Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

જાણ વીના પ્રાઈવેટ પાર્ટના વીડિયો શૂટ કરાયાનો દાવો

પોર્ન ફિલ્મ કેસમાં રાજ કુંદ્રાની મુશ્કેલી વધી : એક એક્ટ્રેસે માલવાણી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી

મુંબઈ, તા.૬ : પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની મુશ્કેલીઓનો અંત આવતો દેખાતો નથી. આર્થર રોડ જેલમાં બંધ રાજ કુંદ્રા જામીન મળી જાય તે આશામાં છે, તો બીજી તરફ પોલીસે આ મામલે ઊંડી તપાસ કરતાં એક પછી એક સાક્ષીઓ અને પીડિતાઓના નિવેદન નોંધી રહી છે. બુધવારે વધુ એક પીડિત એક્ટ્રેસ અને મોડલે પોતાનું નિવેદન પોલીસ સમક્ષ નોંધાવ્યું હતું. નિવેદનમાં પીડિતાએ જે દાવા કર્યા છે તે રાજ કુંદ્રા અને તેના સાગરિતોની મુશ્કેલીમાં ઉમેરો કરી શકે છે. એક્ટ્રેસે દાવો કર્યો છે કે, એક એડલ્ટ શો માટે શૂટિંગ કરવાની ઓફર તેને મળી હતી. જેમાં ન્યૂડ સીન શૂટ કરવામાં આવ્યા હતા. એક્ટ્રેસની જાણકારી વિના જ તેના પ્રાઈવેટ પાર્ટના વિડીયો શૂટ કરવામાં આવ્યા હતા અને પછી તેને ઓટીટી એપ પર અપલોડ કરાયા હતા.

રાજ કુંદ્રા કેસમાં મુંબઈ પોલીસે શુક્રવારે શર્લિન ચોપડાને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. શર્લિન ક્રાઈમ બ્રાંચની ઓફિસ પહોંચી છે અને સાથે કેટલાક કાગળિયા પણ લઈને ગઈ છે. શર્લિનનું કહેવું છે કે, આ કેસમાં તે આરોપી નહીં સાક્ષી તરીકે નિવેદન નોંધાવા આવી છે. બીજી તરફ મુંબઈ પોલીસ પોતાની તપાસના આધારે એ દાવો કરી રહી છે કે, રાજ કુંદ્રા જ પોર્ન રેકેટનો અસલી માસ્ટરમાઈન્ડ છે. રાજ પર આરોપ છે કે, તેની કંપનીએ ઘણી અભિનેત્રીઓ અને મોડલ્સને વેબ શોમાં કામ આપવાની લાલચ આપીને પોર્ન ફિલ્મ શૂટ કરાવી લીધી.

 

અત્યાર સુધીમાં ઘણી મોડલ અને અભિનેત્રીઓ આગળ આવીને પોતાના નિવેદન નોંધાવી ચૂકી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, બુધવારે પીડિત એક્ટ્રેસનું નિવેદન નોંધ્યું હતું. પીડિતાએ માલવાણી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. પોતાના નિવેદનમાં તેણે આરોપ લગાવ્યો હતો કે, ઈન્ટિમેટ સીનના શૂટિંગ વખતે તેને કહેવામાં આવ્યું હતું કે, તેના પ્રાઈવેટ પાર્ટ નહીં બતાવામાં આવે. પરંતુ શૂટિંગના થોડા દિવસ પછી તેના એક ફ્રેન્ડે જણાવ્યું કે, વિડીયોમાં તેના પ્રાઈવેટ પાર્ટ્સ બતાવાયા છે.

પીડિતાએ પોલીસને કહ્યું કે, જ્યારે તેણે આ વિડીયો જોયો ત્યારે ચોંકી ગઈ કારણકે વિડીયો એડિટ કર્યા વિના જેવો શૂટ કર્યો હતો તેવો જ અપલોડ કરી દેવાયો હતો. પીડિતાએ એમ પણ કહ્યું કે, વેબ શોના શૂટિંગ પહેલા તેની પાસે કોન્ટ્રાક્ટ સાઈન કરાવાયો હતો અને અમુક રકમ પણ ચૂકવાઈ હતી. આ કોન્ટ્રાક્ટમાં ન્યૂડ અને ઈન્ટિમેટ સીનનો ઉલ્લેખ હતો.

આ કેસમાં અગાઉ પણ કેટલીય મોડલો અને અભિનેત્રીઓએ આવા પ્રકારના જ નિવેદન આપ્યા છે. તેમણે જબરદસ્તી પોર્ન શૂટ કરાવ્યાની વાત પણ કરી હતી. પોલીસ આ જ સાક્ષીઓની જુબાનીને આધારે કોર્ટમાં રાજ કુંદ્રા વિરુદ્ધ પુરાવા રજૂ કરશે. પોલીસનો દાવો છે કે અત્યાર સુધીની તપાસ અને રાજ કુંદ્રાની ઓફિસમાં દરોડા પાડ્યા તે દરમિયાન ૬૮ અશ્લીલ વિડીયો જપ્ત કર્યા છે.

આ સિવાય બે એપમાંથી ૫૧ અશ્લીલ ફિલ્મો પણ મળી હતી. પોર્ન ફિલ્મો દ્વારા થતી કમાણીનો ક્યાં ઉપયોગ થતો હતો તેની તપાસ ચાલી રહી છે. આ કેસમાં રાજ કુંદ્રા સિવાય બાકીના આરોપીઓ અને રાજની કંપનીમાં ડાયરેક્ટર રહી ચૂકેલી શિલ્પા શેટ્ટીના બેંક અકાઉન્ટ પણ પોલીસ તપાસ કરી રહી છે. રાજ કુંદ્રાના અમુક બેંક અકાઉન્ટ સીલ પણ કરાયા છે.

(7:57 pm IST)