Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

૧૮ મહિનામાં સાયબર ગઠિયાઓ ગુજરાતના લોકોનાં રૂ. ૧૫૫.૨૬ કરોડ ચાંઉ કરી ગયા : ચેતી જવા જેવું

કોરોનાકાળમાં ઓનલાઇન વ્યવહારો વધતાં ગઠિયાઓ સક્રિય બન્યા

નવી દિલ્હી,તા. ૬ : આને તમે કોવિડ ઇમ્પેકટ કહી શકો છો. ૩૭ વર્ષના અયાઝ રઝાકમીયાંએ ૨૦૨માં પોતાની ખાનગી નોકરી ગુમાવી હતી અને તેમને પૈસાની જરૂર હતી. એવામાં તેમના પર એક વોટ્સએપ મેસેજ આવ્યો જેમાં ઘરે બેઠા પૈસા કમાવા બાબતે લખ્યું હતું. અયાઝે તે મેસેજમાં લખેલા નંબર પર તરત જ કોલ કર્યો. સામેથી બોલનાર વ્યકિત એ તેને રૂ. ૯૯૯ની ફી ભરવાનું કહ્યુ અને સાથે ડેટા એન્ટ્રી માટે પ્રતિ પેજ રૂ. ૨૫૦ આપવાની ઓફર કરી હતી. રઝાક તરત જ માની ગયો અને તેણે ૪૦ પાનાની ડેટા એન્ટ્રી કરી આપી દીધી હતી. જો કે લાંબા સમય સુધી તેને પૈસા ન મળતા તે સમજી ગયો હતો કે તેની સાથે છેતરપીંડી થઇ છે.

આવો જ બીજો કિસ્સો ચિરાગ પટેલનો  છે. ચિરાગે એક સર્ચ એન્જિનમાં બેંકના કસ્ટમર કેરનો નંબર શોધી કોલ કર્યો હતો. સામેથી બોલનાર માણસે વેરિફિકેશનના બહાને તેની પાસેથી ઓટીપી નંબર લીધો હતો. થોડી જ મિનિટમાં ચિરાગને બેંકમાંથી મેસેજ આવ્યો કે તેના બેન્કના ખાતામાંથી રૂ. ૧.૭૭ લાખ ઉપડી ગયા છે.

ચોંકાવનારી બાબત એ છે કે, જ્યારે ગુજરાત સહિત આખા દેશમાં કોરોના તબાહી મચાવી રહ્યો હતો. ત્યારે વર્ષ ૨૦૨૦માં સાયબર સેલના હેલ્પલાઇન નંબર પર કુલ ૨૩,૦૫૫ કોલ્સ આવ્યા હતા. તેમાં સાયબર ગઠિયાઓએ રૂ. ૮૭,૬૫,૩૪,૪૯૬ની ઠગાઇ આચર હતી. આ રકમ પૈકી સાયબલ સેલે રૂ. ૧૦,૨૭,૫૧,૮૦૦ ફ્રીઝ કર્યા હતા. ૨૦૨૧માં અત્યાર સુધી કુલ કોલ્સની સંખ્યા ૧૪,૧૭૦ સુધી પહોંચી ગઇ છે. જેમાં રૂ.૬૭,૬૧,૪૩,૫૮૫ની છેતરપીંડી આચરવામાં આવી છે. આ રકમ પૈકી સાયબર સેલે રૂ. ૧૧,૮૫,૨૯,૨૫૨ ફ્રીઝ કર્યા છે. આમ, ગત વર્ષ જાન્યુઆરીથી લઇને ચાલુ વર્ષે જુલાઇ મહિના સુધીમાં સાયબર ગઠિયાઓ કુલ રૂ.૧૫૫,૨૬,૭૮,૦૮૧ની ઠગાઇ કરી ચુકયા છે. જ્યારે સાયબર સેલ આ જ સમયગાળામાં રૂ. ૨૨,૧૨,૮૧,૦૫૨ ફ્રીઝ શકયું છે.

  • કુલ કેસમાંથી ૮૫ ટકા નાણાકીય છેતરપીંડીના છે

સાયબર સેલના અધિકારીના કહેવા પ્રમાણે, કુલ કેસમાંથી ૮૫ ટકા કેસ નાણાકીય છેતરપીંડીના છે. પરંતુ ઇન્ટરનેટ અને મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર સાથે કામ કરી તેઓ છેતરપીંડીની કેટલીક રકમ ફ્રીઝ કરવામાં સફળ થયા છે.

  • કોરોનાની સાથે ડિજિટલ ટ્રાન્ઝેકશનનો વધુ ઉપયોગ મહત્વનું કારણ

ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ પોલીસ કમિશનર પ્રેમવીરસિંઘે કહ્યુ હતુ કે, કોરોના એક કારણ હોઇ શકે છે. જો કે સાથે ડિજિટલ ટ્રાન્ઝેકશનનો વધુ ઉપયોગને કારણે સાયબર ગઠિયાઓને ફાવટ આવી ગઇ છે. પ્રેમવીરસિંઘે વધુમાં ઉમેર્યું હતુ કે, સારી બાબત એ છે કે સાયબર સેલ કેટલીક રકમ ફ્રીઝ કરવામાં સફળતા રહી છે

વર્ષ

કેટલા કોલ

કેટલી રકમની છેતરપીંડી

કેટલીક રકમ ફ્રીઝ કરાઇ

૨૦૨૦

૨૩,૦૫૫

રૂ.૮૭,૬૫,૩૪,૪૯૬

રૂ.૧૦,૨૭,૫૧,૮૦૦

૨૦૨૧

૧૪૧૭૦

રૂ.૬૭,૬૧,૪૩,૫૮૫

રૂ.૧૧,૮૫,૨૯,૨૫૨

કુલ

૩૭,૨૨૫

રૂ. ૧૫૫,૨૬,૭૮,૦૮૧

રૂ.૨૨,૧૨,૮૧,૦૫૨

(10:10 am IST)