Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

નવરાત્રીનાં વધામણાં... આદ્યશકિતનાં મંદિરોમાં આરાધનાનો અવસર

આજે સર્વપિતૃ અમાસ સાથે શ્રાદ્વ પક્ષની પૂર્ણાહુતિ, કાલથી નવલી રાત્રીનો આરંભ

નવી દિલ્‍હી, તા.૬: આદ્યશક્‍તિની આરાધનાના પર્વ નવરાત્રીનો આવતીકાલથી આરંભ સાથે જ ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે કોરોના નિયંત્રણો વચ્‍ચે માંડ એક-બે કલાક ગરબાની રમઝટ માણવા મળી હતી. તે સામે આ વર્ષે કોરોના હળવો થતાં શેરી ગરબાને મંજૂરી આપી દેવાઇ છે. બીજી બાજુ નવરાત્રીનાં વધામણાં સાથે જ શહેરના આદ્યશક્‍તિના મંદિરોમાં ઉત્‍સાહ અને ઉમંગની હેલી જોવા મળી રહી છે. નવસત્રીના દિવસોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો, પૂજા-આરતી, હવન માટે આયોજનો કરાયા છે.
પિતૃતર્પણ, પિંડદાન સહિતના પિતૃઓના કાર્યો માટે શ્રાદ્ધ પક્ષ મનાવવામાં આવે છે. બુધવારે સર્વપિતૃ અમાસ નિમિત્તે ચૌદશ, પૂનમ, અમાસનું શ્રાદ્ધ કરવાની સાથે જ શ્રાદ્ધ પક્ષની પર્ણાહુતિ થશે. જયારે ગુરુવારે આસો સુદ પડવાની સાથે જ શારદીય નવરાત્રીની શરૂઆત થશે. જયોતિષીના જણાવ્‍યા મુજબ, ગુરવાર સિત્રા નક્ષત્ર, વૈદ્યુતિ યોગ, બાલવ કરણ અને ચંદ્રની કન્‍યા રાશિમાં નવરાત્રી પર્વની શરૂઆત થશે. ગુરુવારે ચિત્રા નક્ષત્ર રાત્રીએ ૯.૧૩ વાગ્‍યા સુધી છે. જયારે વૈદ્યૃતિ યોગ મોડી રાત્રીએ ૧,૪૦ વાગ્‍યા સુધી છે. ઘટસ્‍થાપન, દીપસ્‍થાપન, કળશ સ્‍થાપનના મુહૂર્ત માટે સૂર્યોદય પ્રમાણે શુભ ચોઘડિયું સવારે ૬.૩૧થી ૮ વાગ્‍યા સુધીનું છે.
ગુરુવારે ચલ ચોઘડિયું સવારે ૧૦.૫૭થી ૧૨.૨૬ સુધીનું, લાભ ચોઘડિયું ૧૨.૨ થી ૧.૫૫ સુધીનું, અમૃત ચોઘડિયું બપોરે ૧,૫૫થી ૩.૨૪ વાગ્‍યા સુધીનું છે. જયારે ૧૩ ઓક્‍ટોબરના રોજ બુધવારે આસો સુદ આઠમની સાથે જ ઉપવાસ તેમજ હવનાષ્ટમી, હવન પૂજા કરી શકાશે. આસો માસના આરંભ સાથે જ પ્રથમ નવ દિવસની નવરાત્રી પર્વ હોય છે, પરંતુ આ વર્ષે ચોથનો ક્ષય છે. શનિવારે ૯ ઓક્‍ટોબરે સવારે ૭.૪૮ વાગ્‍યા સુધી જ ત્રીજ છે અને પછી ચોથ બેસી જાય છે. એટલે વિનાયક ચોઠ શનિવારે જ કરવાની રહેશે. ૧૨ ઓક્‍ટોબરના રોજ મંગળવારે આખો દિવસ સાતમ છે અને તે રાત્રિએ ૯.૪૯ વાગ્‍યે પૂરી થવાની સાથે જ આઠમ શરૂ થાય છે. બુધવારે ૧૩ ઓક્‍ટોબરે રાત્રિએ ૮.૦૮ વાગ્‍યા સુધી આઠમ સાથે મહાષ્ટમી, હવનાષ્ટમીની ઉજવણી થઇ શકશે. આઠ દિવસ બાદ ૧૪ ઓક્‍ટોબરે મહાનવમી સાથે જ શારદીય નવરાત્રીની સમાપ્તિ થશે.

 

(11:32 am IST)