Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

એસબીઆઇ રિસર્ચનો દાવો

મહામારીમાં નાદારીના આરે હતા સાડા તેર લાખ ઉદ્યોગો

સરકારની ઇસીએલજીએસ યોજનાએ દેવાળીયા થતા બચાવી લીધા

નવી દિલ્હી તા. ૭ : આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ જાહેર કરાયેલ ગેરેંટી લોન યોજનાએ લાખો લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ડૂબતા બચાવી લીધા છે. એસબીઆઇ રિસર્ચે ગઇકાલે જાહેર કરેલ રિપોર્ટમાં દાવો કર્યો છે કે ઇમર્જન્સી ગેરેંટી લોન યોજના (ઇસીએલજીએસ)એ ૧૩.૫ લાખ એમએસએમઇને મહામારીમાં બંધ થતા બચાવ્યા એટલું જ નહીં ૧.૫ કરોડ લોકો બેરોજગાર થતા પણ બચાવી લીધા. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ૨૦ લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ આ યોજનાની શરૂઆત કરી હતી.

એસબીઆઇ રિસર્ચ અનુસાર કોરોનાની પહેલી લહેર દરમિયાન વિભીન્ન ઉદ્યોગોને નાણાકીય સહાય માટે ૪.૫ લાખ કરોડની ગેરેંટી લોન યોજના શરૂ થઇ હતી. તેના દ્વારા અપાયેલ કુલ રકમમાંથી ૯૩.૭ ટકા રકમ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ)ને અપાઇ હતી.

આ લોને ૧૩.૫ લાખ એમએસએમઇને દેવાળીયા થતા બચાવી લીધા અને ૧.૮ લાખ કરોડ રૂપિયાની લોન પણ એનપીએ થતા બચી ગઇ. આ રકમ એમએસએમઇની કુલ બાકી લોનના લગભગ ૧૪ ટકા છે. જો આ ઉદ્યોગો બંધ થઇ જાત તો લગભગ દોઢ કરોડ લોકોની નોકરીઓ પણ છીનવાઇ જાત. એટલે એક નોકરીયાત જો ચાર લોકોનું ભરણપોષણ કરતો હોય તો ગેરેંટી લોન યોજનાએ છ કરોડ લોકોનું ગુજરાન ચાલુ રાખ્યું છે.

(11:02 am IST)