Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદના સર્વે દરમિયાન હંગામો : કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલા કમિશનરની ટીમના આગમન પહેલા હિન્દૂ મુસ્લિમ કોમ દ્વારા સામસામા સૂત્રોચ્ચાર : પરિસ્થિતિ તંગ બનતા પોલીસે મામલો સંભાળી લીધો

વારાણસી : કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલા કમિશનર અને તેમની સાથેની ટીમ કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદના સર્વે માટે પહોંચી ગઈ છે. વીડિયોગ્રાફી પણ મંગાવવામાં આવી છે. જેના વિરોધમાં રોડ પર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. એક બાજુથી સૂત્રોચ્ચાર કર્યા બાદ બીજી બાજુથી પણ સૂત્રોચ્ચાર શરૂ થયો હતો. પોલીસે કોઈક રીતે બંને બાજુના લોકોને સમજાવીને રસ્તા પરથી હટાવ્યા હતા.

સમિતિના વકીલોના મંદિરમાં પ્રવેશ દરમિયાન મુસ્લિમ સમુદાયના 50 જેટલા એકઠા થયેલા લોકોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આ દરમિયાન બીજી બાજુથી હર હર મહાદેવના નારા લાગ્યા હતા. સ્થિતિ તંગ બનતા જ પોલીસે કાફલો સંભાળી લીધો હતો. મુસ્લિમ પક્ષના પ્રબુદ્ધ લોકો આવ્યા અને તરત જ બધાને ત્યાંથી દૂર કરવામાં આવ્યા. મુસ્લિમ સમુદાયના લોકોને દાલમંડીની ગલીમાં મોકલવામાં આવ્યા હતા.

સર્વે દરમિયાન મુસ્લિમ સમાજના લોકો વીડિયોગ્રાફીનો વિરોધ કરી રહ્યા છે. અંજુમન ઇન્સાંજરિયા મસ્જિદ કમિટીના સેક્રેટરીએ આ કાર્યવાહીનો વિરોધ કરવાની જાહેરાત કરી દીધી હતી. જોકે, એરેન્જમેન્ટ કમિટીના વકીલોએ કહ્યું હતું કે તેઓ કાયદાનું પાલન કરશે, પરંતુ જો કંઇક અલગ હશે તો તેઓ ફરિયાદ કરશે. આ મામલે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ પહેલેથી જ સતર્ક છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીની રાખી સિંહે પાંચ અન્ય લોકો સાથે સિવિલ જજ સિનિયર ડિવિઝન રવિ કુમાર દિવાકરની કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો કે, આદિ વિશ્વેશ્વર પરિવારના તમામ દેવી-દેવતાઓને યથાવત્ રાખવા જ્યારે શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજા અને 1991 પહેલાની પુનઃસ્થાપના કરવા દેવામાં આવે તેવી માંગણી કરી હતી. સુનાવણી દરમિયાન, વાદીએ દેવતાઓની સ્થિતિ જાણવા માટે કોર્ટ કમિશનની કાર્યવાહી શરૂ કરવાની વિનંતી કરી હતી. કોર્ટે આ મામલામાં આગામી સુનાવણી માટે 10 મેની તારીખ નક્કી કરી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(6:43 pm IST)