Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

ફરજ દરમિયાન નર્સિંગ સ્ટાફને મલયાલમ બોલવા પર મનાઈ : વિરોધ વધતા 24 કલાકમાં દિલ્હીની હોસ્પિટલએ આદેશ પાછો ખેંચ્યો

દિલ્હી સરકાર તરફથી આ પ્રકારનો આદેશ જારી કરવાને લઈને જીબી પંત હોસ્પિટલને નોટિસ

નવી દિલ્હી: દિલ્હીની જીબી પંત હોસ્પિટલે 24 કલાકમાં જ પોતાનો એ આદેશ પરત લઈ લીધો છે, જેમાં નર્સિંગ સ્ટાફને મલયાલમ બોલવા પર રોક લગાવવામાં આવી હતી. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને હોસ્પિટલ સત્તાધીશોને આ સંદર્ભે પોતાનો આદેશ પરત લેવા માટે કહ્યું છે. દિલ્હી સરકાર તરફથી આ પ્રકારનો આદેશ જારી કરવાને લઈને જીબી પંત હોસ્પિટલને નોટિસ પણ મોકલવામાં આવી છે

જીબી પંત હોસ્પિટલને નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે, આ પ્રકારનો આદેશ કેવી રીતે જારી કરવામાં આવ્યો? હકીકતમાં જીબી પંત હોસ્પિટલ તરફથી એક દિવસ પહેલા જ આ આદેશ જારી કરવામાં આવ્યો હતો કે વાતચીત માટે નર્સિંગ સ્ટાફે માત્ર હિન્દી કે અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ કરવાનો રહેશે. આ બન્ને ભાષાઓ બાદ કરીને કોઈ અન્ય ભાષામાં વાત કરતાં પકડાવા પર કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. જીબી પંત હોસ્પિટલે આ સંદર્ભે એક ફરિયાદ બાદ સેક્યુલર જારી કર્યો હતો.

હોસ્પિટલને મળેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, નર્સિંગ સ્ટાફ પોતાની સ્થાનિક ભાષા મલયાલમમાં વાતો કરે છે. ફરિયાદકર્તાનું કહેવું હતું કે, તેના કારણે દર્દીઓને તેમની વાત સમજવામાં મુશ્કેલી પડે છે. હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરફથી અંદરોઅંદર વાતચીત માટે મલયાલમ ભાષાના ઉપયોગ કરવાની ફરિયાદ પર હોસ્પિટલ તરફથી સર્ક્યૂલર જારી કરીને હિન્દી કે અંગ્રેજી ઉપરાંત અન્ય ભાષાના ઉપયોગ પર કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી

જીબી પંત હોસ્પિટલના આ આદેશનો ઉગ્ર વિરોધ થયો અને તેના પર રાજનીતિ થવા લાગી. અનેક નેતાઓએ તેનો વિરોધ કર્યો. કેરળના વાયનાડથી સાંસદ અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રી અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ સર્ક્યુલરને ભાષાના આધારે ભેદભાવ ગણાવીને કહ્યું કે, મલયાલમ પણ એટલી જ ભારતીય ભાષા છે, જેટલી કોઈ અન્ય ભાષા. જો કે ઉગ્ર વિરોધને જોતા દિલ્હી સરકારે હોસ્પિટલનો આદેશ પરત લેવાનું કહી દીધુ છે.

(5:03 pm IST)