Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

શું આ ત્રીજી લહેરની શરૂઆત છે?

દેશમાં ઓમિક્રોનથી થયુ બીજુ મોતઃ ઓડિશાના બાલનરીની મહિલાનું મોત

નવી દિલ્હી, તા.૭: દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ હોય તેવો માહોલ હવે સર્જાયો છે. કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન લોકોમાં ઝડપથી સ્પ્રેડ થઇ રહ્યો છે. ત્યારે સતત વધી રહેલા કેસ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઓડિશાનાં બાલનરીમાં એક મહિલાનું ઓમિક્રોનથી મોત થયુ છે.

ઓમિક્રોનનો કહેર ઝડપથી વધવા લાગ્યો છે. હવે નવા વેરિઅન્ટે દેશમાં વધુ એક મોતને બીજું જીવન લીધું છે. જણાવી દઈએ કે ઓડિશાના બોલાંગીરમાં ઓમિક્રોનથી ૫૫ વર્ષીય મહિલાનું મોત થયું હતું. અગાઉ, રાજસ્થાનનાં ઉદયપુરમાં એક ૭૩ વર્ષીય વ્યકિતનું નવા વેરિઅન્ટથી મૃત્યુ થયું હતું. તેની પાસે કોઈ વિદેશ પ્રવાસનો ઇતિહાસ પણ નહોતો. જણાવી દઈએ કે, ૨૭ ડિસેમ્બરનાં રોજ સંબલપુર જિલ્લામાં સ્થિત વીર સુરેન્દ્ર સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ (VIMSAR)માં મહિલાનું મૃત્યુ થયું હતું. પરંતુ હવે જાણવા મળ્યું છે કે મહિલાને ઓમિક્રોનથી ચેપ લાગ્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. અગલપુર ગામનાં રહેવાસી આ દર્દીએ વિદેશ પ્રવાસ કર્યો ન હતો. ગયા મહિને તેમને સ્ટ્રોક આવ્યો હતો, ત્યારબાદ તેમને ૨૦ ડિસેમ્બરે બાલાંગીરની ભીમા ભોઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. બોલાંગીરનાં સીડીએમઓ સ્નેહલતા સાહુએ જણાવ્યું કે બે દિવસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાને સંબલપુરનાં બુરલાના વિમસરમાં રિફર કરવામાં આવી હતી. તેમની તબિયત બગડ્યા બાદ તેમનો કોરોના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યો હતો. બીજા દિવસે એટલે કે ૨૩ ડિસેમ્બરે મહિલા કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

કોરોના સંક્રમિત થયા બાદ, ઓમિક્રોનની તપાસ માટે જીનોમ સિકવન્સિંગ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જયાં મહિલા નવા વેરિઅન્ટથી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું. ચાર દિવસ પછી, ૨૭ ડિસેમ્બરે, મહિલાનું અવસાન થયું. વળી, રાજસ્થાનનાં ઉદયપુરનાં લક્ષ્મી નારાયણ વિસ્તારમાં રહેતા એક વૃદ્ઘ વ્યકિતનું પણ ઓમિક્રોનથી મૃત્યુ થયું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં સચિવ લવ અગ્રવાલે પણ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તપાસમાં મૃતકનાં શરીરમાં ઓમિક્રોનની હાજરી મળી આવી હતી.

(10:28 am IST)