Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

જંતર-મંતર ખાતે વિપક્ષી નેતાઓએ 'ખેડૂતો બચાવો, ભારત બચાવો'નાં નારા લગાવ્યા

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી અને વિપક્ષી પાર્ટીનાં અન્ય કેટલાક નેતાઓએ વિવાદિત કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે જંતર-મંતર પર એક થવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હી, તા.૬: સંસદનું ચોમાસું સત્ર, જે કોરોના સમયગાળાની વચ્ચે ૧૯ જુલાઈથી શરૂ થયું હતું, તે હવે એવું લાગે છે કે, વિપક્ષોનાં હંગામાની ભેટ ચઢી રહ્યુ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. કોંગ્રેસ, ટીએમસી સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ પેગાસસ જાસૂસી અને કૃષિ કાયદાને લઈને રાજયસભા અને લોકસભામાં હંગામો મચાવી રહી છે. આ સમગ્ર વિરોધ વચ્ચે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી અને વિપક્ષી પાર્ટીનાં અન્ય કેટલાક નેતાઓએ શુક્રવારે વિવાદિત કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે જંતર -મંતર પર એક થવાનો નિર્ણય કર્યો.

૧૪ વિપક્ષી દળોનાં નેતાઓ આજે સવારે ૧૦ વાગ્યે સંસદ ભવનમાં મળ્યા અને ખેડૂતોનાં આંદોલનને ટેકો આપવાનો, 'કિસાન સંસદ'માં ભાગ લેવાનો અને તેમની સાથે એકતામાં બેસવાનો નિર્ણય કર્યો. ઓછામાં ઓછા ૧૪ વિપક્ષી દળોએ બેઠકમાં હાજરી આપી હતી અને જંતર -મંતર પર વિરોધમાં ભાગ લેવા સંમત થયા હતા. જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શિવસેના, ડીએમકે, એનસીપી, આરજેડી, એસપી, સીપીઆઈએમ, સીપીઆઈ, આઈયુએમએલ, આરએસપી, એનસી, એલજેડીનો સમાવેશ થાય છે. રાજયસભામાં વિપક્ષનાં નેતા મલ્લિકાર્જુન ખરાગે ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 'કૃષિ કાયદા રદ કરવાની ખેડૂતોની માંગને સમર્થન આપવા માટે, તમામ વિપક્ષી પાર્ટીઓ આજે જંતર -મંતર પર જશે, જેમાં રાહુલ ગાંધીનો પણ સમાવેશ થાય છે.

નેતાઓ સંસદથી બસમાં ૧૨.૩૦ વાગ્યે જંતર-મંતર ખાતે કિસાન સંસદમાં હાજરી આપવા માટે મુસાફરી કરી હતી. ઘટના સ્થળ પર પહોંચતા વિપક્ષી નેતાઓએ 'ખેડૂતો બચાવો, ભારત બચાવો'નાં નારા લગાવ્યા હતા. ખેડૂતોને ટેકો આપવા માટે ખડગેની આગેવાનીમાં વિપક્ષી પાર્ટીઓનાં વિરોધમાં આમ આદમી પાર્ટી પણ જોડાઈ હતી. ઉલ્લેખનીય છે કે સંસદ સત્રને જોતા ખેડૂત સંગઠનો તેમની માંગણીઓ માટે છેલ્લા કેટલાક દિવસોથી જંતર-મંતર પર સાંકેતિક 'સંસદ'નું આયોજન કરી રહ્યા છે. ખેડૂત સંગઠનોની માંગ છે કે, ત્રણેય કાયદા રદ કરવા અને લદ્યુત્તમ ટેકાનાં ભાવની બાંયધરી આપવા માટે કાયદો બનાવવાની છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, વિપક્ષી નેતાઓની બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, પેગાસસ જાસૂસી કેસ અને મોંઘવારીનાં મુદ્દે સરકારને ઘેરી લેવામાં આવશે.

(4:02 pm IST)