એનઆઈએના હાથે ઝડપાઈ હતી

મુંબઈ, તા. ૬ :  સામાન્ય પગારમાં નોકરી કરતાં પરંતુ મોંઘીદાટ ગાડીઓના શોખીન માલિક સચિન વાઝે પાસેની ૮ ગાડીઓ જપ્ત કર્યા બાદ હવે એનઆઈએ દ્વારા તેની મિસ્ટ્રી વુમનની એક મોંઘીદાટ બાઈક જપ્ત કરાઈ છે. આ બાઈકને ટેમ્પો દ્વારા સાઉથ બોમ્બે સ્થિત એનઆઈએની ઓફિસ પર લાવવામાં આવી હતી. વાઝે સાથે ફાઈવ સ્ટાર હોટેલના કેમેરામાં કેદ થયેલી આ મહિલા શુક્રવારે એનઆઈએના હાથે ઝડપાઈ હતી, અને તેની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરાઈ હતી.

વાઝે અને તેની મિસ્ટ્રી વુમન હોટેલમાં બે બેગ સાથે દેખાયા હતા. એનઆઈએનું માનવું છે કે એક બેગમાં કેશ અને બીજી બેગમાં નોટો ગણવાનું મશીન હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ ફાઈવ સ્ટાર હોટેલમાં વાઝે ૧૦૦ દિવસ રોકાયો હતો, જેનું તગડું બિલ પણ બન્યું હતું. તે બિલ ભરવા માટે એક પોલીસ અધિકારીએ સાઉથ મુંબઈના વેપારી પર દબાણ પણ કર્યું હતું.

ગુરુવારે તપાસ એજન્સીએ મીરાં રોડ વિસ્તારમાં આવેલા આ મહિલાના ફ્લેટ પર સર્ચ કર્યું હતું. એનઆઈએને શંકા છે કે આ મહિલા વાઝે સાથે ફાઈવ સ્ટાર હોટેલમાં રોકાઈ હતી. ૨૫ ફેબ્રુઆરીએ એન્ટિલિયા નજીકથી વિસ્ફોટકો ભરેલી ગાડી મળી તે પહેલા ૧૬ ફેબ્રુઆરીએ મહિલા અને વાઝે હોટેલમાં જોવા મળ્યા હતા. ગયા મહિને વાઝેની આ કેસમાં ધરપકડ કરાઈ હતી. તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલી આઠ લક્ઝુરિયસ કાર્સ અત્યારસુધી જપ્ત કરવામાં આવી છે.

એન્ટિલિયા કેસ ઉપરાંત, એનઆઈએ થાણેના ગુજરાતી વેપારી મનસુખ હિરેનના મોતની પણ તપાસ કરી રહી છે. મનસુખની લાશ ગયા મહિને દરિયામાંથી મળી આવી હતી. જોકે, તેના પરિવારજનો તેમજ મિત્રોએ તેના મોત પર વાલ ઉભા કર્યા હતા. અંબાણીના ઘર પાસે જે ગાડીને વિસ્ફોટકો ભરીને પાર્ક કરાઈ હતી તે મનસુખની જ માલિકીની હતી. તપાસ એજન્સીને શંકા છે કે મનસુખની હત્યા તેમજ એન્ટિલિયા પાસે વિસ્ફોટકો પ્લાન્ટ કરવાનો પ્લાન વાઝેએ ફાઈવ સ્ટાર હોટેલમાં જ બનાવ્યો હતો.

અત્યારસુધીની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે વાઝેને જે પણ હપ્તો મળતો હતો તે તમામ નાણાંનું મેનેજમેન્ટ આ મહિલા જ સંભાળતી હતી. આ સિવાય વાઝે હપ્તાનો જે ભાગ ઉપર સુધી પહોંચાડતો હતો તેની પણ આ યુવતીને માહિતી છે તેવું એનઆઈએનું માનવું છે. આ યુવતીની એનઆઈએ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી ચૂકી છે. જોકે, તેમાં શું જાણવા મળ્યું તેનો કોઈ સત્તાવાર ખુલાસો કેન્દ્રિય તપાસ એજન્સી દ્વારા કરવામાં નથી આવ્યો.

આ યુવતી મુંબઈ છોડીને ભાગવાની ફિરાકમાં હતી ત્યારે જ તે એનઆઈએના હાથે ઝડપાઈ ગઈ હતી. તેને એરપોર્ટ પરથી એનઆઈએની ઓફિસે લઈ જવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે વાઝેને તત્કાલિન ગૃહમંત્રી અનિલ દેશમુખે ૧૦૦ કરોડ રુપિયા ઉઘરાવવાનો ટાર્ગેટ આપ્યો છે તેવો દાવો કરીને ખળભળાટ મચાવી દીધો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે વાઝે અને દેશમુખની મિટિંગ પણ થઈ હતી. જેમાં હપ્તા ઉઘરાવવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આઈપીએસ અધિકારીની અરજી પર વિચાર કરતાં હાઈકોર્ટે સીબીઆઈને તેની તપાસ સોંપતા ૧૫ દિવસમાં રિપોર્ટ ફાઈલ કરવાની તાકીદ કરી હતી.

(8:10 pm IST)