Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

કર્મચારીઓ હવે ઓફિસમાં અડધો કલાક ઊંઘી શકશે!

કંપનીનો અનોખો નિર્ણય

નવી દિલ્‍હી, તા.૬: ઓફિસમાં કામ કરી થાકી જતા કર્મચારીઓ એક બે ઝપકી પણ લઇ લેતા હોય છે. આ તેમનુ સપનુ હોય છે, કે કાશ ઓફિસમાં ઊંઘવા મળી જાય. મોટી મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓને આવી સુવિધા પણ આપતી હોય છે.

એક કંપનીએ પોતાના કર્મચારીઓનું આ સપનુ પુર્ણ કર્યું છે. બેંગલોરની કંપની વેકફિટે પોતાના કર્મચારીઓ માટે વિચાર્યું છે. આ કંપનીના સહ-સ્‍થાપક ચૈતન્‍ય રામલિંગેગૌડા છે, જેમણે પોતાના કર્મચારીઓને એક મેલ દ્વારા આ જાહેરાત કરી હતી. મેલ પ્રમાણે કંપનીના તમામ કર્મચારીઓને હવે કામ દરમિયાન ૩૦ મિનિટ સુધી સુવા માટે મંજૂરી આપવામાં આવશે

વેકફિટે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ LinkedIn પર આ મેઇલનો સ્‍ક્રીનશોટ પણ શેર કર્યો છે. તેમાં રામલિંગગૌડાએ લખ્‍યું, કે ‘અમે બપોરે કામ દરમિયાન સુવુ તે ઘટનાને હવે સામાન્‍ય બનાવવાનો નિર્ણય કર્યો છે. અમે અમારા તમામ કર્મચારીઓ માટે બપોરે ૨ થી ૨:૩૦ વાગ્‍યા સુવાનો સમય જાહેર કરીએ છીએ.'

આ સિવાય તેમણે મેઇલમાં લખ્‍યુ છે કે, ‘નાસાની એક સ્‍ટડી પ્રમાણે જાણવા મળે છે કે, ૨૬ મિનિટની ઊંઘ લેવાથી પરફોર્મન્‍સમાં ૩૩% વધારો થઈ શકે છે. જયારે હાર્વર્ડ અભ્‍યાસ દર્શાવે છે કે, કેવી રીતે ઊંઘ તમને કામના તણાવથી બચાવે છે. બપોરે સુવાથી વ્‍યક્‍તિની કામગીરી અને ઉત્‍પાદકતા અને ક્રિએટિવીટીમાં સુધારો થાય છે. કંપનીએ આ પગલાને સુવાનો અધિકાર ગણાવ્‍યો છે.

મહત્‍વનું છે કે, ૨૦૧૯માં વેકફિટે રૂ.૧ લાખના પેકેજ પર કેટલાક ઈન્‍ટર્નને હાયર કર્યા હતા, જેમનું કામ ૧૦૦ દિવસ સુધી ઓફિસમાં ૯ કલાક ઊંઘવાનું હતું

(10:19 am IST)