Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

તહેવારોમાં ઘરમાં ખુશી લાવો, સંક્રમણ નહીં : ડો. ગુલેરિયા

માર્ચ માસમાં હોળી બાદ કોરોનાના કેસ વધી ગયા હતા : બીજી લહેર કાબુમાં છે પરંતુ દશેરા, દિવાળી, છઠ જેવા તહેવારો ત્રીજી લહેરનો ખતરો વધારી રહ્યા હોવાનો એમ્સના વડા ડૉ.ગુલેરિયાની ચેતવણી

નવી દિલ્હી , તા.૬ : તહેવારોની સીઝનની સાથે દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકા પણ વધી ગઈ છે. બીજી લહેરની શરૂઆત પણ આ રીતે તહેવારોની સીઝનમાં થઈ હતી જ્યારે આ વર્ષે માર્ચ મહિનામાં હોળી બાદ કોરોનાના કેસ અચાનક વધવા લાગ્યા હતા. એક-દોઢ મહિનામાં બીજી લહેરે એવી ગતિ પકડી લીધી જેનાથી હાહાકાર મચી ગયો હતો. ક્યાંક ઓક્સિજનની કમી તો ક્યાંક દવાઓની કમી, ક્યાંક બેડની કમી તો રસ્તાઓ પર જીવ ગુમાવતા લોકો. બીજી લહેરની પિકના સમયને યાદ કરતા મગજમાં હજુ તે ભયાનક તસવીરો સામે આવી જાય છે. હવે બીજી લહેર કાબુમાં છે પરંતુ આગળ દશેરા, દિવાળી, છઠ જેવા તહેવારો ત્રીજી લહેરનો ખતરો વધારી રહ્યાં છે. તેવામાં એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાની સલાહ બધાએ સાંભળવી જોઈએ.

ડોક્ટર ગુલેરિયાએ લોકોને અપીલ કરી છે કે તહેવારો ઉજવો, ખુશી મનાવો પરંતુ તે ધ્યાન રાખો કે તહેવારોમાં ખુશી ઘરે લાવો, કોરોના સંક્રમણ નહીં. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુલેરિયાનું એક વીડિયો નિવેદન જાહેર કર્યુ છે, જેમાં તેમણે લોકોને તહેવારો દરમિયાન વધુ સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું- મારી બધા લોકોને તે સલાહ રહેશે કે તમે તહેવારો મનાવો પરંતુ તે રીતે ઉજવો જેનાથી આ ઇન્ફેક્શન ન ફેલાય. કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર અપનાવો. તે પણ યોગ્ય નથી કે આપણે તહેવારોની ઉજવણી કરી પરંતુ તેના કારણે આપણા વિસ્તારમાં કેસ વધી ગયા અને ઘણા લોકોએ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું, આઈસીયૂમાં જવું પડ્યું. આ તહેવારની એક નેગેટિવ ઇફેક્ટ થઈ જશે. તેથી તહેવાર પણ મનાવો, ખુશીઓ પણ રાખો પરંતુ કોવિડ એપ્રોપિએટ બિહેવિયરની સાથે.

ડોક્ટર ગુલેરિયાએ કહ્યુ- આપણી ફેસ્ટિવ સીઝન શરૂ થઈ રહી છે. ઘણા તહેવાર આવી રહ્યા છે જેની ઉજવણી આપણે પરિવાર અને મિત્રો સાથે કરવા ઈચ્છીએ છીએ. પછી તે દશેરા હોય, દૂર્ગા પૂજા હોય, કડવા ચોથ, દિવાળી હોય કે છઠ પૂજા હોય, આવા અનેક તહેવારો આવી રહ્યાં છે. પરંતુ જેમ-જેમ આ તહેવારો આવી રહ્યાં છે તો આપણે સાવચેતી રાખવાની જરૂર છે. કારણ કે તે સમજવું પડશે કે આ વાયરસ હજુ હાજર છે અને તે વાયરસ તક શોધી રહ્યો છે કે કઈ રીતે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય.

ગુલેરિયાએ કહ્યુ- કોરોનાને રોકવા માટે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર ખુબ જરૂરી છે. હંમેશા માસ્ક પહેરીને રાખો, તેને સારી રીતે લગાવી રાખો જેનાથી આપણે ઇન્ફેક્શન ન થાય અને આપણાથી કોઈને ઇન્ફેક્શન ન થાય. ફીઝિકલ ડિસ્ટેન્સિંગ રાખો, જેનાથી વાયરસ વધુ ન ફેલાય. હાથ નિયમિત ધોવો અને ભીડ ભેગી ન થવા દો. જો આપણે ભીડભાડવાળી જગ્યા પર હોય તો તેનાથી બચો.

સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં બુધવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૮૩૩૩ નવા કેસ સામે આવ્યા. આ દરમિયાન કોરોનાથી ૨૭૮ લોકોના મોત થયા છે.

છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૨૪૭૭૦ સંક્રમિતો સાજા થયા છે, ત્યારબાદ અત્યાર સુધી રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૩,૩૧,૭૫,૬૫૬ થઈ ગઈ છે. ભારતનો રિકવરી રેટ ૯૭.૯૪ ટકા છે, જે માર્ચ ૨૦૨૦ બાદ સૌથી વધુ છે. કોરોનાના એક્ટિવ કેસ હાલ ૨,૪૬,૬૮૭ છે, જે ૨૦૩ દિવસમાં સૌથી ઓછા છે.

(7:51 pm IST)