Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ઓમિક્રોનના લીધે દેશમાં ઉદયપુરના વૃદ્ધનું પ્રથમ મોત

ઓમિક્રોન વેરિયન્ટનો દેશમાં હાહાકાર : દર્દી થોડા સમયમાં કોરોના નેગેટિવ આવ્યો હતો અને એક નહીં પણ બે વાર રિપોર્ટ નેગેટિવ આવ્યો છતાં મોત ં

ઉદયપુર, તા.૬ : રાજસ્થાનના ઉદયપુરમાં ઓમિક્રોનને કારણે પ્રથમ દર્દીનું મોત નિપજ્યું છે, અને દેશમાં પણ કોવિડ-૧૯ના નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે થયેલ પ્રથમ મોત છે. ૧૫ ડિસેમ્બરે ઉદયપુરના સવિના વિસ્તારના ૭૩ વર્ષીય વૃદ્ધને આરએનટી મેડિક કોલેજ સાથે સંકળાયેલી એમબી ગર્વમેન્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ થતાંની સાથે ડોક્ટરોએ તેમનો કોરોનો ટેસ્ટ કર્યો હતો અને તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સ્વાસ્થ્ય સચિવ વૈભવ ગલરિયાએ જણાવ્યું હતું કે, જ્યારે દર્દી કોરોના પોઝિટિવ આવ્યો ત્યારે અમે તેનો જીનોમ સિક્વન્સિંગનો રિપોર્ટ કરાવ્યો હતો, અને તેમાં તે ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. પણ દર્દી થોડા સમયમાં કોરોના નેગેટિવ આવી ગયો હતો અને એક વખત નહીં પણ બે વખત તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પણ તેઓનું નિધન પોસ્ટ કોવિડ લક્ષણોને કારણે થયું હતું.

૧૫ ડિસેમ્બરના રોજ એમબી ગર્વમેન્ટ હોસ્પિટલમાં ૭૩ વર્ષીય વૃદ્ધને દાખલ કર્યાં બાદ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ વૃદ્ધને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનો રિપોર્ટ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલી દેવામાં આવ્યો હતો. છ દિવસ બાદ એટલે કે ૨૧ ડિસેમ્બરે ફરીથી આ વૃદ્ધનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ૨૫ ડિસેમ્બરે તેઓનો જીનોમ સિક્વન્સિંગનો રિપોર્ટ આવી ગયો હતો. જેમાં તેઓ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. જેને કારણે તે જ દિવસે ફરીથી ડોક્ટર્સ દ્વારા વૃદ્ધનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. અને આ સમયે પણ વૃદ્ધનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

કોરોનાનો રિપોર્ટ બે-બે વખત નેગેટિવ આવ્યા છતાં પણ વૃદ્ધનું સ્વાસ્થ્ય સતત બગડતું જઈ રહ્યું હતું. અને ૩૧ ડિસેમ્બરના રોજ તેઓેએ દમ તોડ્યો હતો. જો કે કોરોનાથી રિકવર થયાના ૧૦ દિવસ બાદ અને છ દિવસ બાદ બીજા કોરોના રિપોર્ટમાં નેગેટિવ આવ્યા બાદ વૃદ્ધનું મોત થતાં શરૂઆતમાં સ્થાનિક તંત્ર દ્વારા વૃદ્ધનું મોત કોરોનાથી થયું હોવાનો સ્પષ્ટ ઈક્નાર કરી દેવામાં આવ્યો હતો. પણ પોસ્ટ કોવિડ લક્ષણોને કારણે તેમનું નિધન થયું હોવાનું ડોક્ટર્સે જણાવ્યું હતું.

ઉદયુપરના ચીફ મેડિકલ ઓફિસર ડો. દિનેશ ખરાડીએ જણાવ્યું હતું કે, ૭૩ વર્ષીય વૃદ્ધ કો-મોર્બિડિટી જેમ કે ડાયાબિટીસ, બીપીના દર્દી હતા. અને તેઓનું નિધન પોસ્ટ કોવિડ લક્ષણોને કારણે થયું છે. એમબી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોય રમેશ્વર લાલે જણાવ્યું હતું કે, દર્દીનું નિધન શ્વસન અને કાર્ડિયાક ફેઈલ્યોરને કારણે થયું છે. તેઓને કોવિડ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, પણ તેઓ બચી શક્યા નહીં. તેમણે રસીના બંને ડોઝ લીધા હતા.

 

(12:00 am IST)