Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ફલાઇટોમાં મુસાફરોની સંખ્યામાં ૩૦ ટકાનો ઘટાડો

એરલાઇન કંપનીઓ એકબીજા સેકટરની ફલાઇટો મર્જ કરી ઓપરેટ કરવાનું પણ નક્કી કર્યું

નવી દિલ્હી,તા. ૭ : કોરોનાના કેસોનો વિસ્ફોટ થતા દેશમાં ચારેકોર ચિંતાનો માહોલ છે. ત્યારે તેની સીધી અસર ડોમેસ્ટિક ફલાઇટોના મુસાફરો પર જોવા મળી રહી છે. અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ સૌથી વ્યસ્ત રૂટમાં ઓપરેટ થતી ફલાઇટોમાં ૩૦ ટકા મુસાફરોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

મુસાફરોની ઘટી રહેલી સંખ્યાને પગલે એરલાઇન કંપનીઓ એકબીજા સેકટરની ફલાઇટો મર્જ કરી ઓપરેટ કરવાનું પણ નક્કી કર્યુ છે. અમદાવાદ એરપોર્ટ પરથી પ્રતિદિન ૧૫૦થી વધુ ફલાઇટોમાં ૧૮ હજાર પ્રવાસીઓનો ફૂટફોલ છે. આ સંખ્યામાં દિનપ્રતિદીન વધી રહ્યો હતો ત્યાં જ કોરોનાની સંભવિત ત્રીજી લહરે વચ્ચે અમદાવાદથી ઓપરેટ થતી ફલાઇટોમાં કેન્સલનું પ્રમાણ વધી રહ્યુ છે. આજે ગો એરની મુંબઇ, દિલ્હી અને ગોવાની ફલાઇટ રદ કરવામાં આવી હતી, જયારે ઇન્ડિગોની રાત્રે લખનૌની ફલાઇટ રદ કરવામાં આવી હતી.

આ તમામ મુસાફરોને ફલાઇટ શેડયુલ ચેન્જનો મેસેજ પણ આવી ગયો હતો. તમામને સવારની લખનૌની ફલાઇટમાં મર્જ કરવામાં આવ્યા હતા. જયારે સ્પાઇસજેટની ગ્વાલિયરની ફલાઇટ પણ ખરાબ વાતાવરણના પગલે કેન્સલ કરવામાં આવી હતી.એરલાઇન કંપની સાથે સંકળાયેલા સુત્રોએ જણાવ્યુ છે માંડ એરલાઇન કંપનીઓ પાટે ચડી હતી ફરીથી કેસો વધતા મુસાફરોની આવનજાવન પર બ્રેક વાગશે. આવીરીતે કેસો વધતા જ રહેશે તો પ્રતિદિન દિલ્હી, મુંબઇ, ગોવા સહિતના અન્ય વ્યસ્ત રૂટ છે તેમાં પણ ઘટાડો કરીશું.

(10:05 am IST)