Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ઇટાલીથી અમૃતસર આવેલી ફલાઈટમાં ૧૨૫ને કોરોના

ઓમિક્રોનની ગંભીર દેશમાં દેખાવા લાગી : તમામ ૧૨૫ કોરોના પોઝિટિવ મુસાફરોને આઇસોલેટ કરાયા અને તેમના સેમ્પલ ઓમિક્રોન ટેસ્ટ માટે મોકલાયા

ચંદીગઢ, તા.૬ : દક્ષિણ આફ્રિકાથી આવેલો ઓમિક્રોન વેરિયન્ટ દેશના મોટાભાગના રાજ્યોમાં ફેલાઇ ચૂક્યો છે. જેની ગંભીર અસર હવે આખા દેશમાં જોવા મળી રહી છે. રાજ્ય સ્તરે ઓમિક્રોનના વધી રહેલા કેસ હવે મોટા પડકાર તરીકે સામે આવી રહ્યા છે. એવામાં પંજાબ રાજ્યના અમૃતસરમાંથી બહુ મોટી ઘટના સામે આવી છે. ગુરુવારે ઈટાલીથી અમૃતસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચેલી ફ્લાઈટમાં ૧૨૫ મુસાફરો કોરોનાથી સંક્રમિત જણાયા છે. આ ફ્લાઈટમાંથી કુલ ૧૮૦ ઉતર્યા હતા, જેમાંથી ૧૨૫ મુસાફરો કોરોનાથી સંક્રમિત જણાતાં એરપોર્ટ પર ભારે દોડધામ મચી ગઇ હતી. માહિતી મુજબ તમામ ૧૨૫ કોરોના પોઝિટિવ મુસાફરોને આઇસોલેટ કરવામાં આવ્યા છે અને એમના સેમ્પલ ઓમિક્રોન ટેસ્ટ માટે મોકલી દેવાયા છે. રિપોર્ટ અનુસાર, ગુરુવારે ગુરુ રામદાસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ચાર્ટર્ડ ફ્લાઈટે લેન્ડિંગ કર્યું હતું. જેમાં ઈટાલીથી પરત ફરેલા ૧૮૦ મુસાફરો સવાર હતા. તમામ મુસાફરોનો એરપોર્ટ પર જ આરટી-પીસીઆર કરવામાં આવ્યો હતો. જે પછી ૧૨૫ મુસાફરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આટલા મોટા પ્રમાણમાં મુસાફરો કોવિડથી સંક્રમિત જણાતાં એરપોર્ટ ઓથોરિટીના પણ હાજા ગગડી ગયા હતા. પરિસ્થિતિને સંભાળતા એરપોર્ટ ઓથોરિટીએ તમામ પોઝિટિવ મુસાફરોને આઇસોલેટ કરવાની તાબડતોડ વ્યવસ્થા કરી હતી. કેટલાક મુસાફરોને અહીં જ ક્વારન્ટીન કરવામાં આવ્યા છે જ્યારે બાકીના સંક્રમિત મુસાફરોને એમના જિલ્લામાં ક્વોરન્ટીન કરવાની વ્યવસ્થામાં ટીમો સક્રિય બની છે.

હાલમાં અન્ય રાજ્યોની જેમ પંજાબમાં પણ કોરોના કેસમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં પરિસ્થિતિ એટલી ગંભીર બની ચૂકી છે કે શાળાઓ પણ બંધ    કરી દેવામાં આવી છે અને રાત્રિ કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે. રાજ્યમાં હવે નાગરિકો માંગ ઉઠાવી રહ્યા છે કે રાજકીય રેલીઓ પણ બંધ કરી દેવામાં આવે.

રાજ્યમાં બુધવારે કોરોના સંક્રમણને લીધે ૪ લોકોના મોત થયા હતા જ્યારે ૧૮૧૧ નવા કેસ નોંધાયા હતા. પંજાબમાં કોવિડ-૧૯ પોઝિટિવિટી રેટ વધીને ૭.૯૫ ટકા થઇ ગયો છે. જ્યાં સૌથી ખરાબ સ્થિતિ પટિયાલાની છે. બુધવારે અહીંથી ૫૯૮ નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે મોહાલીમાં ૩૦૦, લુધિયાણામાં ૨૦૩ અને જલંધરમાં ૧૮૩ નવા કેસ સામે આવ્યા હતા.

જોકે આ પરિસ્થિતિ દેશના મોટાભાગના રાજ્યોમાં બનવા આવી છે અથવા બની ચૂકી છે. દક્ષિણ આફ્રિકામાં નવો વેરિયન્ટ શોધાયો ત્યાર બાદથી અનેક દેશોએ આફ્રિકન દેશો અને વેરિયન્ટથી પ્રભાવિત દેશો પર યાત્રા પ્રતિબંધ લગાવી દીધો હતો. આ દરમિયાન ભારતમાં પણ ઓમિક્રોને પગ પેસારો કર્યો અને ગણતરીના દિવસોમાં જ કેસનો આંકડો હજારોને પાર કરી ગયો. એવામાં ઈટાલીથી અમૃતસર પહોંચેલી ફ્લાઈટમાં ૧૨૫ મુસાફરો પોઝિટિવ આવતાં ગંભીર બાબત ઉભી થઇ છે. કારણ કે અન્ય રાજ્યોમાં પણ આંતરરાષ્ટ્રી ફ્લાઈટ્સ લેન્ડિંગ કરી રહી છે.

 

(12:00 am IST)