Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

બીજી લહેર ભૂલી ગઇ પ્રજા !

સરકાર અને લોકોની બેદરકારીને કારણે આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર

નવી દિલ્હી,તા. ૭ : બેદરકારી કેટલી હદે જીવલેણ નિવડી શકે છે એ કોરોનાની સંભવિત ત્રીજી લહેરે દેખાડી દીધું છે. બીજી લહેર સમાપ્ત થઈ ત્યારથી આજદિન સુધી લોકોએ જે હદે જલસા કર્યા છે એનું પરિણામ આજે એ આવ્યું છે કે, અમદાવાદ, ગુજરાત અને સમગ્ર દેશમાં કોરોનાની વિકરાળ મહામારીએ આતંક મચાવી દીધો છે.

બેફીકરાઈ બદલ લોકો અને સરકાર બંને સરખા જવાબદાર છે. નિયંત્રણો હટી જતા અને કરફ્યુમાં વધુ પડતી છૂટછાટ મળતા હવે કોરોના ગયો એમ માનીને લોકોએ કરફ્યૂમાં કેદ રહ્યા એ દિવસોનું સાટું વાળી દીધું. બજારો, દુકાનો, મોલ, બાગ-બગીચા, લગ્નો, રિવરફ્રન્ટ સહિતનાં સ્થળોએ ભેગા થઈને લાખો લોકોએ બેફિકર થઈને મોજમજા માણી.

આમ તો બારેમાસ મોંઘવારીની રાડારાડ હોય છે પણ ૨૦૨૧માં લોકોએ મુકત મને પૈસા ઉડાડયા છે એનો ઈનકાર થઈ શકે તેમ નથી. કોમન મેનની આ જ કડવી વાસ્તવિકતા છે કે, એ દેખાદેખીમાં ન કરવાની ભૂલો કરી બેસે છે ને ઉપરથી 'પડશે એવા દેવાશે'જેમ છાતી કાઢીને માસ્ક-સેનિટાઈઝરની ઐસી તૈસી કરીને ફરે છે.

કોરોના વેકિસનની બાબતમાં પણ આવા લોકો એટલા જ જવાબદાર છે. આજે પણ એવા અસંખ્ય લોકો છે જેમણે રસી નથી લીધી. આવા બેફિકરા લોકોએ જયાં મોકો મળ્યો ત્યાં પર્યટન સ્થળોએ એકઠા થઈને એ મોજ માણી અને ભીડ ભેગી કરી કોરોનાને ખુલ્લું નોતરૃં આપી બેઠા. ગંભીર પરિસ્થિતિમાં પણ આબુ, ઉદેપુર, દિવ-દમણ અને ગોવા જેવા સ્થળોએ તમામ રૂમો હાઉસફૂલ થઈ ગયા હતા.

એસ.ટી. સ્ટેન્ડ હોય, રેલવે સ્ટેશન હોય કે એરપોર્ટ જયાં જુઓ ત્યાં ભીડ-ભીડ ને કેવળ ભીડ જ જોવા મળી. બીજી બાજુ સરકાર પણ કોરોનાની બીજી લહેર નબળી પડતા ભીડ ભેગી કરવામાં વ્યસ્ત બની ગઈ. ૨૦૨૧માં સમગ્ર રાજયમાં ઠેર ઠેર લોકાર્પણો અને ઉદ્ઘાટનોની લાઈન લાગી ગઈ.  રાજકીય સમારંભો યોજાવા લાગ્યા. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં તો નેતાઓએ હદ વટાવી દીધી. ગામેગામ ચૂંટણી સભાઓ અને રેલીઓમાં હજારો-લાખો લોકોને ભેગા કરી કોરોનાની ત્રીજી લહેરનું એડવાન્સ બુકીંગ કરી નાખ્યું. આજે હવે કોરોનાએ ફરી ફુંપાડો માર્યો છે ત્યારે રહી રહીને વાઈબ્રન્ટ સહિતના સરકારી કાર્યક્રમો છેલ્લી ઘડીએ સરકારે રદ કરવા પડી રહ્યા છે.

આવા કાર્યક્રમોની તૈયારી પાછળ કરેલો કરોડોનો ખર્ચ પણ માથે પડયો છે. ટૂંકમાં લોકો અને સરકાર, બંનેના બેજવાબદાર અભિગમે કોરોનાને ફરી પગપેસારો કરવાનો મોકો આપી દીધો છે. સરકારે બીજી લહેર પછી ભેગા થતા લોકોને કાબુમાં તો ન જ રાખ્યા, ઉલટું પોતાના કાર્યક્રમોમાં ભીડ ભેગી કરી આફતને ત્રાટકવા માટે જગ્યા કરી આપી.

(10:44 am IST)