Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

દિલ્‍હીમાં ધારાસભ્‍યોનો પગાર વધશેઃ ૫૪૦૦૦ને બદલે દર મહિને ૯૦ હજાર રૂપિયા મળશે

છેલ્લી વખત ૨૦૧૧માં ધારાસભ્‍યોના પગારમાં વધારો કરવામાં આવ્‍યો હતોઃ પરંતુ ૧૧ વર્ષ પછી આટલો ઓછો પગાર વધારો યોગ્‍ય નથી

નવી દિલ્‍હી, તા.૬: દિલ્‍હીમાં ધારાસભ્‍યોનો પગાર ટૂંક સમયમાં વધવા જઈ રહ્યો છે. વાસ્‍તવમાં કેન્‍દ્ર સરકારે ધારાસભ્‍યોના પગાર વધારાને મંજૂરી આપી દીધી છે. હાલમાં તમામ ભથ્‍થાં મળ્‍યા બાદ ધારાસભ્‍યોને દર મહિને ૫૪ હજાર રૂપિયા મળે છે, જયારે વધારા બાદ ધારાસભ્‍યોને દર મહિને ૯૦ હજાર રૂપિયા મળવાનું શરૂ થઈ જશે.

ધારાસભ્‍યોને હાલમાં દર મહિને ૧૨૦૦૦ રૂપિયાનો મૂળ પગાર મળે છે. હવે તે વધીને ૨૦ હજાર થશે. જયારે ભથ્‍થા સહિત પગાર ૫૪ હજારથી વધીને ૯૦ હજાર રૂપિયા થશે. આ પહેલા દિલ્‍હી સરકારે ૨૦૧૫માં કેન્‍દ્રને આ પ્રસ્‍તાવ મોકલ્‍યો હતો, પરંતુ ત્‍યારબાદ મંજૂરી મળી ન હતી. બીજી તરફ દિલ્‍હી વિધાનસભાના સ્‍પીકરે કહ્યું કે કેન્‍દ્ર તરફથી જે પ્રસ્‍તાવ આવ્‍યો છે તેને કાપી નાખવામાં આવ્‍યો છે.

વિધાનસભા અધ્‍યક્ષ રામ નિવાસ ગોયલે જણાવ્‍યું કે છેલ્લી વખત ૨૦૧૧માં ધારાસભ્‍યોના પગારમાં વધારો કરવામાં આવ્‍યો હતો. પરંતુ ૧૧ વર્ષ પછી આટલો ઓછો પગાર વધારો યોગ્‍ય નથી. તેમણે કહ્યું કે, દિલ્‍હીમાં પણ ધારાસભ્‍યોને અન્‍ય રાજયોની જેમ જ પગાર અને ભથ્‍થા મળવા જોઈએ. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્‍દ્રની મંજૂરી બાદ હવે ધારાસભ્‍યોના પગાર વધારવાનું બિલ દિલ્‍હી વિધાનસભામાં આગામી સત્રમાં લાવવામાં આવશે.

અગાઉ ૨૦૧૫માં દિલ્‍હી સરકારે દિલ્‍હી વિધાનસભામાંથી ધારાસભ્‍યોના પગારમાં વધારો કરવા માટે કાયદો પસાર કરીને કેન્‍દ્ર સરકારને મોકલ્‍યો હતો, જેને કેન્‍દ્ર સરકારે ફગાવી દીધો છે. ત્‍યારે કેન્‍દ્ર સરકારે ધારાસભ્‍યોના પગાર અને ભથ્‍થાને લઈને કેટલાક સૂચનો પણ આપ્‍યા હતા. આ પછી, તેના આધારે, દિલ્‍હી કેબિનેટે ઓગસ્‍ટ ૨૦૨૧ માં તેને મંજૂરી આપી હતી અને ફરીથી કેન્‍દ્રને પ્રસ્‍તાવ મોકલ્‍યો હતો. હવે તેને કેન્‍દ્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.(૨૩.૫)

વિવિધ ૧૦ રાજયોમાં ધારાસભ્‍યોના પગાર ભથ્‍થાઃ

૧. ઉત્તરાખંડ - ૧.૯૮ લાખ

૨.હિમાચલ પ્રદેશ - ૧.૯૦ લાખ

૩. હરિયાણા- ૧.૫૫ લાખ

૪. બિહાર - ૧.૩૦ લાખ

૫. રાજસ્‍થાન- ૧,૪૨,૫૦૦

૬. તેલંગાણા- ૨,૫૦,૦૦૦

૭. આંધ્ર પ્રદેશ- ૧,૨૫,૦૦૦

૮. ગુજરાત- ૧,૦૫,૦૦૦

૯. ઉત્તર પ્રદેશ- ૯૫,૦૦૦

૧૦. દિલ્‍હી- ૯૦,૦૦૦

(10:18 am IST)