Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

સાંબામાં ડ્રોનમાંથી ફેંકાયેલા હથિયારો જપ્ત કરવામાં આવ્યા

સાંબામાં બબ્બર નાળા ખાતે સેનાનું સર્ચ ઓપરેશન : સમગ્ર વિસ્તારમાં ડ્રોનની ગતિવિધિઓ ધ્યાનમાં આવ્યા બાદ સમગ્ર વિસ્તારના દરેક ખૂણામાં પોલીસ દ્વારા તપાસ

શ્રીનગર, તા.૬ : જમ્મુના સાંબા જિલ્લામાં શુક્રવારે બબ્બર નાળા ખાતેથી ૨ પિસ્તોલ, ૫ મેગેઝિન અને કારતૂસ મળી આવ્યા હતા. ત્યાર બાદ પોલીસ અને સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન આરંભ્યુ હતું. ગુરૂવાર મોડી રાતથી આ વિસ્તારમાં ડ્રોનની ગતિવિધિઓ જોવા મળી હતી. આ કારણે ડ્રોન દ્વારા જ હથિયારો ફેંકવામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ હથિયારો આતંકવાદીઓ સુધી પહોંચાડવાના હોવાની શક્યતા જણાઈ રહી છે.

સમગ્ર વિસ્તારમાં ડ્રોનની ગતિવિધિઓ ધ્યાનમાં આવ્યા બાદ સમગ્ર વિસ્તારના દરેક ખૂણામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બબ્બર નાળામાં શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી. તપાસ દરમિયાન ૨ પિસ્તોલ, ૫ મેગેઝિન, બેકપેક અને આઈઈડી જેવી એક ખાલી પાઈપ, ૧૨ કારતૂસ મળી આવ્યા હતા. પોલીસ અને સેનાની ટીમ દ્વારા તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.  ગુપ્તચર એજન્સીઓને મળેલા અહેવાલ પ્રમાણે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા આઈઈડીની મદદથી જમ્મુ શહેરમાં હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમાં ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરવાનું ષડયંત્ર છે. પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા દ્વારા સાંપ્રદાયિક તણાવ ફેલાવવા માટે મંદિરો પર હુમલાની યોજના અંગે ગુપ્તચર એજન્સીઓ પાસેથી ઈનપુટ મળ્યા બાદ જમ્મુમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

(7:56 pm IST)