Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

દુનિયાભરમાં લોકોના જીવ લઇ રહ્યો છે 'ઓમિક્રોન' વેરિઅન્ટ : તેને હળવાશથી લેવાની ભૂલ ના કરો : WHO

WHOએ ફરી એકવાર લોકોને કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટની ગંભીરતા અંગે આપી ચેતવણી

જીનીવા તા. ૭ : દેશ-વિદેશમાં કોરોના ફરી એક વાર હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાના કેસમાં દિવસે-દિવસે ધરખમ વધારો થઇ રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ જણાવ્યું હતું કે, કોરોનાવાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન વિશ્વભરમાં લોકોના જીવ લઇ રહ્યું છે અને તેને હળવાશથી ન લેવું જોઈએ. WHOના ડાયરેકટર-જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે નવા પ્રકારથી રેકોર્ડ સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તે ઘણા દેશોમાં તેના અગાઉના ડેલ્ટા વેરિઅન્ટને ઝડપથી હરાવી રહ્યું છે. એટલે કે હોસ્પિટલો ભરાઈ રહી છે.

ટેડ્રોસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 'અલબત્ત્।, ઓમિક્રોન, ડેલ્ટા કરતાં ઓછું ગંભીર જણાય છે, ખાસ કરીને જે લોકોમાં રસી આપવામાં આવી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેને હળવાશથી લેવું જોઈએ. જૂના વેરિઅન્ટની જેમ ઓમિક્રોન સંક્રમિત લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજી રહ્યા છે. તેમ છતાં, કેસોની સુનામી ઝડપથી અને મોટા પાયે જોવામાં આવી છે. આનાથી વિશ્વભરની આરોગ્ય પ્રણાલીઓનું ભારણ વધી રહ્યું છે. ગયા અઠવાડિયે, WHOએ ૯૫ લાખ નવા કોરોનાના કેસ નોંધ્યા છે, જે એક રેકોર્ડ છે અને એક સપ્તાહ પહેલા જોવા મળેલા કેસો કરતાં ૭૧ ટકા વધુ છે. પરંતુ તેને ઓછો આંકવામાં આવ્યો હતો.

ટેડ્રોસે કહ્યું, 'આ ક્રિસમસ અને નવા વર્ષની રજાઓની આસપાસ કરવામાં આવેલી તપાસના પરિણામો છે. પરંતુ ઘણા કેસ એવા લોકો દ્વારા પણ નોંધવામાં આવ્યા નથી કે જેમણે પોતાની જાતે ટેસ્ટ કરાવ્યો હતો.' WHO ના ડાયરેકટર જનરલે તેમના ૨૦૨૨ ના ભાષણમાં ગયા વર્ષની જેમ રસીના સંગ્રહ પર નારાજ થઈને સમૃદ્ઘ દેશોની નિંદા કરી છે. તેમણે કહ્યું કે આ દેશોના કારણે નવા વેરિઅન્ટને બહાર આવવાની તક મળી છે. તેથી જ તેમણે વિશ્વને વિનંતી કરી કે તેઓ ૨૦૨૨ માં રસીના ડોઝને વધુ ન્યાયી રીતે વહેંચે, જેથી કોરોના દ્વારા થતા 'મૃત્યુ અને વિનાશ'નો અંત આવે. ટેડ્રોસ ઇચ્છતા હતા કે દરેક દેશ સપ્ટેમ્બર ૨૦૨૧ના અંત સુધીમાં તેની વસ્તીના ૧૦ ટકા અને ડિસેમ્બરના અંત સુધીમાં ૪૦ ટકા રસીકરણ કરે.

WHO ના ૧૯૪ સભ્ય દેશોમાંથી ૯૨ દેશો ૨૦૨૧ ના   અંત માટે નિર્ધારિત લક્ષ્યાંક ચૂકી ગયા છે. તેમાંથી ૩૬ એ ૧૦ ટકાનો લક્ષ્યાંક હાંસલ કર્યો નથી, મુખ્યત્વે કારણ કે આ દેશો પાસે રસી ઉપલબ્ધ નથી. ટેડ્રોસ ઇચ્છે છે કે ૨૦૨૨ ના મધ્ય સુધીમાં દરેક દેશની ૭૦ ટકા વસ્તીને રસી આપવામાં આવે. રસીકરણ અભિયાનની વર્તમાન ગતિને જોતાં ૧૦૯ દેશો તે લક્ષ્યને ચૂકી જશે . ટેડ્રોસે કહ્યું, રસીની અસમાનતા લોકો અને નોકરીઓને મારી રહી છે અને તે વૈશ્વિક આર્થિક પુનઃપ્રાપ્તિને નબળી પાડે છે. દેશોમાં બૂસ્ટર પછી બૂસ્ટર ડોઝ આપવાથી મહામારી સમાપ્ત થશે નહીં કારણ કે વિશ્વભરના અબજો લોકો હજી પણ અસુરક્ષિત છે. ઓમિક્રોન અંત નથી.

(10:32 am IST)