Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

લોન પર બકરી લો, ચાર ઘેટા પાછા આપો

લગભગ ૧૦૦ પાલઘર આદિવાસી મહિલા ખેડૂતોએ ગોટ બેન્‍કમાંથી આવી લોન લીધી

મુંબઇ, તા.૬: અત્‍યાર સુધી આપણે અનેક બેન્‍કોનાં નામ સાંભળ્‍યાં હશે, પરંતુ ગોટ બેન્‍કનું નામ કદાચ પહેલી વખત સાંભળવા મળ્‍યું હશે. પાલઘરના મોખાડા અને જવ્‍હાર ગામની લગભગ ૧૦૦ આદિવાસી મહિલાઓએ ગોટ બેન્‍કના સહયોગથી લોન પર બકરી લઈને કૃષિઉદ્યોગને વેગ આપવા અને બકરી ઉછેરમાં ઝંપલાવીને વધુ સારો નફો મેળવવા માટેના એક નવીન વિચારનો લાભ લીધો છે. ‘ગોટ બેન્‍ક ઓફ કરખેડા'અકોલાના નરેશ દેશમુખ દ્વારા સંચાલિત છે. તેમની સાથે સંકળાયેલી મહિલાઓને બકરીઓ આપવા માટે મહિલા અને બાળવિકાસ વિભાગ હેઠળના રાજય મહિલા આર્થિક વિકાસ મહામંડળ સાથે તેમણે કરાર કર્યો છે. જિલ્લા ગ્રામ વિકાસ યંત્રણા પાલઘર, પંચાયત સમિતિ જવ્‍હાર, મહારાષ્ટ્ર રાજય આજીવિકા અભિયાન પાલઘર અને માનવ વિકાસ મિશનના આર્થિક સહયોગથી કરખેડા અઙ્ઘગ્રો પ્રોડ્‍યુસર કંપની અકોલા અને ઉન્નતિ મહિલા પ્રભાગ સંઘ દ્વારા મહિલાઓને આ લાભ આપવામાં આવી રહ્યો છે.

આ અનોખા આઇડિયા એટલે કે ગોટ બેન્‍કમાંથી મળતી ગોટ લોન વિશે માહિતી આપતાં પાલઘર જિલ્લા પરિષદનાં પ્રમુખ વૈદેહી વાઢાણે જણાવ્‍યું હતું કે ‘મોખાડા અને જવ્‍હારમાંથી લગભગ ૧૦૦ જેટલી આર્થિક રીતે નબળા વર્ગોની મહિલા ખેડૂતો બકરી ઉછેર તરફ વળી છે. બકરી લોન એટલે કે ગોટ લોન મેળવવા માટે મહિલા ખેડૂતે રજિસ્‍ટ્રેશન-ફી તરીકે ૧,૧૦૦ રૂપિયા ચૂકવીને લોન-કરાર કરવો પડશે. લોન યોજના મુજબ લોન પર બકરી લીધા બાદ ૪૦ મહિનાના સમયગાળામાં ૪ ઘેટાં આપવાં પડશે. અમે લાભાર્થીઓને દર ૧૦ માદા બકરીઓ સાથે એક સગર્ભા બકરી અને એક નર બકરીનું વિતરણ કર્યું હતું. અમારા અનુમાન મુજબ આ યોજના હેઠળ લોન પર બકરી લેનાર દરેક પરિવારને આશરે ૨.૫૦ લાખ રૂપિયા સુધીનો નફો થશે. એક બકરીને સાતથી આઠ મહિનામાં બે કે ત્રણ બાળકો થાય છે. જો એમને સારી રીતે પોષણ મળે તો તેઓ એક વર્ષમાં ઉત્‍પાદક બની જાય છે અને મહિલાઓ માટે પૈસા કમાવાનો એ સારો વિકલ્‍પ બની રહેશે. ઓક્‍ટોબર ૨૦૧૮માં હાથ ધરવામાં આવેલી ૨૦મી પશુગણતરી મુજબ ભારતમાં બકરાઓની કુલ સંખ્‍યા ૧૪૮.૯ મિલ્‍યન છે અને મહારાષ્ટ્રમાં લગભગ ૧૦.૬ મિલ્‍યન બકરીઓ છે. ગોટ બેન્‍કથી મહિલાઓ માટે આવક ઊભી થશે અને આત્‍મનિર્ભર બનવામાં પણ મદદ મળી રહેશે. બકરીઓને બાળકની જેમ સાચવવી પડતી હોય છે અને એ ખૂબ મહેનતનું કામ છે. જોકે મહિલાઓ તેમને બાળકની જેમ સાચવી શકે છે અને એમ કરવાથી તેમને જ સારો લાભ મળશે.'

(4:07 pm IST)