Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ITR ફાઇલિંગ માટે સમયમર્યાદા ન લંબાવતા ઈન્કમટેકસ વિભાગને ફટકારાઇ લીગલ નોટિસ

કાનૂની નોટિસમાં જણાવાયું છે કે આ પત્ર મળ્યા પછી જો તમારી ઓફિસ આવકવેરા રિટર્ન ભરવાની સાથે ટેકસ ઓડિટ રિપોર્ટ્સ ફાઇલ કરવાની સમયમર્યાદા ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી લંબાવતી નથી તો અમારા એસોસિએશને ઓડિશાની હાઇકોર્ટમાં PIL ફાઇલ કરવી પડશે

નવી દિલ્હી,તા. ૭ : ઓલ ઓડિશા ટેકસ એડવોકેટ્સ એસોસિએશન (AOTAA) એ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસ (CBDT) ને કરદાતાઓ માટે રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા ન લંબાવવા માટે કાનૂની નોટિસ ફટકારી છે. એક અહેવાલ અનુસાર આ માટે ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટના નવા પોર્ટલમાં આવેલી ઘણી ટેકનિકલ મુશ્કેલીઓને જવાબદાર ગણાવાઈ છે. આ સાથે આવકવેરા અધિનિયમ ૧૯૬૧ની કલમ ૨૩૪F હેઠળ લેટ ફાઇલિંગ ફી પણ લાગુ કરવામાં આવી છે.

આવકવેરા રિટર્નની છેલ્લી તારીખ પસાર થઈ ગઈ છે. રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર હતી. ટેકસ વિભાગે જણાવ્યું છે કે છેલ્લા દિવસ એટલે કે ૩૧ ડિસેમ્બર સુધીમાં દેશમાં લગભગ ૫૮.૯ કરોડ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે.

આ કાનૂની નોટિસમાં જણાવાયું છે કે આ પત્ર મળ્યા પછી જો તમારી ઓફિસ આવકવેરા રિટર્ન ભરવાની સાથે ટેકસ ઓડિટ રિપોર્ટ્સ ફાઇલ કરવાની સમયમર્યાદા ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી લંબાવતી નથી તો અમારા એસોસિએશને ઓડિશાની હાઇકોર્ટમાં PIL ફાઇલ કરવી પડશે. જેમાં આકારણી વર્ષ ૨૦૨૧-૨૨ માટે રિટર્ન ફાઇલિંગ અને ટેકસ ઓડિટ રિપોર્ટની સમયમર્યાદા લંબાવવા માટે નિર્દેશ આપવા અપીલ કરવામાં આવશે. અધિનિયમની કલમ ૨૩૪F હેઠળ લેવામાં આવેલી વિલંબિત ફાઇલિંગ ફી પાછી ખેંચવા માટે પણ અપીલ કરવામાં આવશે.

લીગલ નોટિસ મુજબ જોકે આવકવેરા વિભાગનું જૂનું પોર્ટલ કોઈપણ વિક્ષેપ વિના કામ કરી રહ્યું હતું અને તે વપરાશકર્તા માટે અનુકૂળ પણ હતું પરંતુ કેન્દ્રીય નાણા મંત્રાલયે મૂલ્યાંકન વર્ષ ૨૦૨૧-૨૨ની શરૂઆત પછી એક નવું પોર્ટલ બનાવવાનું કાર્ય ઇન્ફોસિસને સોંપ્યું હતું. માનનીય હાઈકોર્ટના અગાઉના નિર્દેશો અનુસાર સીબીડીટી પોર્ટલ પર રિટર્ન ફોર્મ સમયસર અપલોડ કરવામાં નિષ્ફળ રહી છે.

સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવી નથી. નાણાકીય વર્ષ માટે ITR ફાઇલ કરવાની સમયમર્યાદા બે વખત લંબાવવામાં આવી હોવા છતાં નવા લોંચ થયેલા ઇ-ફાઇલિંગ પોર્ટલમાં વિવિધ તકનીકી મુશ્કેલીઓને કારણે ઘણા લોકો સમયસર તેમના રિટર્ન ફાઇલ કરી શકયા ન હતા.

લીગલ નોટિસમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નવું પોર્ટલ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે રિટર્ન ફોર્મ ભરવા અને અપલોડ કરવામાં દ્યણો સમય લાગે છે. કેટલાક કિસ્સાઓમાં પોર્ટલ ITR ફોર્મ ભરવાની વચ્ચે અટકી જાય છે, જેના કારણે કરદાતાઓને મુશ્કેલી પડે છે. આ સાથે ટેકસ પ્રોફેશનલ્સને પણ ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૧ સુધી આ ફોર્મ ભરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

(10:05 am IST)