Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

મારાડોનાની ‘‘હેન્‍ડ ઓફ ગોડ'' વાળી જર્સી અધધધ...૬૭.૫૮ કરોડમાં વેંચાઇ

ખરીદનારની ઓળખ જાહેર નથી કરાઇ

લંડન : આર્જેન્‍ટીનાના દિવંગત દિગ્‍ગજ ફુટબોલર ડીઓગા મારાડોના દિવાનગી આજે પણ તેના પ્રશંસકોમાં જળવાઇ રહી  છે. ૧૯૮૬ના ફીફા વિશ્વકપ કવાર્ટર ફાઇનલમાં ઇંગ્‍લેન્‍ડ સામે વિવાદિત ‘‘હેન્‍ડ ઓફ ગોડ'' વાળો ગોલ કરતી વખતે મોરાડોનાએ જે જર્સી પહેરી હતી તેની ડીમાન્‍ડ આજે ૩૬ વર્ષ પછી પણ એટલી જ છે. મોરડોનાની એ જર્સી હરાજીમાં રેકોર્ડ ૭.૧ મિલયન પાઉન્‍ડ એટલે કે ૬૭.૫૮ કરોડ રૂપિયામાં વેચાઇ છે. આ જર્સી હરાજીમાં સૌથી વધારે રકમ મેળવનાર રમતની ચીઝ બની ગઇ છે.

મોરાડોનાની જર્સી માટે રેકોર્ડ ૭.૧ મીલીયન પાઉન્‍ડની બોલી બોલાઇ છે. જો કે તેમણે આ જર્સી ખરીદનારની કોઇ માહિતી નહોતી આપી.

૨૨ જૂન ૧૯૮૬ના દિવસે મેકસીકો સીટીમાં રમાયેલ આ મેચનું મહત્‍વ એટલે પણ વધારે હતું કે તેના ચાર વર્ષ પહેલા બ્રીટન અને આર્જેટીના વચ્‍ચે ફોકલેન્‍ડ ટાપુ બાબતે સંઘર્ષ થયો હતો. મોરાડોનાએ મેચ પછી કહ્યું હતું કે આ ગોલ તેના માથા અને ભગવાનના હાથ (‘‘હેન્‍ડ ઓફ ગોડ'')ના મિશ્રણથી થયો હતો જે અદ્વિતીય છે.

આ મેચમાં મોરડોના હેડરથી ગોલ કરવા માંગતા હતા પણ બોલ કથિત રીતે તેના હાથ સાથે અથડાઇને ગોલ પોસ્‍ટમાં જતો રહ્યો અને મેચ રેફરીને તેની ખબર ના પડી એટલે આ ગોલ ‘‘હેન્‍ડ ઓફ ગોડ'' તરીકે ઓળખાય છે.

(4:04 pm IST)