Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

દેશમાં ૮૨ કરોડ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે

રાજ્યસભામાં આઇટી મંત્રીએ માહિતી આપી : ગ્રામ્ય વિસ્તારોમાં ૩૦ કરોડ લોકો ઈન્ટરનેટ યુઝ કરે છે

નવી દિલ્હી, તા.૬ : ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા બહુ ઝડપથી વધી રહી છે અને હાલમાં ભારતમાં ૮૨ કરોડ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે.

ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને રાજ્યસભામાં આ અંગે જાણકારી માંગી હતી અને તેના જવાબમાં કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યુ હતુ કે, દેશમાં ૧.૫૭ લાખ ગ્રામ પંચાયતોને હાઈ સ્પીડ ઈન્ટરનેટની સુવિધા આપવામાં આવી છે.

સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં ૮૨ કરોડ ઈન્ટરનેટ યુઝર્સ નોંધાયા હતા.ગ્રામ્ય વિસ્તારોમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ૩૦ કરોડ કરતા વધારે અને શહેરી વિસ્તારમાં ૫૦ કરોડ કરતા વધારે છે. ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં ઈન્ટરનેટની પહોંચ વધારવા માટે તમામ ગ્રામ પંચાયતોમાં ભારત નેટ યોજના લાગુ કરી છે. કુલ મળીને ૧.૫૭ લાખ ગ્રામ પંચાયતોને હાઈ સ્પીડ ઈન્ટરનેટ સાથે જોડવામાં આવી છે. દેશમાં ૫.૨૫ લાખ કિલોમીટર લંબાઈના ઓપ્ટિક ફાઈબર બીછાવવામાં આવ્યા છે.

દરમિયાન એક અંદાજ એવો છે કે, ૨૦૨૫ સુધીમાં ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ૯૦ કરોડ થઈ જશે.ગયા વર્ષે આ આંકડો ૬૨ કરોડ હશે.ગ્રામ્ય વિસ્તારમાં ઈન્ટરનેટ વાપરનારાઓની સંખ્યા શહેરી વિસ્તાર કરતા પણ વધી રહી છે.

(7:55 pm IST)