Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

મહિલાના વાળમાં થૂંકવું હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબને ભારે પડ્યું : ફરિયાદ નોંધાતા માગી માફી

વર્કશોપમાં મહિલાને હેરકટ આપતી વખતે તેના માથામાં થૂંકયો જાવેદ હબીબ : ઉત્ત્।રપ્રદેશના મુઝફફરનગરમાં યોજાયો હતો વર્કશોપ : હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબના એક વીડિયોને લઈને વિવાદ ઉભો થયો નેશનલ કમિશન ફોર વુમને મહિલા સાથે થયેલી ઘટનાને વખોડી કાઢી

નવી દિલ્હીઃ નેશનલ કમિશનલ ફોર વુમને ગુરુવારે ઉત્ત્।રપ્રદેશ પોલીસને હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબના એક મહિલાના વાળમાં થૂંકતા વીડિયોની તપાસ કરવાનો આદેશ આપ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉત્ત્।રપ્રદેશના મુઝફફરનગરમાં જાવેદ હબીબ દ્વારા હાથ ધરાયેલા વર્કશોપમાં આ ઘટના બની હતી.

'કમિશને ઘટનાને ખૂબ ગંભીરતાથી લીધી છે અને માત્ર વખોડી જ નથી પરંતુ કાયદા/પ્રક્રિયા મુજબ તાત્કાલિક વીડિયોની સત્યતાની તપાસ કરવા માટે આ બાબતે તમારા તાત્કાલિક હસ્તક્ષેપની પણ માગણી કરે છે. ઘટના કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫નો પણ ભંગ દર્શાવે છે, જયાં કોરોના મહામારીમાં જાહેરમાં થૂંકવુ તે સજાપાત્ર ગુનો છે', તેમ એનસીડબ્લ્યૂએ યુપી પોલીસને લખેલા પત્રમાં જણાવ્યું છે.

'તેથી તમારે યોગ્ય પગલા લેવા માટે આ ઘટનાની તાત્કાલિક તપાસ કરવી જરૂરી છે. લેવાયેલા પગલાના અહેવાલની વહેલી તકે કમિશનને પણ જાણ કરવામાં આવી', તેમ પત્રમાં કહેવામાં આવ્યું છે. કમિશને જાવેદ હબીબને પણ નોટિસ મોકલી છે.

સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થયો છે, તેમા જાવેદ હબીબ ખુરશીમાં હેરકટ માટે બેઠેલી મહિલાના વાળમાં થૂંકતો જોવા મળી રહ્યો છે. જે બાદ તે કહે છે કે 'જો પાણીની તંગી હોય તો થૂંકનો ઉપયોગ કરો'. વીડિયોના બેકગ્રાઉન્ડમાં વર્કશોપમાં આવેલા લોકોને તાળીઓ પાડતા અને હસતા જોઈ શકાય છે.

વર્કશોપમાં જે મહિલા સાથે ઘટના બની તેની ઓળખ પૂજા ગુપ્તા તરીકે થઈ છે. તેણે પોતાના કડવા અનુભવને શેર કરતા કહ્યું હતુ કે 'મેં જાવેદ હબીબના વર્કશોપમાં હાજરી આપી હતી. તેણે મને હેરકટ માટે સ્ટેજ પર બોલાવી હતી. તેણે કહ્યું હતું કે, જો પાણી ન હોય તો થૂંક વાપરી શકો છો. હવે હું રસ્તા પર વાળ કાપતા બાર્બર પાસે જઈશ પરંતુ હબીબ પાસે નહીં જાઉ', તેમ બ્યૂટી પાર્લર ચલાવતી પૂજા ગુપ્તાએ કહ્યું હતું.

બાદમાં ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા ગુપ્તાએ કહ્યુ હતુ કે, તેણે હબીબ પાસેથી શીખવા માટે વર્કશોપમાં હાજરી આપી હતી અને જયારે તેણે તેને સ્ટેજ પર બોલાવી તો ખુશ થઈ ગઈ હતી. 'તે મારા સવાલનો જવાબ આપી રહ્યો નહોતો. તેણે મારુ માથુ ખેંચ્યુ હતું, મેં વાંધો ઉઠાવ્યો હતો અને મને સર્વિકલ ઈશ્યૂ હોવાનુ કહ્યુ હતુ. તે બેવાર મારા વાળ પર થૂંકયો હતો અને કહ્યુ હતુ કે જો તમારા પાર્લરમાં પાણી ન હોય તો તમે થૂંકી શકો છો. મારા પતિ વીડિયો બનાવી રહ્યા હતા. સ્ટેજ પરથી હું નીચે આવી ત્યારે હબીબના આસિસ્ટન્ટે મને કહ્યુ હતુ કે, તે માત્ર મજાક કરી રહ્યો હતો', તેમ તેણે કહ્યુ હતું.

જાવેદ હબીબે ગઇકાલે મોડી રાતે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને માફી પણ માગી હતી. તેણે કહ્યુ હતુ કે 'સેમિનારમાં મારા કેટલાક શબ્દોના લઈને લોકોને ઠેસ પહોંચી છે. અમારા સેમિનાર પ્રોફેશનલ હોય છે. આ લાંબા શો હોય છે. એક જ વાત કહું છું, દિલથી. જો સાચેમા ઠેસ પહોંચી છે તો માફ કરી દો. સોરી દિલથી માફી માગુ છુ'.

(10:45 am IST)