Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ત્રીજી લહેરનું ફીંડલુ તુરંતમાં આવતા ૨૫ દિવસ નિર્ણાયક

હાશ... જે સ્પીડે સંક્રમણ વધી રહ્યું છે તેટલી જ ઝડપથી તે ઘટવા લાગશે : નિષ્ણાતનો દાવો

ત્રીજી લહેર અગાઉ કરતા મોટી હશે પણ ઘાતક નહિ હોય

નવી દિલ્હી તા. ૭ : દેશમાં શરૂ થઇ ચૂકેલી કોરોનાની ત્રીજી લહેર પહેલી બે લહેર કરતા મોટી હશે અને ખતમ પણ જલ્દી થશે. સંક્રમણની તીવ્રતાના આંકડાઓની સાથે સાથે નિષ્ણાંતો દ્વારા પણ આવી શકયતાઓ વ્યકત કરાઇ રહી છે. આઇઆઇટી કાનપુરના પ્રોફેસર મનીન્દ્ર અગ્રવાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે જે ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે તેના પરથી સંકેતો મળવા લાગ્યા છે કે ત્રીજી લહેર મોટી હશે. આ લહેર પહેલી લહેરથી આગળ નીકળવાની નજીક છે. સંક્રમણનું પીક બીજી લહેરથી પણ મોટું હોઇ શકે છે પણ કેટલું મોટું હશે તેનો અંદાજ આગામી થોડા દિવસોમાં આવી જશે. જે પ્રકારે સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે એ જ રીતે ઝડપથી તે ઘટશે.

આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર બીજી અને ત્રીજી લહેરના શરૂઆતના આંકડાઓ પણ એ તરફ સંકેત કરી રહ્યા છે. દેશમાં બીજી લહેરની શરૂઆત ગયા વર્ષે ૨ ફેબ્રુઆરીથી થઇ હતી. ૨ ફેબ્રુઆરીએ દૈનિક સંક્રમણ ૮૬૩૫ નોંધાયું હતું ત્યાર પછી સંક્રમણમાં વધારો થતો ગયો અને ૭ મે એ સંક્રમણ પીક પર પહોંચ્યું હતું. ત્યાર પછી સંક્રમણમાં ઘટાડો શરૂ થયો હતો. ૨૮ ડિસેમ્બરે દૈનિક સંક્રમણ ૬૩૫૮ નોંધાયું હતું ત્યાર પછી વધવાનું ચાલુ થયું હતું.

આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર બીજી લહેરના પહેલા ૯ દિવસમાં સંક્રમણ બે ફેબ્રુઆરીના ૮૬૩૫થી વધીને ૧૧ ફેબ્રુઆરીએ ૧૨૯૨૩ થયું હતું. એટલે કે નવ દિવસમાં ૪૯ ટકાનો વધારો થયો હતો. જ્યારે ત્રીજી લહેરમાં ૨૮ ડિસેમ્બરથી ૬ જાન્યુઆરી વચ્ચે ૯ દિવસમાં દૈનિક સંક્રમ ૯૦૯૨૮ સુધી પહોંચ્યું છે એટલે નવ દિવસમાં ૧૩૩૦ ટકાનો વધારો થયો છે.

વર્ધમાન મહાવીર મેડીકલ કોલેજના પ્રોફેસર જુગલ કિશોરે કહ્યું કે, આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે આ ઓમીક્રોનનું સંક્રમણ બહુ જ તીવ્ર છે. તેના પરિણામો નીકળે છે. એક તો સંક્રમણ બહુ ઝડપથી વધશે અને પહેલાથી વધારે હશે. બીજું આગામી દસ અથવા થોડા વધારે દિવસોમાં સંક્રમણ પીક પર પહોંચી જશે.

દુનિયામાં અત્યાર સુધીમાં સંક્રમણના ઘણાં પીક નોંધાઇ ચૂકયો છે, તેની સરખામણીમાં આ વખતે સંક્રમણ બહુ ઝડપી છે. ૭ જાન્યુઆરી ૨૦૨૧ના દિવસે વિશ્વમાં સૌથી વધારે કેસ ૮,૯૨,૭૫૦ નોંધાયા હતા. ત્યારપછી ૨૩ એપ્રિલે આ રેકોર્ડ તૂટી ગયો અને એક દિવસમાં ૯,૦૪,૨૫૩ કેસ નોંધાયા હતા. પણ ઓમીક્રોન સંક્રમણે બધા રેકોર્ડ તોડી નાખ્યા અને ૪ જાન્યુઆરી ૨૦૨૨ના દિવસે રેકોર્ડ ૨૬,૧૦,૮૮૮ કેસ નોંધાયા છે. દક્ષિણ આફ્રીકાનો અનુભવ જણાવે છે કે ૪૫ દિવસમાં ત્યાં સંક્રમણમાં ઘટાડો શરૂ થઇ ગયો હતો.

જો કે ભારતમાં થયેલ અભ્યાસો જણાવે છે કે, બીજી લહેરમાં ડેલ્ટા સંક્રમણ દરમિયાન ૨૦ ટકા દર્દીઓને દાખલ કરવા પડતા હતા જ્યારે ઓમીક્રોનમાં હજુ આ દર ૫ ટકાથી ઓછો છે. દિલ્હીમાં તે ૩.૭ અને મુંબઇમાં ૫ ટકા નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રવાલે બુધવારે કહ્યું કે, સંક્રમણના હિસાબે આગામી ૨૫ દિવસ બહુ મહત્વના છે. સંકેત સ્પષ્ટ છે કે આ ૨૫ દિવસોમાં સંક્રમણ પીક પર પહોંચીને ઘટવાનું શરૂ થઇ જશે.

(10:08 am IST)