Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

છૂટાછેડા મંજુર કરતા કોર્ટે કહ્યું... ભાવના-લાગણીના આદાન-પ્રદાન વગર લગ્ન માત્ર એક કાનૂની બંધન છે

બન્ને વચ્ચે લાગણીઓ ન હોય તો બન્નેને બંધનમાં બાંધી રાખવા એ અરજદાર માટે માનસિક ક્રૂરતા છઃે જો પરાણે લગ્નની ગાડી ચાલુ રખાય તો બન્નેને પોતાના જીવન જીવવાનો હક્ક ગુમાવી દયે તેવુ અમને લાગે છેઃ કોર્ટ

નવી દિલ્હી, તા. ૭:. દિલ્હી હાઈકોર્ટે જણાવ્યુ છે કે ભાવનાઓ એટલે કે લાગણીઓના આદાન-પ્રદાન વગર લગ્ન એક માત્ર કાનૂની બંધન છે. આવા સંજોગોમાં પતિ-પત્નિને કાનૂની બંધનથી બાંધી રાખવા એ તેમને તેમનુ જીવન જીવવાનું છીનવી લેવા સમાન કહી શકાય. આ વૈવાહીક બંધન ચાલુ રાખવુ એ અરજદાર માટે માનસિક ક્રુરતા સમાન છે. અદાલતે આવુ કહીને એક મહિલાના છૂટાછેડાની અરજી મંજુર કરી હતી.
ન્યાયમૂર્તિઓએ ફેમીલી કોર્ટના છૂટાછેડાને મંજુર નહી કરવાના ફેંસલાને રદ્દ કરતા કહ્યુ હતુ કે, વર્તમાન અપીલમાં બન્ને પક્ષકારોને અલગ કરી દઈએ તો તેઓ અલગથી જીવન શરૂ કરી શકે છે.
કોર્ટે કહ્યુ હતુ કે લગ્નનો હેતુ બે આત્માઓને એક સાથે લાવવાનો છે. બન્ને જીવન નામની એક સાહસિક યાત્રા પર નિકળતા હોય છે. તેઓ પોતાના અનુભવો, હાસ્ય, દુઃખ, સુખ, ઉંપલબ્ધીઓ અને સંઘર્ષ એકબીજાના વહેંચતા હોય છે. તેઓ પરસ્પર રીતે ભાવનાત્મક, માનસિક અને ભૌતિક ઉંપસ્થિતિ સાથે જીવન જીવતા હોય છે. જીવનની આ યાત્રા પર તેઓ વ્યકિતગત, સામાજિક અને આધ્યાત્મિક બંધનોનું નિર્માણ કરે છે. ભૂતકાળની સ્મૃતિઓ, ભવિષ્યની યોજનાઓ વડે તેઓ સમાજમાં એકબીજાની સાથે રહેતા હોય છે.
કોર્ટે કહ્યુ હતુ કે, વર્તમાન કેસમાં બન્ને પક્ષ લગ્ન પછી થોડા સમયને બાદ કરતા એક સાથે રહેતા નથી. પતિએ પત્નિ સાથે વિદેશી મહિલાના સ્વરૂપમાં વ્યવહાર કર્યો અને તે પણ એક કામચલાઉં સાથી તરીકે ઉંપયોગ કર્યો. પત્નિ શિક્ષિત છે અને નોકરી કરી છે. ૧૧ વર્ષમાં બન્ને થોડા દિવસ જ સાથે રહ્યા છે. અદાલતે કહ્યુ છે કે મુદ્દો એ છે કે પતિએ પોતાની ભૂમિકા કેવી રીતે નિભાવી ? તે પોતાની પત્નિ પ્રત્યે સાવ ઉંદાસ અને નિષ્ક્રીય રહ્યો. પતિનો વ્યવહાર દર્શાવે છે કે લગ્ન ચાલુ રાખવા એ તેની પ્રાથમિકતા નથી.
એટલુ જ નહીં પતિએ પોતાના પત્નિના પિતા વિરૂદ્ઘ ગંભીર અને નિંદનીય આરોપ લગાવ્યા છે જે સાબિત નથી થઈ શકયા. તેમણે સસરાના ચરીત્ર હનનનો પ્રયાસ કર્યો છે. પોતાના પિતા વિરૂદ્ઘ ગંભીર આરોપો કોઈ મુકે તો તે કોઈ પુત્રી સહન કરી શકે નહી. કોર્ટે કહ્યુ છે કે અમારા વિચારમાં પતિનો આવો વ્યવહાર પણ અરજદાર સાથે કરવામાં આવેલી માનસિક ક્રૂરતાનો આધાર છે. એવામાં અમે લગ્નને ફોક ગણીએ છીએ.
આ મામલો પ્રથમ ફેમીલી કોર્ટમાં ગયો હતો અને તે યુપીનોે હતો. મહિલા લખનૌ યુનિ.માં બી.ટેક. કરતી હતી અને પતિ કેનેડા રહેતો હતો. લગ્ન પછી કેનેડા ચાલ્યો ગયો અને અનેક વર્ષો પછી ભારત આવ્યો. ભારત આવી પાછો કેનેડા ચાલ્યો ગયો. આ દરમિયાન પતિ પોતાની પત્નિનું માનસિક અને યૌનશોષણ કરતો હતો. જો કે પતિએ આરોપોને નકારી કાઢયા હતા.


 

(10:55 am IST)