Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

GST... વાર્ષિક રિટર્ન ભર્યા પછી ડેટા મિસમેચ થયા તો નોટિસ ફટકારાશે

દર મહિને અને વાર્ષિક રિટર્નના ડેટા ચકાસીને જ રિટર્ન ભરાયાઃ નિષ્ણાતો

મુંબઇ, તા.૬: વેપારીઓ દ્વારાા ભરવામાં આવતા માસિક અને ત્રિમાસિક રિટર્નના આધારે જ વાર્ષિક રિટર્ન ભરવામાં આવતું હોય છે, પરંતુ કેટલીક વખત વેપારીઓ મહિને અથવા તો ત્રિમાસિક રિટર્નના ડેટાની પૂરતી ચકાસણી કર્યા વિના જ વાર્ષિક રિટર્ન ભરવામાં આવશે તો સિસ્ટમ દ્વારા જ કરદાતાને નોટિસ ફટકારશે. જેથી વેપારીએ રિટર્ન ભરતા પહેલા તમામ રિટર્નની પૂરતી ચકાસણી કર્યા બાદ જ વાર્ષિક રિટર્ન ભરે તે હિતાવહ છે, તેવું નિષ્ણાંતોનું કહેવું છે.

વર્ષ ૨૦૨૦-૨૧નુ જીએસટી વાર્ષિક રિટર્ન ડિસેમ્બર અંત સુધીમાં વેપારીઓએ ભરવાનું છે. જોકે, કેટલાય વેપારીઓ દ્વારા હાલમાં જીએસટી વાર્ષિક રિટર્ન ભરવાની કાર્યવાહી શરૂ પણ કરી દીધી છે. જોકે તેના લીધે વેપારીઓને નોટિસ પણ મળતા દોડતા થઇ ગયા છે. કારણ કે વેપારીઓ દ્વારા દર મહિને અથવા તો દર ત્રણ મહિને ભરવામાં આવતા જીએસટીના ૩બી રિટર્નના અને વાર્ષિક રિટર્નના ડેટા મિસમેચ મળતા સિસ્ટમ દ્વારા જ નોટિસ ફટકારવામાં આવી રહી છે. વેપારીઓએ ભરેલા વાર્ષિક રિટર્નમાં રહેલી ભૂલનું પરિણામ હાલમાં વેઠવાની નોબત આવીને ઊભી રહી છે. આ અંગે ટેકસ કન્સલ્ટન્ટ નારાયણ શર્માએ જણાવ્યું હતું કે વેપારીએ વાર્ષિક રિટર્ન ભરતા પહેલા પૂરતી તકેદારી રાખવાની સાથે તમામ ૩બી રિટર્નના ડેટાની ચકાસણી કર્યા બાદ જ વાર્ષિક રિટર્ન ભરવામાં આવે તો જ નોટિસથી બચી શકાય તેમ છે. જેથી નાની-નાની બાબતોનું પણ પૂરતું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

(11:19 am IST)