Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

મીડિયાની ફરિયાદ બંધ કરે સંવૈધાનિક સંસ્થાઓ

સુપ્રીમ કોર્ટની ચૂંટણી પંચને સલાહ

નવી દિલ્હી તા. ૬ : કોરોનાના વધતા કેસ વચ્ચે ચુંટણી યોજયા બાદ મદ્રાસ હાઇકોર્ટે ચુંટણી પંચ અંગે આપવામાં આવેલી ટીકા વિરૂધ્ધ દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો. સુનાવણી દરમિયાન જસ્ટીસ ચંદ્રચુડવાળી પીઠે કહ્યું કે, સંવૈધાનિક સંસ્થાઓને મીડિયા રીપોર્ટીંગ અંગે ફરીયાદ કરવાનું બંધ કરવું જોઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સંવિધાનનો અનુચ્છેદ ૧૯ ફકત નાગરિકોની અભિવ્યકિતની આઝાદી નહિ આપે પરંતુ તે મીડિયાને બોલવાનો અધિકાર આપે છે. મદ્રાસ હાઇકોર્ટની ટીકા વિરૂધ્ધ ચુંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

પંચે આ ટીકાઓને બિનજરૂરી અને અપમાનજનક ગણાવીને કહ્યું હતું કે, તેના વિરૂધ્ધ હત્યાના આરોપોવાળી હાઇકોર્ટની ટીપ્પણી અંગે મીડિયામાં સતત ચર્ચા થઇ રહી છે.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ સામે મદ્રાસ હાઈકોર્ટની ટીપ્પણી સામે કહ્યું હતું કે, વિચારવિહીન ટિપ્પણીઓના ખોટી અર્થઘટન થવાની સંભાવના છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મીડિયાને કોર્ટ કાર્યવાહીની જાણ કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે, મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણીઓને કોવિડ -૧૯ ફાટી નીકળવા માટે ચૂંટણી પંચને જવાબદાર ગણાવી હતી.આ અગાઉ સોમવારે આ કેસની સુનાવણી કરવામાં આવી હતી. તે દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું હતું કે મીડિયાને કોર્ટની ટિપ્પણીની જાણ કરતા રોકી શકાશે નહીં. ખંડપીઠે કહ્યું હતું કે લોકશાહીમાં મીડિયા એ એક મહત્વપૂર્ણ અને શકિતશાળી વોચડોગ છે અને તેને ઉચ્ચ અદાલતોમાં ચર્ચાની જાણ કરવામાં રોકી શકાતી નથી.

ગુરૂવારે ચુકાદો આપતી વખતે ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું કે બંને બંધારણીય સંસ્થાઓ વચ્ચે સત્તા સંતુલન અંગેનો નાજુક પ્રશ્ન ફરી ભારતમાં વાણી સ્વાતંત્ર્યનો મોટો મુદ્દો ઉભો કરી રહ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે મદ્રાસ હાઈકોર્ટના ઔપચારિક હુકમમાં એવી ટિપ્પણી નથી જેમાં ચૂંટણી પંચે વાંધો ઉઠાવ્યો છે.

(3:49 pm IST)