Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

હિન્દુ- મુસ્લિમ વચ્ચે કડવાશ માટે કોંગ્રેસ અને ડાબેરી જવાબદાર: આસામનાં મુખ્યમંત્રીનું વિવાદી નિવેદન

ડાબેરીઓ અને કોંગ્રેસનો ઉદ્દેશ્ય લોકોના મનમાંથી રાષ્ટ્રના સન્માનને ખતમ કરવાનો હતો: મુખ્યમંત્રીએ આજના સમયમાં સાવરકરની પ્રાસંગિકતા દર્શાવી

નબી દિલ્હી : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે કડવાશ પેદા કરવા માટે ડાબેરી-ઉદારમતવાદીઓ અને કોંગ્રેસને જવાબદાર ઠેરવ્યા હતા. સરમા ગુવાહાટીમાં વીર સાવરકર પરના પુસ્તકની ચર્ચા કરી રહ્યા હતા. તેમણે આજના સમયમાં સાવરકરની પ્રાસંગિકતા દર્શાવી હતી.

સરમાએ કહ્યું કે આઝાદી પછી ડાબેરી-ઉદારમતવાદીઓએ ભારતના શૈક્ષણિક અભ્યાસક્રમની રચના એવી રીતે કરી હતી કે જે બળવાખોરોને જન્મ આપે છે. અમને લડવા માટે પ્રેરણા આપે છે. તે રાજ્ય માટે લોકોના આદરને નાશ કરવાના રસ્તાઓ શોધે છે. તેમણે શનિવારે કહ્યું હતું કે ધર્મનું પાલન કરવું એ પોતાને જાણવા માટેની શૈક્ષણિક પ્રવૃત્તિ છે અને તેનાથી દેશમાં લોકોમાં ઝઘડો ન થવો જોઈએ.

સરમાએ કહ્યું કે હિન્દુ-મુસ્લિમ વચ્ચેની કડવાશ માટે ડાબેરી ઉદારવાદીઓ જવાબદાર છે. કોંગ્રેસે પોતાની વોટ બેંક માટે આ કડવાશ વધારવાનું કામ કર્યું. સરમાએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ, શંકરદેવ જેવી મહાન હસ્તીઓનો શાળાના પુસ્તકોમાં યોગ્ય રીતે ઉલ્લેખ થવો જોઈએ. ડાબેરીઓ અને કોંગ્રેસનો ઉદ્દેશ્ય લોકોના મનમાંથી રાષ્ટ્રના સન્માનને ખતમ કરવાનો હતો.

મુખ્યમંત્રીએ સાવરકર પર કહ્યું કે તેઓ ઈચ્છે છે કે ભાગલા ન થાય. દરેકને સમાન અધિકાર મળવા જોઈએ. તેમના મગજમાં નવા ભારતની બ્લુ પ્રિન્ટ હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રના વિકાસ માટે લોકોમાં દેશભક્તિની ભાવના હોવી જરૂરી છે. જો આપણે સાવરકરના જીવન પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે તેમને ભારત અને ભારતના લોકો માટે ઊંડો પ્રેમ હતો.

 

નોંધનીય છે કે તાજેતરમાં સાવરકરને લઈને ઘણા વિવાદાસ્પદ નિવેદનો સામે આવ્યા છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે સાવરકર વિરુદ્ધ એવું જૂઠાણું ફેલાવવામાં આવ્યું હતું કે તેમણે અંગ્રેજોની વારંવાર માફી માગી હતી, પરંતુ સત્ય એ છે કે તેમણે પોતાને માફ કરવાની માફી અરજી આપી ન હતી, મહાત્મા ગાંધીએ તેમને કહ્યું હતું કે દયાની અરજી ફાઇલ કરો. તેમણે આ અરજી મહાત્મા ગાંધીના કહેવા પર આપી હતી.

(10:13 pm IST)