Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

આદ્યશકિતની આરાધનાનું મહાપર્વ નવરાત્રી : કાલથી મંગલારંભ

હવે કાલથી સતત નવ દિવસ જગત જનનીની ભકિતમાં તરબોળ થશે : ભાવિકો ભકિતભીનો તલસાટ : સમી સાંજ થતા જ ચોકે - ચોકે ઘરમાં ગવાશે મામ્પાહી ઁ ભગવતી ભવદુઃખ કાપો... રોશનીના ઝગમગાટ, ધૂપ, દીવા, આરતી, દુહા, છંદ, સ્તુતિ, ગરબા સંગ વાતાવરણ બનશે તેજોમય : સરકાર સાવચેતી સાથે ગરબા - શેરી ગરબા - પ્રાચીનને મર્યાદા સાથે મંજૂરી આપી... : આ વર્ષે ૮ દિવસની નવરાત્રી : કાલે ઘટ્ટસ્થાપન : ચોથના ક્ષયથી એક નોરતું ઘટશેઃ ૧૩મીએ આઠમ

રાજકોટ : આદ્યશકિત જગત જનનીની આરાધનાનું મહાપર્વ નવરાત્રી. આસો નવરાત્રીના આગમનના એંધાણ વર્તાયા છે. આવતીકાલથી આસો નવરાત્રીનો મંગલારંભ થઈ રહ્યો છે. હવે સતત નવ દિવસ અને રાત્રી ચોકે ચોકે અને શેરીએ ઘરોમાં, મંદિરોમાં રોશનીના ઝગમગાટ, ધૂપ, દીવા, આરતી, દુહા, છંદ, સ્તુતિ, ગરબા સંગ વ્રત, જપ, તપ દ્વારા અનુષ્ઠાન કરવા ભકિતભીનો તલસાટ પ્રવર્તે છે.

કોરોના મહામારી વચ્ચે ગત વર્ષે આસો નવરાત્રી ઉજવણી ઉપર પ્રતિબંધ હતો ત્યારે હવે આ વર્ષે કોરોનાનું સંક્રમણ ઓછું થતાં સરકારે સાવચેતીના ભાગરૂપે થોડી છૂટછાટ આપી છે. શેરી, ગરબાને મંજૂરી આપી છે ત્યારે પાર્ટી પ્લોટમાં થતાં મોટા અર્વાચીન રાસોત્સવના આયોજનને બ્રેક મારી છે.

વર્ષોથી પ્રાચીન ગરબીનું આયોજન કરતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ગરબી મંડળોએ આ વર્ષે માત્ર ગરબા અને આરતી કરવાનો નિર્ણય કર્યો છે તો હજારો પ્રાચીન ગરબી મંડળ દ્વારા સરકારના માર્ગદર્શન તળે ઉજવણી કરવા તડામાર તૈયારી હાથ ધરી છે.

પ્રાચીન ગરબી મંડળની બાળાઓ તાલી રાસ, ખંજરી રાસ, મંજીરા રાસ, ટીપ્પણી રાસ, શ્રી કૃષ્ણ રાસ, માડી તારા અઘોર નગારા વાગે રાસ, બેડા રાસ, ત્રિશુલ રાસ સહિતના રાસની તાલીમ લીધી છે. હવે આવતીકાલે સતત નવ રાત્રી માતાજીની સ્તુતિ, આરતી અને ગરબા સંઘ રાસની રમઝટ બોલાવશે.

જયારે સોસાયટીમાં સરકારના આદેશ મુજબ મર્યાદીત સંખ્યામાં ખેલૈયાઓ સંગીતના સથવારે રાસોત્સવમાં ઝૂમવા થનગની રહ્યા છે.

 માતૃશકિતના ગુણગાન ગાવાના અનેરા પર્વ નવરાત્રીના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે. એક બાજુ ભાવીકો માંની આરાધના કરવા આતુર બન્યા છે તો બીજી બાજુ સરકારના અંકુશ સાથે કોરોનાના ફફડાટ વચ્ચે ખેલેૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહયો છે.

કોરોનાની મહામારીને પગલે ગત વર્ષે તો નવરાત્રી પર્વ ઉજવાયો જ નહોતો. સ્થિતીની ગંભીરતાને લઇને અને સાવચેતીને ધ્યાનમાં રાખી સરકારે માત્ર માતાજીની આરતી-સ્તુતીની જ મંજુરી આપી હતી.

પરંતુ હાલના સમયમાં કોરોનાના કેસો ઘટયા છે. જેને લઇને હાલની સરકારે કેટલીક શરતો સાથે શેરી ગરબા જેવી મર્યાદીત મંજુરી આપી છે. કારણ કે હજુ પણ ત્રીજી લહેરનો ભય સંપુર્ણપણે ગયો નથી.આમ છતાં પ્રજાજનો અળકાયા છે.

આમ તો છેલ્લા બે વર્ષથી એકપણ પર્વ ધામધુમથી કે મુકતપણે મનાવી શકયા નથી. હવે આ નવરાત્રી પર્વમાં ભાવિકો કે ખેલૈયાઓ કેમ પાછળ રહે...?

નવરાત્રી પર્વનું મહાત્મય અનેરૂ અને અદકેરું છ.ે મા શકિતની ભકિત અને આરાધના... નવ-નવ દિવસ ઉપાસના નો માત્ર ભારત જ નહિ વિશ્વભરમાં અનેરો પાવન મહોત્સવ એ જ આપણી નવરાત્રી....

સૌરાષ્ટ્ર, ગુજરાત જ નહિ ભારતભરના અનેક પ્રાંતોમાં નવ દિવસ સુધી મા ની આરાધના કરી ભારે હર્ષોલ્લાસથી આ પર્વની ઉજવણી થાય છે. ભારતીય હિંદુ સંસ્કૃતિ, અનુસાર આપણે ત્યાં ચાર નવરાત્રીનું અદકેરું મહત્વ છે.

જેમાં પોષી નવરાત્રી ચૈત્રિ નવરાત્રી, અષાઢી નવરાત્રી અને અશ્વિની એટલે કે આસો નવરાત્રીનો સમાવેશ થાય છે. આ તમામ નવરાત્રીઓમાં ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી અનેરૂ સ્થાન ધરાવે છે.

કહેવાય છે કે કળીયુગ ચાલી રહ્યો  છે કોઇ કોઇનું નથી દરેક મનુષ્ય વિવિધ વિપદાઓમાંથી પસાર થઇ રહ્યો છે. પરંતુ જોઇએ તો દેવ જેવા દેવોએ પણ દાનવો નો અને સુર જેવા સુરો એ પણ અસુરોનો સામનો કરવો પડેલો... કૌરવો અને પાંડવો વચ્ચેનું મહાભારતનું યુધ્ધ તો માત્ર ૧૮ દિવસ ચાલેલું....

પરંતુ કહેવાય છે કે ભગવાન ઇન્દ્ર અને દાનવોના રાજા મહિષાસુર વચ્ચે પુરા ૧૦૦ વર્ષ સુધી યુધ્ધ ચાલેલું.. જેમાં યુધ્ધના અંતે ભગવાન ઇન્દ્રનો પરાજય થયો અને મહિષાસુર નો થયો વિજય એટલે માહિષાસુર બન્યો દેવોનો અધિપતિ...

આથી બધા દેવો ગભરાઇ ને દોડયા ભગવાન બ્રહ્મા પાસે દેવોની આ વાત સાંભળી ભગવાન બ્રહ્મા તેમને ભગવાન શંકર અને વિષ્ણુ પાસે લઇ ગયા. અને દેવોની દુર્દશાની દાસ્તાન સાંભળી ભગવાન શંકર અને વિષ્ણુનો ક્રોધ ભભુકી ઉઠયો.

કહેવાય છે કે ભગવાન બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ એ ત્રણેયના ક્રોધાયમાન મુખમાંથી મહાતેજ નીકળ્યું.. એ જ વેળાએ ભગવાન ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, યમ વગેરે દેવોના શરીર માંથી પણ મહાતેજ પ્રગટયું....

આ બધા દેવોના મહાતેજમાંથી એક અનન્ય તેજ પુંજ રચાયો અને તેનો પ્રકાશ દસેય દિશામાં ફેલાઇ ગયો આ મહાન તેજમાંથી પ્રગટી એક નારી શકિત...

જેમણે સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળ ને આવરી લીધા. શંકરના મુખમાંથી નીકળેલા તેજમાંથી બન્યુ શકિતનું મુખ. વિષ્ણુના તેજમાંથી ઘડાયા એમના બાહુ, યમના તેજમાંથી ગુથાર્યા શકિતનો કેશકલાય..ચંદ્રના તેજમાંથી બન્યો શકિતનો ઉરપ્રદેશ.. કટીપ્રદેશ બન્યો ઇન્દ્રના તેજમાંથી જંઘા બની વરૂણના તેજમાંથી, નિતંબ બન્યા પૃથ્વીના તેજમાંથી, બ્રહ્માના તેજમાંથી ઘડાયા શકિતના પગ...

વસુના તેજથી હાથના આંગળા અને સુર્યના તેજથી પગના આંગળાનો અગ્નિના તેજ આપી આંખ ઉષા-સંધ્યાના તેજથી નિહમાયા ભ્રમરો અને અનિલના તેજથી સર્જાયા કાન... અન્ય દેવોએ બાકીના અંગો-પાંગો ઘડવા માટે પોતાનું તેજ આપ્યુ...એમ સર્વોદેવોના એકત્ર થયેલ તેજમાંથી શકિતદેવીની થઇ ઉત્પતિ...

પૌરાણિક માન્યતા અનુસાર મહિષાસુર હિમગીરી ઉપર ભારે તપ કરી ભગવાનને પ્રસન્ન કરી વરદાન માગ્યુ હતુ કે 'કોઇ પણ પુરૂષના હાથે મારૃં મૃત્યુ ન થાય...' અહીં જ એ ભુલ કરી બેઠો એમને એમ કે કોઇ અબળા નારી મારૃં શું બગાડી શકશે...

કહેવાય છે કે વરદાન મેળવ્યા બાદ તો મહિષાસુર-બેફામ બન્યો હતો. સાધુ સંતોને રંજાડી તપસ્યા અને હોમ-હવનમાં વિધ્નો ઉભા કરી કાળો કરે વર્તાવ્યો હતો. એટલું જ નહિ દેવોને પણ હરાવી અધિપતિ બની બેઠો હતો.

ત્યારે મહિષાસુરના સંહાર માટે જ ઉત્પતિ થઇ હતી મા શકિતની..બધા દેવોના તેજમાંથી માં શકિતનો દેહ તો ઘડાયો પરંતુ મહિષાસુર સામે લડવા આયુધોનું શું...?

આ વેળાએ ભગવાન શંકરે માં શકિતને ત્રિશુલ આપ્યું.. ભગવાન વિષ્ણુએ ચક્ર આપ્યું.. વરૂણે શંખ.. ચાંપ અને બાણથી બે ભાથા પણ આપ્યા.. અગ્નિએ શકિત, ઇન્દ્રએ વ્રજ અને એરાવત હાથીનો ઘંટ આપ્યો... જળદેવતા અંબુપતિએ પાર, યમે દંડ, ભગવાન બ્રહ્માએ અક્ષરમાળા અને કમંડળ આપ્યું...

કામદેવે ચર્મના ઢાલ અને ખડગ આપ્યા સાચા મોતીની માળા, ચુડામણી, કુંડળ, કકંણ કેયુર ઝાંઝર અને વીંટી જેવા આભુષણો આપ્યા... વિશ્વકર્મા પાસેથી શકિતને મળ્યા પરશુ, કવચ અને કમળમાળા, હિમવાન પાસેથી મળ્યા રત્નો અને સિંહનું વાહન....

કુબેર પાસેથી મળ્યું સુરાપણ શેષનાગ લઇ આવ્યા મહામણી અને નાગહાર આમ અનેક દેવોએ માં શકિતને આભા - શોભા અને સશસ્ત્રો આપી મા શકિત પ્રસન્ન થઇ અટ્ટહાસ્ય કરવા લાગ્યા.

મા શકિતના એ અટ્ટહાસ્યથી આકાશ - પાતાળ ધ્રુજી ઉઠયા... સમુદ્ર ખળભળી ઉઠયા. ડુંગરો ડોલવા લાગ્યા. આ જોઇ બધા દેવોએ સિંહવાહીની દેવી શકિતનો જયજયકાર બોલાવ્યો મા આદ્યશકિત એ અટ્ટહાસ્ય કરતા જ મહિષાસુર પણ ધ્રુજી ઉઠયો હતો.

મહિષાસુરે જયારે માતાને જોયા તો માતાના પગથી નીચેની જમીન દબાતી હતી અને માથાપરનો મુગટ જાણે આકાશને અડતો હતો. દેવીની સહસ્ત્રભુજાઓ દશે-દિશાને  ઘેરી વળી હતી. એ ભુજાઓ સાથે માતાએ અસુરો સાથે યુધ્ધ આરંભ્યુ...

આ વેળાએ મહિષાસુરે મદદ માટે ઘા નાખી ઉદગ્ર પાસે અને ઉદગ્ર ૬૦,૦૦૦ રથ લઇને અસુર પક્ષે લડવા આવ્યો... મહાદ પણ હજારો રથ સાથે દોડી આવ્યો. પરિવાહિત લાવ્યો હસ્તી સૈન્ય, હયદળ અને લાખો રથ તો ભીંડીયાલ, શંકુત, મુશલે અને તોમર નામના અસુરો પણ મહિષાસુરના પક્ષે આવી ઉભા રહ્યા.

પરંતુ આ તો માં આદ્યશકિત... અસુરોના બધા શસ્ત્રોને છેદવા લાગ્યા મા નું વાહન સિંહ અસુરોનું લોહી ચુસવા લાગ્યા. મા એ પોતે કેટલાય અસુરોને ત્રિશુલથી કેટલાયને ખડગ, ગદા અને દંડથી હણી નાખ્યા કેટલાક અસુરો તો ઘટંનાદ સાંભળતા જ મુર્છિત થઇ ગયા.

કેટલાક અસુરોને દેવીએ પાત્ર વડે બંદી બનાવ્યા દેવીના શસ્ત્રો પ્રહારથી કેટલાક અસુરોના હાથ કપાયા તો કેટલાક ના પગ-પૃથ્વી પર લોહીની નદીમાં વહેવા લાગી અને મૃતદેહો ના ખડકલા થવા લાગ્યા. મા રણમેદાનમાં આગળ વધતા ગયા.

ત્યારબાદ હણાવવા લાગ્યા મહિષાસુરના સેનાપતિઓ...ચિક્ષુર, ચામર ઉદગ, કચલ, ભિંડીપાલ બિષ્કલતામ અધક ઉગ્રાસ્ય મહાદનું બિલ્ડીંલ દુર્ધર, હર્મખ વગેરે અસંખ્ય અસુરાનો સંહાર કર્યો અને પછી વારો આવ્યો. મહિષાસુરનો...

અનેક યુકિત-પ્રયુકતિ અજમાવી... અસુરી શકિતનો કર્યો ભરપુર ઉપયોગ.... અનેક રૂપ ધારણ કર્યા.... પરંતુ કોઇપણ ધમપછાડાની કારી ન ફાવી આખરેમાં આદ્ય શકિતએ ક્રોધે ભરાઇને કુદકો મારી એક પગ વડે મહિષાસુરને ભોંય સરસો ચાપ્યો અને પછી તેની છાતીમાં ત્રિશુલ ભોકી ખણ વડે અસુરનું મસ્તક છેદી નાખ્યું.

આ દ્રશ્ય જોઇ બધા દેવોએ માં શકિત પર પુષ્પવૃષ્ટિ કરી દેવીનો જયજયકાર બોલાવ્યો.... અને સર્વદેવતાઓ ભેગા મળી કરી દેવીની સ્તૃતિ...

મહિષ માર્યો માહેશ્વરી પ્રગટયો સુર આનંદ...

શકાદય સુરગમ મળી સ્તૃતિ કરે નરિયચંદ...

શકાદય સુરગમાં મળી અંબાના ગુણ ગાયા...

જગજનની ગિરિનંદની ભયામર્જની માય...

કહેવાય છે કે ત્યારથી માં ની આરાધના ના ભાગરૂપે નવરાત્રી પર્વની ઉજવણી થાય છે. આ વર્ષે આવતી કાલથી એટલે કે ૭મી ઓકટોરબર ર૦ર૧ને આસો સુદ એકમને ગુરૂવારથી પ્રારંભ થવા જઇ રહ્યો છ.ે આ વેળાએ સરકારની કેટલીક મર્યાદિત શરતો વચ્ચે કોરોનાના ફફડાટ વચ્ચે પણ ખેલૈયાઓ આ પર્વને મનભરી માણવા ખેલૈયાઓ આતુર બન્યા છે. ત્યારે બીજીબાજુ માં શકિતના આ પાવન પર્વમાં માંની આરાધનાનો લ્હાવો લેવા ભાવિકો આતુર બન્યા છે.

નવરાત્રીની પાવન  પર્વ વેળાએ 'ગરબા'ની ઉત્પત્તિની અનેરી માન્યતા...

'કુમકુમ ના પગલાં પડ્યા...માડી ના હેત ઝર્યા ..

જોવા લોકો ટોળે  વળ્યાં રે ...માડી  તારા આવાના એંધાણ મળ્યા'

 આસો માસનો પ્રારંભ એટલે જ તહેવારોની હારમાળા ...આનંદ -ઉલ્લાસ અને મોજ મસ્તીની ધમાલ.. શ્રાદ્ધપક્ષની સમાપ્તિ સાથે જ શરુ થાય છે આનંદ અને ઉલ્લાસ નો પર્વ નવરાત્રી...

 નવરાત્રી એટલે એવું પર્વ જે  બાળ -વૃદ્ધ સૌને મોહી લે છે ભકિત ની સાથે હર્ષોઉલ્લાસનું પર્વ..અસત્ય સામે સત્યનો વિજય ....એટલે નવરાત્રી પર્વ

આ વેળાએ કોઈને પણ સવાલ થાય છે કે નવરાત્રી દરમ્યાન ગવાતા ગરબા ની પરિકલ્પના કોણે કરી હશે ...? અને ક્યારથી થઇ હશે ગરબા ની શરૂઆત ...કહેવાય છે કે પ્રાચીન કાળ માં ભગવાન શંકરે માતા પાર્વતીને....માતા પાર્વતીએ બાણાસુરની પુત્રી ઉષાને અને ઉષાએ દ્વારકાની ગોપીઓને અને દ્વારકાની ગોપીઓએ સૌરાષ્ટ્રની નારીઓને નૃત્ય શીખવ્યું...

જે કલા પરંપરાગત બની અને માનવીની સામાજિક અને ભૌગોલિક વ્યવસ્થાને અનુરૂપ તેમજ અનુકૂળ એવા નૃત્ય સ્વરૂપે ધરતી પર અભિવ્યકત થયા.

એક માન્યતા અનુસાર ભગવાન શ્રી  કૃષ્ણ ની પુત્રવધુ ઉષા દ્વારકાનગરી ની ગોપી હતી તેમણે ગોપીઓને ગરબા શીખવ્યા અને એ ગરબા ગોપીઓએ સૌરાષ્ટ્ર ના સ્ત્રીવર્ગ માં પ્રચલિત કર્યો અને એ રીતે સૌરાષ્ટ્ર ની સ્ત્રીઓ દ્વારા ગામેગામ અને નગરે નગરોમાં ગરબા પ્રસિદ્ધ અને પ્રચલિત થયા.

ગરબાની ઉત્પત્તિ અંગેની એક માન્યતા અનુસાર પૌરાણિક કાળમાં જે સ્ત્રીઓને સંતાન થતા નહોતા તે સ્ત્રીઓ ગરબીને માથે લઇ માતાજીની મૂર્તિની પ્રદક્ષિણા કરે...માતાજી ની સ્તુતિ કરે ...આ પ્રદક્ષિણાની ધાર્મિક વિધિમાંથી ગોળાકાર વર્તુળ થવાના કારણે ગરબાનો જન્મ થયાનું મનાય છે

અન્ય એક પૌરાણિક માન્યતા અનુસાર સૌરાષ્ટ્રમાં સ્થાયી થયેલા ભગવાન શ્રી કૃષ્ણે રત્રજીતનો મણિ લેવા જાંબુવાનમાં ગયા હતા ત્યારે ૧૮-૧૮ દિવસ સુધી તેઓ દ્વારકા માં પરત ફર્યા નહિ ત્યારે તેમના પિતા વાસુદેવ અને ભાઈ બલરામે એ પુરોહિતોના કહેવાથીમાં ભગવતી  દુર્ગાની આરાધના કરી હતી.

આ ઉપર થી પણ સ્પષ્ટ થાય છે કે એ કાળમાં પણ દેવી ઉપાસના પ્રચલિત હતી ,ભગવાન શ્રી કૃષ્ણે એમના સમયમાં પ્રાયોજિત નૃત્ય 'હલ્લીસક નર્તન'ના અંશો આજે પણ સૌરાષ્ટ્રના રાસમાં જોવા મળે છે આમ આપણા લોક નૃત્યોની પ્રાચીનતા માં જ આપણી ગરબી સંસ્કૃતિના ઓજસના દર્શન થાય છે.

ગરબા એ ગુજરાતના અતિપ્રાચીન લોકપ્રિય નૃત્યનો એક પ્રકાર છે.. ગરબા એ શકિતપુજાની સાથે સવિશેષ સંકળાયેલો છે, નવરાત્રી માં શકિત ની આરાધના માટે શ્રદ્ધા અને ભાવ સાથે ગરબા ગવાય છે.

ગરબા શબ્દ ની ઉત્પત્તિ ગરબીમાંથી થાય છે દિવા ને માથે મૂકીને ઘૂમવાનું હોઈ ત્યારે આ જ્યોત બુઝાય નો જાય અને પ્રક્ષ ના પુંજ નિહાળી શકાય એટલે ઘડા ને કોરાવવાની પ્રથા ચાલુ થઇ હશે એમ માની  શકાય.

આમ પૌરાણિક  કાલ  થી ગરબી ની શરૂઆત થયાનું મનાય છે બસ હવે કાલથી શેરીઓમાં અને ગલીઓમાં એકજ પડઘમ સંભળાશે.

નવરાત્રી પર્વમાં નવદુર્ગાની ઉપાસના

 આવતી કાલે આસો સુદ એકમને ગુરુવારના રોજથી પાવન નવરાત્રી પર્વનો આરંભ થઈ રહ્યો છે શકિત સ્વરૂપ માં અંબાની ઉપાસનાનું શ્રેષ્ઠ પર્વ એટલે નવરાત્રી.. માં ભગવતી દુર્ગાના નવ સ્વરૂપ છે જેને નવદુર્ગા કહેવામાં આવે છે અને આ પર્વમાં એજ નવ સ્વરૂપો ની સાધના અને ઉપાસના કરવામાં આવે છે

ધાર્મિક માન્યતા અનુસાર નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસમાં ભગવતીના મહાકાળી સ્વરૂપની ઉપાસનાને પ્રધાનતા બતાવવામાં આવી છે જયારે ચોથા નવરાત્રી થી છઠ્ઠા નવરાત્રી સુધી ભગવતી મહાલક્ષ્મીની અને સાતમાથી નોમમાં નવરાત્રી દરમ્યાન માતા સરસ્વતી ની ઉપાસનાનું માહાત્મ્ય દર્શાવાયું છે

માં ભગવતી દુર્ગાના નવ સ્વરૂપને જોઈએ તો પ્રથમ શૈલપૂત્રીચ, દ્વિતીયં બ્રહ્મચારિણીમ, તૃતીયમ ચંદ્રઘટેતી, કૃષ્ણમાન્ડેતી ચતુર્થ ક્રમ, પંચમ સ્કન્દમાતેતી, ષષ્ટ કાત્યાનીચ, સપ્તમ કાલરાત્રીચ, મહાગૌરીતીચા અષ્ટમ,નવમ સિદ્ધિદાત્રીચ નવદુર્ગા પંડિતતઃ.... આવો આપણે માં ભગવતી દુર્ગાના નવ સ્વરૂપોની એક ઝાંખી  જોઈએ...

૧.શૈલપુત્રી

માતા નવદુર્ગાના સ્વરૂપોમાં પ્રથમ શૈલપૂત્રી છે .. પર્વત રાજ હિમાલયના ઘરે પુત્રી તરીકે ઉત્પન્ન થવાના કારણે એ શૈલપૂત્રી તરીકે પણ ઓળખાય છે.

પૂર્વજન્મમાં તેઓ દક્ષની કન્યા અને શિવજીની પત્ની હતા. નવરાત્રીના પ્રથમ દિવસે યોગીજનો પોતાના પ્રાણને મૂલાધાર ચક્રમાં સ્થાપીત કરીને એનું ધ્યાન ધરે છે

૨.બ્રહ્મચારિણી

નવદુર્ગા સ્વરૂપ  દેવી બ્રહ્મચારિણીનું પૂજન બીજા નવરાત્રના દિવસે થાય છે.. બ્રહ્મચારિણીનો અર્થ થાય છે બ્રહ્મની પ્રાપ્તિ માટે તપનું આચરણ કરવા વાળી દેવી..માં બ્રહ્મચારિણીની ઉપાસના થી તપ-જ્ઞાન-ભકિત -વૈરાગ્ય --નિયમ  અને સંયમની વૃદ્ધિ થાય છે અને સાધક સર્વત્ર સફળતા પ્રાપ્ત કરે છે યોગીજન આ દેવીની ઉપાસના, 'સ્વાધિસ્થાન' ચક્રમાં સ્થિર કરીને મેળવે છે

૩. ચંદ્રઘંટા

માં ભગવતી દુર્ગાનું ત્રીજું સ્વરૂપ માં ચંદ્રઘંટા ના નામે ઓળખાય છે એમનું સ્વરૂપ પરમ આનંદ દાયક અને શાંતિ દાયક છે એમના મસ્તક પ્રદેશમાં ઘંટના આકારે અર્ધચંદ્ર બિરાજમાન છે માટે એમને ચંદ્રઘંટાના નામે ઓળખવામાં આવે છે. એમની ઉપાસના થી સાધક શૌર્ય અને પરાક્રમ પ્રાપ્ત કરી શકે છે યોગસાધનાના ઉપાસકો મણિપૂરક ચક્ર માં એનું ધ્યાન ધરી ઔલોકિક આનંદ પ્રાપ્ત કરે છે. ભોગ અને મોક્ષ બંને આપનારી દેવી ચંદ્રઘંટાની ત્રીજા નોરતે ઉપાસના થાય છે.

૪. દેવી કુશમુન્ડા

ચોથા ભગવતી સ્વરૂપ માતા કુશમુન્ડાના નામથી ઓળખાય છે પોતાના મધુર હાસ્ય દ્વારા અખિલ બ્રહ્માંડને મોહિત કરવાના કારણે એ કુશમુન્ડાના નામથી પણ ઓળખાય છે. સૂર્યલોકમાં એમનો વાસ મનાય છે. સમસ્ત જળચેતના માં જે તેજ રહેલું છે એ દેવી કુશમુન્ડાની પ્રતિછાયા છે. યોગીજન અનાહત ચક્રમાં એનું ધ્યાન ધરે છે. આયુ, યશ અને બલની વૃદ્ધિ માટે આ દેવીની ઉપાસના થાય છે

૫.સ્કંદમાતા

માં ભગવતી દુર્ગાના પાંચમા સ્વરૂપનું નામ સ્કંદમાતા તરીકે પ્રખ્યાત છે માતા પાર્વતીએ બીજા જન્મમાં શૈલપુત્રી બની ભગવાન શિવજી સાથે લગ્ન કર્યા અને શિવ અને શકિતના સાયુજ્યથી જે પુત્રી ઉત્પન્ન થયા તેનું નામ સ્કંદ માતા રાખવા માટે માતા સ્કંદ યાને ભગવાન કાર્તિકેયની જે માતા એટલે કે તેઓ સ્કંદમાતાના નામ થી પ્રખ્યાત બન્યા. નવરાત્રીના પાંચમા દિવસે યોગના અભ્યાસુઓ 'વિશુદ્ધ' ચક્રમાં એમનું ધ્યાન ધરે છે. એમની ઉપાસનાથી ભગવાન કાર્તિકેય પણ પ્રસન્ન થાય છે.

૬. કાત્યાયની

માં ભગવતી દેવીનું છઠ્ઠું સ્વરૂપ માં કાત્યાયની ના નામથી ઓળખાય છે જે પૂર્વ કાળમાં 'કત્ત' નામના ઋષિનો પુત્ર 'કાત્ય' હતો એ કાત્યના વંશમાં જગપ્રસિદ્ધ 'કાત્યાયન' નામના ઋષિ પ્રગટ થયા. એમણે દેવી ભગવતીને પોતાને ત્યાં પુત્રી રૂપે પ્રગટ થાય એ માટે કઠોર તપસ્યા કરી.... યોગીજનો નવરાત્રીના છઠ્ઠા દિવસે માતાનું ધ્યાન આશા ચક્રમા કરે છે .

૭. કાલરાત્રિ

અમાસની ભયંકર કાળ રાત્રી સમાન દેવીનું સ્વરૂપ હોવાથી એમણે દેખાવમાં ભયંકર રૂપ ધારણ કરી ભકતોનું અસુરો સામે રક્ષણ કરતી હોવાથી એમનું નામ કાલરાત્રિ પડ્યું છે.. યોગીજનો સાતમા નવરાત્રીના દિને માતાનું ધ્યાન 'સહસ્ત્ર સાર' ચક્રમાં ધારણ કરી સિદ્ધિ પ્રાપ્ત કરે છે.

૮. મહાગૌરી

ભગવતીમાં દુર્ગાનું આઠમું સ્વરૂપ  મહાગૌરીના નામથી પૂજાય છે. ભગવાન શિવનું પાણી ગ્રહણ કરવાથી તેઓ મહાગૌરીના નામથી પ્રસિદ્ધ બન્યા હોવાનું કહેવાય છે. કુંવારીકા કન્યા મનવાંછિત પતિ પ્રાપ્ત કરવા માટે આ દેવીનું અષાઢ માસમાં ગૌરી વ્રત અથવા અલૂણાં વ્રત દ્વારા પણ પૂજન કરે છે.

૯. સિધ્ધિદાત્રી

દરેક ધારેલા કાર્યમાં સાધક પર પ્રસન્ન થઈ  સિદ્ધિ આપનાર માતા  સિધ્ધિદાત્રીની પૂજા નવમાં નવરાત્રીના દિવસે થાય છે એમની આરાધના કરવા થી સાધક ભગવાન યોગેશ્વર શિવની કૃપા પ્રાપ્ત કરી આઠ સિદ્ધિઓ કરે છે. નવરાત્રી એટલે કે માં શકિતની આરાધના પર્વ માં માતા જગદંબા ને ગમે તે સ્વરૂપે ભજો માંની કૃપા આપ ઉપર અચૂક રહેશે. નવરાત્રીના પર્વમાં સાચા મનથી ભાવથી અને સાચી શ્રદ્ધાથી માની ઉપાસના કરનાર લાખો ભાવિકો ઉપર માં મહાકાલી..માં મહાલક્ષ્મી અને માં મહા સરસ્વતીની કૃપા આજીવન બની રહે એજ અભ્યર્થના.

:: આલેખન ::

જીતેન્દ્ર રૂપારેલીયા

વાપી

(11:31 am IST)