Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

કોરોનાની ત્રીજી લહેરે હોટલ ઇન્ડસ્ટ્રીને ૨૦૦ કરોડ રૂપિયાનો ફટકો માર્યો

રેસ્ટોરન્ટમાં લોકોની સંખ્યામાં પણ ભારે ઘટાડો થયો છે અને તે ૫૦ ટકાથી પણ ઓછો થઈ ગયો છેઃ ડિસેમ્બરની સરખામણીએ વેચાણ અને આવક માત્ર ૧૦ થી ૨૦ ટકા છે

નવી દિલ્હી,તા. ૭ : કોરોનાવાયરસ રોગચાળાને કારણે લગ્ન સમારંભો તેમજ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે બુકિંગ રદ થવાને કારણે હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય સંબંધિત ક્ષેત્રોને ૨૦૦ કરોડનું નુકસાન થયું છે. ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (FHRAI) એ આ માહિતી જાહેર કરી છે. કોરોના વાયરસના કેસ વધવાથી અને તેના સંક્રમણને ફેલાવાથી અટકાવવા માટે વિવિધ રાજયોમાં પ્રતિબંધો લાદવાથી અનિશ્ચિતતા વધી છે. ઉદ્યોગને ડર છે કે તેમને સરકારી સમર્થનના અભાવે ફરીથી તેમનો કારોબાર ઠપ્પ થશે.

FHRAI ના સંયુકત માનદ સચિવ પ્રદીપ શેટ્ટીએ જણાવ્યું હતું કે નવા વર્ષની આસપાસ ઘણી બધી ઈવેન્ટ્સનું આયોજન થવાનું હતું. લગ્નની સિઝનના દ્યણા પ્રસંગ રદ કરવામાં આવ્યા છે. નવા વર્ષ અને નાતાલની ઉજવણીના કાર્યક્રમો પણ રદ થવાને કારણે ઉદ્યોગને લગભગ અત્યાર સુધીમાં ૨૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઓમિક્રોનના નવા વેરિએન્ટની અસર અંગે તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે ૨૫ ડિસેમ્બરથી શહેરમાં હોટેલ રૂમનો ઉપયોગ અને ચાર્જમાં ભારે ઘટાડો થયો છે.

શેટ્ટીએ કહ્યું કે રેસ્ટોરન્ટમાં લોકોની સંખ્યામાં પણ ભારે ઘટાડો થયો છે અને તે ૫૦ ટકાથી પણ ઓછા થઈ ગયો છે. ડિસેમ્બરની સરખામણીએ  વેચાણ અને આવક માત્ર ૧૦ થી ૨૦ ટકા  છે. તેમણે કહ્યું કે હોલિડે અને રિસોર્ટ જેવા સ્થળોએ હોટેલ રૂમનો ઉપયોગ પણ ૫૦ ટકાથી વધુ ઘટ્યો છે જે પહેલા સારું કામ કરી રહ્યા હતા.

શેટ્ટીએ કહ્યું કે ઓકટોબર ૨૦૨૧ થી કોરોના વાયરસની બીજી લહેર પછી હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં આવક અને લોકોની સંખ્યામાં સતત વધારો થયો છે. જો કે, હાલમાં ઉદ્યોગ ફરીથી અનિશ્યિતતા તરફ આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે ડિસેમ્બરના મધ્ય સુધીમાં રિસોર્ટ અને વેકેશનમાં હાજરી લગભગ ૮૦ થી ૯૦ ટકા સુધી પહોંચી ગઈ હતી. તેમણે કહ્યું કે શહેરો અને કોર્પોરેટ હોટલોમાં તેઓ લગભગ ૫૦ ટકાને સ્પર્શી રહ્યા છે. કોવિડ-૧૯દ્ગક્ન અગાઉના સ્તરથી આ દ્યટાડો છે પરંતુ આ પ્રોત્સાહક સંકેતો હતા અને તેની સાથે આવક વધી રહી હતી.

તેમણે કહ્યું કે તેમને આશા છે કે કોરોનાની આ નવી લહેર એક મહિનામાં ખતમ થઈ જશે. હાલ આ એક ચિંતાજનક સ્થિતિ છે. તેઓ હવે માત્ર આશા રાખી રહ્યા છે કે જો તે બંધ થશે તો વેપાર સારી સ્થિતિમાં આવશે. શેટ્ટીએ વધુમાં જણાવ્યું હતું કે શું કરવું જોઈએ તે અંગે ઘણો ડર, અને ચિંતા છે કારણ કે સતત બે લોકડાઉન પછી ફરીથી કારોબાર શરૂ કરવા અને કામગીરી નિયમિત સ્તરે લાવવા પાછળ મોટી રકમનું રોકાણ કરવામાં આવ્યું છે.

(10:06 am IST)