Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

મેરિલેન્ડ, ન્યુયોર્ક,કેલિફોર્નિયામાં સ્થિતિ બેકાબુ

કોરોનાઃ અમેરિકામાં સ્થિતી બેકાબુઃ રોજ ૧૦ લાખથી વધુ કેસ : હોસ્પિટલો ઉભરાય રહી છે : બેડ મળતા નથી

ગ્રેમી એવોર્ડસ સમારોહ સ્થગિત કરી દેવાયો

લોસ એન્જલીસ,તા. ૭ : અમેરિકામાં રોજ ૧૦ લાખથી વધારે કોરોના દર્દીઓ  આવવાથી અને હોસ્પિટલોમાં બેડના મળવાના કારણે હાહાકાર મચવા લાગ્યો છે. જો કે રાહતની વાત એ છે કે આઇસીયુમાં બહુ ઓછા દર્દીઓ જોવા મળે છે પણ અમેરિકન મહામારી નિષ્ણાંત ફહીમ યોનુસે ચેતવણી આપી છે કે ઓમીક્રોન વેરીયન્ટને હળવાશમાં ના લેતા, મારી હોસ્પિટલમાં ૧૦૦ ટકા દર્દીઓ વેન્ટીલેટરનો ઉપયોગ કરી રહ્યા છે.

આ ચેતવણી બહુ ગંભીર છે. ડો.ફહીમ અમેરિકન યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડમાં મહામારી કેસોના મુખ્ય ડોકટર છે. તેમણે મેરીલેન્ડની હોસ્પિટલમાં આઇસીયુ ભરાયેલા હોવાની માહિતી આપતા ટવીટ કર્યું છે. ઓમીક્રોનને હળવાશમાં ના લો, માસ્ક પહેરો, કોરોના રસીનો બુસ્ટર ડોઝ લો અને ભીડવાળી જગ્યાઓએ જવાનુ ટાળો.

જો કે તેમણે થોડા દિવસોમાં જ લહેર ખતમ થવાની વાત પણ કરી છે. આ દરમ્યાન, કેલીફોર્નીયાની હોસ્પિટલો અને શાળાઓ ખરાબ સ્થિતીમાં છે. આ રાજ્યમાં કોરોના સંક્રમણમાં આશ્ચર્યજનક વધારો થયો છે. આરોગ્ય અને માનવ સેવા પ્રધાન ડો.માર્ક ગેલીએ કહ્યુ કે અહીં હોસ્પિટલોના બેડ દર્દીઓથી ભરાયેલ પડ્યા છે. આઇસીયુ પણ પહેલા જેટલા ખાલી નથી. કેલીફોર્નીયા હોસ્પિટલ એસોસીએશનના કિયોમી બર્ચિન કહ્યુ કે ૪૦ ટકા હોસ્પીટલો મહત્વના કર્મચારીઓની અછત અનુભવી રહી છે. આવી જ પરિસ્થિતી ન્યુયોર્ક, કેન્ટુકી, ટેક્ષાસ અને ફલોરીડામાં પણ છે.

ઓમીક્રોનના વધી રહેલા કેસો વચ્ચે લોસ એન્જલીસમાં આયોજીત થનાર ગ્રેમી એવોર્ડસ સમારોહને સ્થગિત કરી દેવાયો છે. આ સમારોહ ૩૧ જાન્યુઆરીએ લોસ એન્જલીસના 'ક્રિપ્ટો ડોર કોમ એરિના'માં આયોજીત થવાનો હતો.

(10:44 am IST)