Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

દેશમાં ૫૧૫૦ વિદેશી ગુનેગારો કેદ : ૭૧૩૯ ભારતીય નાગરિકો વિદેશી જેલોમાં છે બંધ

સૌથી વધુ ૧૫૯૯ ભારતીયો સાઉદી અરબના કબજામાં : સંયુક્ત આરબ અમિરાતની જેલમાં ૮૯૮ અને નેપાળની કેદમાં ૮૮૬ ભારતીયો બંધ

નવી દિલ્હી :  ૭૧૩૦ ભારતીય નાગરિકો વિદેશની જેલોમાં બંધ છે. સૌથી વધુ ૧૫૯૯ ભારતીયો સાઉદી અરબના કબજામાં છે. ઉપરાંત સંયુક્ત આરબ અમિરાતની જેલમાં ૮૯૮ અને નેપાળની કેદમાં ૮૮૬ ભારતીયો બંધ છે. બીજી તરફ ભારતમાં કુલ ૫૧૫૦ વિદેશી આરોપીઓ બંધ છે.

કેન્દ્ર સરકારના અહેવાલ પ્રમાણે ભારતના કુલ ૭૧૩૦ નાગરિકો વિદેશની જેલોમાં બંધ છે. સૌથી વધુ સાઉદી અરેબિયાની જેલોમાં ૧૫૯૯ નાગરિકો વિવિધ આરોપ હેઠળ કેદમાં છે.

તે પછી ૮૯૮ ભારતીયો યુએઈમાં, ૮૮૬ નેપાળમાં કેદ થયેલા છે. ભારત સરકાર આ કેદીઓ ઉપર કેવા આરોપો લાગ્યા છે તે બાબતે નજર રાખે છે અને તેમને છોડાવવાના પ્રયાસો કરે છે એવું પણ સરકારી અહેવાલમાં કહેવાયું હતું.
બીજી તરફ ભારતમાં ૫૧૫૦ વિદેશી નાગરિકો બંધ છે. એમાં સૌથી વધુ પાકિસ્તાની નથી, પરંતુ બાંગ્લાદેશી છે. બાંગ્લાદેશના ૨૫૧૩ નાગરિકો ભારતમાં વિવિધ ગુના સબબ બંધ છે. તે પછી ૮૧૧ નાઈજીરિયાના કેદીઓ છે. નેપાળના ૭૪૫ અને મ્યાંમારના ૩૦૧ કેદીઓ ભારતની જેલોમાં બંધ છે. ૧૯ ચીની, ૬૫ શ્રીલંકન, ૧૫૦ આફ્રિકન, ૧૪ અમેરિકન, આઠ ઓસ્ટ્રેલિયન નાગરિકો ભારતની જેલોમાં બંધ છે.
ભારતમાં જેલોની ક્ષમતા કરતાં અનેક ગણાં વધુ કેદીઓ બંધ છે. ભારતમાં જેલોની ક્ષમતા ૪.૦૩ લાખ કેદીઓને સમાવવાની છે. તેની સામે અત્યારે ૪.૭૮ લાખ કેદીઓ બંધ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના અહેવાલ પ્રમાણે જેલમાં સ્ટાફની પણ અછત છે. અત્યારે ૮૭,૫૯૯ કર્મચારીઓની જરૃરિયાત સામે દેશભરની જેલોમાં ૬૦,૭૮૭ કર્મચારીઓ છે.
ઉત્તર પ્રદેશની જેલોમાં સૌથી વધુ ક્ષમતા છે. ઉત્તર પ્રદેશમાં ૬૦ હજાર કરતાં વધુ કેદીઓને બંધ રાખવાની વ્યવસ્થા છે. જોકે, તેની સામે અત્યારે એક લાખ જેટલાં કેદીઓને રાજ્યની જેલમાં બંધ કરાયા છે. આસામ, ગુજરાત, હિમાચલ પ્રદેશમાં જ જેલની ક્ષમતા અને કેદીઓની સંખ્યાની સ્થિતિ સરભર થાય એટલી છે. તે સિવાયના મોટાભાગના રાજ્યોમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓ બંધ છે.

(12:00 am IST)