Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

રાજ્યમાં લોકડાઉંન નહીં પણ આકરા નિયંત્રણોની તૈયારી

આજે સાંજે કોર કમિટીની બેઠકઃ શાળા-કોલેજો સંપૂર્ણ બંધ કરવા નિર્ણય લેવાશેઃ ધાર્મિક-લગ્ન-સામાજિક પ્રસંગોની હાલની ૪૦૦ લોકોની છૂટમાં કાપ મુકાશેઃ મહાનગરોમાં કર્ફયુનો સમયગાળો વધશેઃ મહાનગરો ઉંપરાંત જિલ્લાઓને પણ આવરી લેવા તૈયારીઃ કર્ફયુનો સમય એક-બે કલાક વધશે

અમદાવાદ, તા. ૭ : ગુજરાતમાં મહામારી કોરોનાએ ફરી માથુ ઉંંચકતા અને કેસમાં રોકેટ ગતિએ ઉંછાળો આવતા રાજ્ય સરકાર દ્વારા તેને કાબુમાં લેવા કમર કસવામાં આવી છે જેના ભાગરૂપે ગઈકાલે વાયબ્રન્ટ સમિટ, પતંગોત્સવ અને ફલાવર શો કેન્સલ કરાયા બાદ હવે સમગ્ર રાજ્યમાં કોરોનાને કાબુમાં લેવા માટેનો એકશન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે હેઠળ રાજ્યમાં આકરા નિયંત્રણો મુકાશે પરંતુ લોકડાઉંન નહી લદાય તેવા નિર્દેશો મળી રહ્યા છે.
કોરોના સંક્રમણ વધતા ચિંતિત રાજ્ય સરકારની કોર કમિટીની આજે સાંજે બેઠક મળી રહી છે અને તેમાં વિવિધ પ્રકારના નિયંત્રણો વિશે નિર્ણય લેવાય તેવી પુરેપુરી શકયતા છે. રાજ્યના ૮ મહાનગરોમાં હાલ અમલી કર્ફયુનો સમયગાળો એક-બે કલાક વધારવામાં આવે તેવી શકયતા છે. હાલ રાત્રીના ૧૧થી સવારના ૫ સુધીનો કર્ફયુ અમલી છે. હવે આ કર્ફયુ રાત્રીના ૯ થી અથવા તો ૧૦થી અમલી બનાવાય તેવી શકયતા છે. એટલુ જ નહી કર્ફયુનો અમલ વિસ્તારીને જિલ્લાઓને પણ તેમા આવી લેવામાં આવે તેવી શકયતા છે.
કોર કમિટીમાં શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્ય ઓફલાઈન બંધ કરી ઓનલાઈન ચાલુ રાખવાનોે નિર્ણય લેવાય તેવી શકયતા છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ કોરોનાનો ભોગ બનતા રાજ્ય સરકાર ચિંતિત છે અને વાલીઓ તથા વિદ્યાર્થીઓના હિતમાં ઘરેથી શિક્ષણનો કોન્સેપ્ટ ફરીથી લાગુ કરવામાં આવે તેવી શકયતા છે.
કોેર કમિટીની મીટીંગમાં ભીડભાડ અટકાવવા વિશે પણ મહત્વના નિર્ણયો લેવાશે. લગ્ન, જાહેર મેળાવડા, ધાર્મિક અને સામાજિક પ્રસંગોમા હાલ ૪૦૦ લોકોની મર્યાદા છેે તેમા ઘટાડો કરવામાં આવે તેવી શકયતા છે. ફરી ૨૦૦ની મર્યાદા લાગુ કરાય તેવી શકયતા છે. સરકારી કાર્યક્રમો પણ નહી યોજવા નિર્ણય લેવાય તેવી શકયતા છે.
સરકારનું માનવુ છે કે અર્થતંત્રની ગાડી માંડ પાટે ચડી હોય લોકડાઉંન નહી ઝીંકાય પરંતુ નિયંત્રણો મુકાશે. સરકાર એવુ ઈચ્છે છે કે વેપાર-ધંધા ચાલુ રહેવા જોઈએ અને સાથે સાથે કોરોનાને કાબુમાં લેવાના પ્રયાસો પણ ચાલુ રહેવા જોઈએ.
રાજ્ય સરકાર માસ્ક પહેરવાની લોકોને ફરી ફરજ પાડે તે પ્રકારે ચેકીંગ ઝુંબેશ પણ શરૂ કરે તેવી શકયતા છે. હાલ વેકસીનેશનનું કામકાજ પૂરજોશમાં ચાલુ છે. જેમા પણ ઝડપ લાવવા અને બાકી રહી ગયેલાઓને ઝડપથી વેકસીન અપાવવા પ્રયાસો હાથ ધરાય તેવી પણ શકયતા છે.

 

(11:10 am IST)